જહાજો પર હૂતી જૂથના હુમલાઓથી પરેશાન અમેરિકા, સુરક્ષા માટે મલ્ટીનેશનલ ટાસ્ક ફોર્સ બનાવી
image : Socialmedia
તેલ અવીવ,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર
ઈઝરાયેલ અને હમાસના યુધ્ધ વચ્ચે મધ્ય પૂર્વમાં અમેરિકન નૌસેનાના વિનાશક યુધ્ધ જહાજો પેટ્રોલિંગ કરી રહ્યા હોવા છતા ઈરાન સમર્થિત હૂતી જૂથના વેપારી જહાજો પરના હુમલા રોકાઈ રહ્યા નથી.
હવે અમેરિકન સંરક્ષણ સચિવ લોઈડ ઓસ્ટિને હૂતી વિદ્રોહીઓના જહાજો પર થતા મિસાઈલ અને ડ્રોન એટેક રોકવા માટે મલ્ટીનેશનલ ટાસ્ક ફોર્સ બનાવવાનુ એલાન કર્યુ છે.
ઈઝરાયેલની મુલાકાતે ગયેલા ઓસ્ટિને કહ્યુ હતુ કે, ઈરાન સમર્થિત હૂતી જૂથ દ્વારા વધી રહેલા હુમલાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક સ્તરે અમે મિશન લોન્ચ કરી રહ્યા છે. આ કોઈ એક દેશની નહીં પણ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે અને એટલા માટે ગ્લોબલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે.
તેમણે આ ટાસ્ક ફોર્સમાં અમેરિકાની સાથે બહેરિન, કેનેડા, ફ્રાંસ, ઈટાલી, નેધલેન્ડ, નોર્વે, સેશલ્સ, સ્પેન અને બ્રિટનની નૌસેનાઓને સામેલ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ હતુ કે, લાલ સાગરમાંથી પસાર થતા જહાજોની લેન સુરક્ષિત રહે તે વિશ્વ માટે જરુરી છે. જેથી વેપાર ચાલુ રહી શકે.
આ મલ્ટી નેશનલ ટાસ્ક ફોર્સ લાલ સાગર તેમજ એડનની ખાડીમાં હૂતીઓ ના હુમલાના કારણે ઉભા થયેલા ખતરાને પહોંચી વળશે.
ઉલ્લેખનીય છે કે, હૂતી જૂથે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરુ થયેલા જંગ બાદ સંખ્યાબંધ જહાજોને મિસાઈલ અને ડ઼્રોન એટેક વડે ટાર્ગેટ કર્યા છે અને એક જહાજનુ તો અપહરણ પણ કર્યુ હતુ.