તુર્કીમાં કાર્યરત અમેરિકન કંપનીમાં ઘૂસેલા બંદુકધારીઓએ સાત લોકોને બંધક બનાવ્યા, હમાસનુ સમર્થન કર્યુ
image : Twitter
અંકારા,તા.02 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં ચાલી રહેલા જંગના પડઘા તુર્કીમાં પણ પડ્યા છે.
તુર્કીમાં ગાઝા અને હમાસના સમર્થનમાં અમેરિકન કંપની પર બે બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો અને સાત લોકોને બંધક બનાવી દીધા હતા. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આસપાસના રસ્તા બ્લોક કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, ગાઝામાં જંગ શરુ થયા બાદ આરબ દેશોમાં અમેરિકા સામે પણ રોષ છે. અમેરિકાના સૈન્ય પર જોર્ડન અને ઈરાકમાં હુમલા થઈ ચુકયા છે.
બીજી તરફ તુર્કીમાં કોકેલી પ્રાંતમાં આવેલી અમેરિકન કંપની પ્રોકટર એન્ડ ગેમ્બલની માલિકીની એક પેટા કંપનીમાં બે બંદુકધારીઓ ઘૂસ્યા હતા અને ત્યાં કામ કરતા સાત લોકોને બંધક બનાવ્યા હતા. મીડિયામાં એક શંકાસ્પદ આરોપીની તસવીર પણ બતાવાઈ છે. જેણે વિસ્ફોટકો સાથેનો બેલ્ટ પણ પહેરેલો છે. આ બંદુકધારીઓ સાથે પોલીસે વાત કરવાના પ્રયત્ન શરુ કર્યા છે.
દરમિયાન પ્રોકટર એન્ડ ગેમ્બલ કંપનીએ કહ્યુ છે કે, અમે અમારા કર્મચારીઓની સુરક્ષા ઈચ્છી રહ્યા છે. અમે સ્થાનિક પોલીસ સાથે સંપર્કમાં છે.
જે કંપનીમાં બંદુકધારીઓ ઘૂસ્યા છે તે કંપની 700 લોકોને રોજગારી આપે છે. તુર્કીમાં કાર્યરત અમેરિકન કંપનીઓ સામે અગાઉ આ પ્રકારે ક્યારેય હુમલો થયો નથી.