યાગી વાવાઝોડાએ મચાવી તબાહી: ફિલિપાઇન્સમાં 14 લોકોએ ગુમાવ્યા જીવ, ઍરપૉર્ટ પર ફસાયા લોકો
Image: X
Yagi Storm in Philippines: ઉત્તરીય ફિલિપાઇન્સમાં મંગળવારે જોરદાર તોફાનના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે. આપત્તિ પ્રતિભાવ અધિકારીઓએ આ વિશે જાણકારી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉષ્ણકટિબંધીય તોફાન યાગી ઈલોકોસ નોર્ટે પ્રાંતના પાઓય શહેરથી દક્ષિણ ચીન સાગરમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટકરાયું અને તેની ઝડપ 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ. સમુદ્રથી ઉત્તર-પશ્ચિમની દિશામાં દક્ષિણ ચીન તરફ આગળ વધવા દરમિયાન યાગી ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી શક્યતા છે.
લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી
ઉત્તરીય ફિલિપાઇન્સના મોટાભાગના પ્રાંતોમાં તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. લોકોને વરસાદથી પ્રભાવિત પહાડી ગામોમાં ભૂસ્ખલન અને દેશના સૌથી વધુ વસતી વાળા વિસ્તાર લૂજોનના નીચલા વિસ્તારોમાં પૂરના જોખમ પ્રત્યે સતર્ક કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્તરે એનટેંગ નામથી જાણીતા યાગી તોફાનથી ફિલિપાઇન્સમાં ચોમાસાનો વરસાદ વધ્યો છે. ગાઢ વસતી ધરાવતા મનીલા અને લૂજોનમાં મુશળધાર વરસાદના કારણે મંગળવારે પણ સ્કૂલ અને સરકારી કાર્યાલય બંધ રહ્યા.
હજારો મુસાફરો બંદરો અને ઍરપૉર્ટ પર ફસાયેલા છે
એન્ટિપોલોના આપત્તિ શમન અધિકારી એનરિલિટો બર્નાર્ડો જુનિયરે જણાવ્યું કે ઉત્તરી અને મધ્ય પ્રાંતોમાં ભૂસ્ખલન, પૂર અને નદીઓમાં તોફાનના કારણે 14 લોકોના મોત થયા છે. બર્નાર્ડોએ જણાવ્યુ કે પૂરમાં ઘણાં ઘર વહી જવાના કારણે ચાર ગ્રામજનો ગુમ થવાના સમાચાર છે. તોફાનને જોતાં સમુદ્રી યાત્રા પર રોક અને 34 ફ્લાઇટને રદ કરવાના કારણે સોમવારે બંદર અને ઍરપૉર્ટ પર હજારો મુસાફરો ફસાઈ ગયા.