પૂરના કારણે તબાહી વચ્ચે પાકિસ્તાનમાં 20 લાખ બાળકો સ્કૂલ છોડી દે તેવી સ્થિતિ
નવી દિલ્હી,તા.2 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
આર્થિક રીતે કંગાળ થઈ ચુકેલા પાકિસ્તાનને હવે પૂરે બરબાદીની અણી પર લાવી દીધુ છે.
પાકિસ્તાનના 110 જિલ્લાઓમાં પૂરના પ્રકોપના કારણે બાળકોનુ શિક્ષણ પણ રોકાઈ ગયુ છે. સિંધ પ્રાંતના શિક્ષણ મંત્રીનુ કહેવુ છે કે, પૂરના કારણે 20 લાખ બાળકો સ્કૂલ છોડવા મજબૂર થઈ શકે છે.
પાક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં શિક્ષણ મંત્રી સૈયદ સરદાર અલી શાહે કહ્યુ હતુ કે, સ્કૂલો પણ પૂરના કારણે નષ્ટ થઈ ગઈ છે. જેનાથી હવે બાળકોને ક્યાં ભણાવવા તેની સમસ્યા સર્જાઈ છે.
સિંધ પ્રાંતમાં શિક્ષણ ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. રાહત કામગીરી સિવાય બીજુ મોટુ કામ હવે એ છે કે, શિક્ષણને બચાવવા માટે પ્રયાસો કરવા પડશે. જેથી બાળકો ભણવાનુ છોડી ના દે.
સરકાર ટેન્ટ સ્કૂલ બનાવવાનુ પણ વિચારી રહી છે. જેથી સ્કૂલો ફરી ચાલુ થાય તો બાળકો ઘરે ના બેસી રહે.