પાકિસ્તાની સેનામાં અધિકારી બની ફરજ બજાવતા બે અફઘાન નાગરિકોની હકાલપટ્ટી

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાની સેનામાં અધિકારી બની ફરજ બજાવતા બે અફઘાન નાગરિકોની હકાલપટ્ટી 1 - image

image : Socialmedia

ઈસ્લામાબાદ,તા.20 માર્ચ 2024,બુધવાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુધ્ધ જેવા સંજોગો ઉભા થયા છે. પાકિસ્તાન હવે અફઘાનિસ્તાની તાલિબાન સરકાર સામે આકરુ વલણ અપનાવી રહી છે.

જેના ભાગરુપે પાકિસ્તાને પોતાના દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા અફઘાન નાગરિકોને દેશની બહાર કાઢવાના અભિયાનને તેજ કરી દીધુ છે. પાકિસ્તાનની આર્મીમાં અધિકારી તરીકે કામ કરી રહેલા બે અફઘાના નાગરિકોની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે.

તાજેતરમાંજ  પાકિસ્તાની એરફોર્સે અફઘાનિસ્તાનની બોર્ડરમાં ઘુસીને હુમલા કર્યા હતા. જેમાં આઠ મહિલાઓના મોત થયા હતા. એ પછી બંને દેશો વચ્ચે ટકરાવ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનનુ કહેવુ છે કે, અફઘાનિસ્તાનમાં આશ્રય લઈ રહેલા તહેરિક એ તાલિબાન પાકિસ્તાનના આતંકીઓ પાકિસ્તાનમાં હુમલા કરી રહ્યા છે અને તેના કારણે તેમની પર કાર્યવાહી કરવાની જરૂર છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ચોંકાવનારો દાવો કરતા કહ્યુ હતુ કે, બોર્ડર ખુલ્લી હોવાથી અફઘાન ઘૂસણખોરો દેશમાં ઘૂસી જાય છે અને પોતે પાકિસ્તાનમાં રહેતા હોવાના દસ્તાવેજો પણ મેળવી શકે છે. ત્યાં સુધી કે તેઓ પાકિસ્તાની સેનામાં ભરતી થઈ શકે છે. સંરક્ષણ મંત્રી તરીકે મેં બે થી ત્રણ એવી ફાઈલ પર સહી કરી છે જેમાં અફઘાન સૈનિકોને પાક આર્મીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હોય. આ પૈકી એક કેપ્ટન અને એક લેફટનન્ટ હતો.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા ગત 31 ઓક્ટોબરથી દેશમાં ગેરકાયદે રહેતા અફઘાન નાગરિકોને પાકિસ્તાનમાંથી પાછા મોકલવાનુ અભિયાન શરુ કર્યુ છે અને તેને લઈને સંરક્ષણ મંત્રીએ એક પાકિસ્તાની અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ઉપરોકત વાત કરી હતી.

એક અંદાજ અનુસાર પાકિસ્તાનમાં 17 લાખ અફઘાન નાગરિકો રહે છે અને તેમાંથી 14 લાખને શરણાર્થી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. પાકિસ્તાને યોગ્ય દસ્તાવેજો વગર રહેતા લોકોને દેશ છોડવાનો આદેશ આપી દીધો છે અને પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન વચ્ચે ઉભી થયેલી કડવાશનુ એક મોટુ કારણ ઉપરોકત નિર્ણય પણ છે.


Google NewsGoogle News