કેનેડાના PM બનવાની રેસમાં બે ભારતીય મૂળના નેતા: અનિતા આનંદ બાદ જ્યોર્જ ચહલનું નામ પણ ચર્ચામાં
Canada's Next PM: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ આગામી વડાપ્રધાન કોણ બનશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વડાપ્રધાન પદની રેસમાં કેનેડા મૂળના નેતાઓ સાથે બે ભારતવંશી પણ સામેલ છે. જેમાં પ્રથમ નામ ટ્રુડો મંત્રી મંડળમાં સામેલ પૂર્વ સંરક્ષણ મંત્રી અને વર્તમાન પરિવહન-આંતરિક વેપાર મંત્રી અનિતા આનંદ છે. બીજું નામ ભારતીય મૂળના લિબરલ પાર્ટીના સાંસદ જ્યોર્જ ચહલ છે.
જ્યોર્જ ચહલ પણ પીએમ રેસમાં
કેનેડા પીએમ પદની રેસમાં સામેલ જ્યોર્જ ચહલને ઘણાં સાંસદોએ વચગાળાના નેતા બનાવવા ભલામણ કરી છે. જો તેમને વચગાળાના નેતા બનાવવામાં આવે તો તે પીએમ રેસમાંથી બહાર થઈ જશે. કેનેડાના નિયમો અનુસાર, વચગાળાના નેતા વડાપ્રધાન પદની ચૂંટણી લડી શકે નહીં. ચહલે ટ્રુડોને પીએમ પદ છોડવા અને પાર્ટી પાસે ફરી ચૂંટણી કરાવવા માગ કરી હતી. ચહલ કેનેડામાં વકીલ તરીકે પણ સેવા આપે છે. તેમણે કેલગરી સિટી કાઉન્સિલર રૂપે વિવિધ સમિતિઓમાં કામ કર્યું છે. તે નેચરલ સોર્સિસ પર સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શિખ કોક્સના અધ્યક્ષ પણ છે.
અનિતા આનંદ પીએમ રેસમાં અગ્રેસર
કેનેડાના આગામી વડાપ્રધાનની રેસમાં અનિતા આનંદ, પિયર પોલિવરે, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને માર્ક કાર્ની જેવા અગ્રણી નામો ઉભરી રહ્યા છે. આ પૈકી, ભારતીય મૂળના નેતા અનિતા આનંદને તેમના અસરકારક શાસન અને જાહેર સેવાના સારા રેકોર્ડને કારણે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. 2019થી કેનેડા રાજકારણમાં સક્રિયપણે સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ કેનેડાના નવા PM બની શકે છે અનિતા આનંદ, ભારત સાથે ખાસ કનેક્શન: શું બંને દેશો વચ્ચે સંબંધો સુધરશે?
આ નેતાઓ પણ પીએમ પદની રેસમાં
ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ
કેનેડાના ભૂતપૂર્વ નાણાં મંત્રી અને નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ લાંબા સમયથી જસ્ટિન ટ્રુડોના સમર્થક છે. જોકે, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવ્યા બાદ જસ્ટિસ ટ્રુડો સાથે નાણાકીય બાબતો અને ઘણી યોજનાઓને લઈને તેમના મતભેદ હોવાના અહેવાલો મળ્યા હતા. આ કારણે તેમણે પોતાનું પદ છોડી દીધું હતું. ટ્રુડોના રાજીનામાની સ્થિતિમાં લિબરલ પાર્ટી તેમને પીએમ પદ માટે આગળ કરી શકે છે.
ડોમિનિક લેબ્લેન્ક
લિબરલ સરકારમાં જ કેબિનેટ મંત્રી ડોમિનિક લેબ્લેન્ક એવા કેટલાક નેતાઓ પૈકી એક છે જે મુશ્કેલીઓમાં પણ પક્ષ સાથે ઊભા છે. આવી સ્થિતિમાં ટ્રુડોના સમર્થનમાં ઉભેલા લિબરલ પાર્ટીના નેતાઓ આગામી વડાપ્રધાન માટે લેબ્લેન્કને સમર્થન આપી શકે છે. લેબ્લેન્ક, એક વકીલ અને રાજકારણી, હાલમાં વર્તમાન સરકારમાં નાણા અને આંતરવિભાગીય મંત્રાલયનો હવાલો સંભાળે છે. ફ્રીલેન્ડના રાજીનામા બાદ તેમને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. છેલ્લા દાયકામાં ટ્રુડો સરકારમાં તેમને અનેક મંત્રી પદ સોંપવામાં આવ્યા છે.
માર્ક કાર્ને
કેનેડાના પીએમ પદની રેસમાં રાજકારણથી તદ્દન અજાણ વ્યક્તિ માર્ક કાર્નેનું નામ પણ બોલાઈ રહ્યું છે. જેઓ અગાઉ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને બેન્ક ઓફ કેનેડાના ગવર્નર રહી ચૂક્યા છે. માર્ક કાર્નેએ હાલમાં જ રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને આ માટે તેઓ લિબરલ પાર્ટીના નેતાઓના સંપર્કમાં પણ છે.
ક્રિસ્ટી ક્લાર્ક
રાષ્ટ્રીય સ્તરે લિબરલ પાર્ટીના નેતા અને કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ભૂતપૂર્વ પ્રીમિયર (મુખ્યમંત્રીની સમકક્ષ પદ) ક્રિસ્ટી ક્લાર્કનું નામ પણ પીએમ પદના ઉમેદવારોમાં સામેલ છે. તે 2011થી 2017 સુધી બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર હતા.