ઈઝરાયેલ માટે જાસૂસીના આરોપમાં વેસ્ટ બેન્કમાં બે લોકોની હત્યા, ટોળાએ મારીને વીજળીના થાંભલા પર લટકાવી દીધા
Image Source: Twitter
તેલ અવીવ, તા. 26 નવેમ્બર 2023
પેલેસ્ટાઈનના વેસ્ટ બેન્ક વિસ્તારમાં બે લોકોને ઈઝરાયેલની જાસૂસી કરવાના આરોપમાં જાહેરમાં હત્યા કરીને ફાંસી આપવામાં આવી છે. આ બંને પેલેસ્ટાઈનના જ નાગરિકો હતા. જેમની પહેલા તો ભીડે હત્યા કરી નાંખી હતી અને એ પછી તેમના મૃતદેહોને ગલીઓમાં રસ્તા પર ઢસેડવામાં આવ્યા હતા અને પછી વીજળીના થાંભલા પર લટકાવી દેવાયા હતા.
જેમની હત્યા કરાઈ છે તે બંને પેલેસ્ટાઈનના રેફ્યુજી કેમ્પમાં રહેતા હતા. તેમની જાસૂસ તરીકે ઓળખ થયા બાદ ભીડ તેમના પર તુટી પડી હતી. તેમને પહેલા તો ઢોર માર મારવામાં આવ્યો હતો અને બાદમાં ગોળી મારી દેવામાં આવી હતી. એ પછી તેમના મૃતદેહોને રસ્તા પર ફેરવવામાં આવ્યા હતા. બાદમાં તેમને વીજળીના થાંભલા પર લટકાવી દેવાયા હતા. આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મરનારા બંને વ્યક્તિઓ પર જાસૂસીનો આરોપ હતો. તેઓ જે રેફ્યુજી કેમ્પમાં રહેતા હતા ત્યાંના લોકલ ગ્રુપના ત્રણ નેતાઓના ઈઝરાયેલની સેના દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મોત થયા હતા. જેમની બાતમી આપવા માટે આ બંને વ્યક્તિઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. આ બંને લોકોની ઓળખ 31 વર્ષીય હમઝા મુબારક અને 29 વર્ષીય આઝમ જુઆબરા તરીકે થઈ હોવાનો દાવો ઈઝરાયેલના અખબાર દ્વારા કરવામાં આવ્યો છે.
બીજી તરફ પેલેસ્ટાઈનનો દાવો છે કે, છેલ્લા સાત સપ્તાહમાં વેસ્ટ બેન્ક વિસ્તારમાં ઈઝરાયેલના ફાયરિંગમાં 230 જેટલા લોકોના મોત થયા છે.