હવે યમનમાંથી હુમલો, ઈઝરાયેલ પર લોન્ચ કરાયેલી મિસાઈલ્સ તેમજ ડ્રોન અમેરિકન યુધ્ધ જહાજે તોડી પાડ્યા

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
હવે યમનમાંથી હુમલો, ઈઝરાયેલ પર લોન્ચ કરાયેલી મિસાઈલ્સ તેમજ ડ્રોન અમેરિકન યુધ્ધ જહાજે તોડી પાડ્યા 1 - image

image : Twitter

તેલ અવીવ,તા.20 ઓક્ટોબર 2023,શુક્રવાર

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈના સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં લેબેનોનાના આતંકી જૂથ હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલને ટાર્ગેટ કરી રહ્યુ છે તો હવે યમનના હૂતી બળવાખોરોએ ત્રીજો મોરચો ખોલવાનો પ્રયાસ કર્યો છે. 

યમનના હૂતી બળવાખોરોને ઈરાનનુ સમર્થન છે. હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, હૂતી જૂથે ઈઝરાયેલ પર મિસાઈલ્સ લોન્ચ કરી હતી પણ મિડલ ઈસ્ટમાં તૈનાત અમેરિકન યુધ્ધ જહાજો પૈકી એકે ગુરૂવારે બે થી ત્રણ મિસાઈલ ઈઝરાયેલ પર ખાબકે તે પહેલા જ હવામાં આંતરીને નષ્ટ કરી નાંખી હતી. 

અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પેટ રાઈડરે આ વાતને સમર્થન આપતા કહ્યુ હતુ કે, અમેરિકન યુધ્ધ જહાજ યુએસએસ કાર્નીએ જમીન પરથી જમીન પર હુમલો કરી શકતી ત્રણ મિસાઈલ્સ અને સંખ્યાબંધ ડ્રોન હવામાં જ તબાહ કરી નાંખ્યા છે. આ મિસાઈલ્સ અને ડ્રોન યમનમાં ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ લોન્ચ કર્યા હતા. 

તેમણે કહ્યુ હતુ કે, અમારી કાર્યવાહી અમેરિકાએ મિડલ ઈસ્ટમાં પોતાના સહયોગીઓ માટે બનાવેલી એર એન્ડ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ક્ષમતા દર્શાવે છે. અમારા હિતોની રક્ષા માટે જરૂર પડે ગમે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવશે.

રાઈડરે કહ્યુ હતુ કે, આ મિસાઈલના ટાર્ગેટ પર શું હતુ તે તો હાલમાં નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી પણ યમનમાંથી લોન્ચ થયેલી મિસાઈલ્સ રેડ સી ઉપરથી ઉત્તર તરફ આગળ વધી રહી હતી અને સંભવત તેનુ લક્ષ્ય ઈઝરાયેલ હતુ. હાલમાં અમેરિકન યુધ્ધ જહાજ યુએસએસ કાર્ની રેડ સીમાં પ્રવેશી ચુકયુ છે. 


Google NewsGoogle News