આવા વ્યક્તિગત મામલા માટે...' અમેરિકામાં અદાણી મુદ્દે સવાલ થતાં જુઓ PM મોદી શું બોલ્યા
PM Modi USA Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત ફરી રહ્યા છે. બે દિવસીય મુલાકાત દરમિયાન અમેરિકામાં ભારતના બિઝનેસમેન ગૌતમ અદાણી વિરુદ્ધ ચાલી રહેલી તપાસ મુદ્દે પત્રકારોએ પૂછેલા સવાલનો જવાબ આપતાં પીએમ મોદીએ કહ્યું કે, બે દેશના વડા આવા વ્યક્તિગત મુદ્દાઓ પર ચર્ચા કરવા મુલાકાત કરતાં નથી. પીએમ મોદીના આ નિવેદનની વિપક્ષે ટીકા કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાતના 36 કલાકમાં છ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લીધો હતો. જેમાં સુરક્ષા, વેપાર અને અન્ય ક્ષેત્રો સંબંધિત મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા અને કરાર કરવામાં આવ્યા હતા. બંને નેતાએ એફ-35 લડાકૂ વિમાન અને 26/11 હુમલાના આરોપીનું ભારત પ્રત્યાર્પણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમજ ટેરિફ મુદ્દે પણ ચર્ચાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ મોદીએ ભારતની વસુધૈવ કુટુંબકમની પરંપરાનો ઉલ્લેખ કરી પ્રત્યેક ભારતીયને પોતાના માનતા હોવાનું જણાવ્યું હતું.
અદાણી મુદ્દે પીએમ મોદીએ શું કહ્યું
પીએમ મોદીને અમેરિકામાં બિઝનેસમેન ગૌતમ અદાણી વિરુદ્ધ ચાલી રહેલી તપાસ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના પર તેમણે જવાબ આપ્યો કે, 'ભારત એ એક લોકશાહી દેશ છે. આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમની છે. આપણે સમગ્ર વિશ્વને આપણો પરિવાર માનીએ છીએ. દરેક ભારતીયને હું મારો પોતાનો માનું છું. જો કે, આવા વ્યક્તિગત મુદ્દાઓ માટે બે દિગ્ગજ દેશોના વડા મુલાકાત કરતાં નથી. તેઓ તેના પર ચર્ચા પણ નથી કરતાં કે વાત પણ કરતાં નથી.'
રાહુલ ગાંધીએ કરી ટીકા
રાહુલ ગાંધીએ આ મામલે વડાપ્રધાન મોદીની ટીકા કરતાં સોશિયલ મીડિયા X પર કહ્યું કે, 'દેશમાં સવાલ કરો તો મૌન, વિદેશમાં પૂછો તો અંગત મામલો. અમેરિકામાં પણ મોદીજીએ અદાણીના ભ્રષ્ટાચાર પર પડદો નાખ્યો. જ્યારે મિત્રનું ખિસ્સું ભરવાની વાત આવે ત્યારે તે ઘટના મોદીજી માટે 'રાષ્ટ્ર નિર્માણ' અને જ્યારે દેશની સંપત્તિને લૂંટવી અને લાંચ આપવાની વાત આવે ત્યારે તે 'વ્યક્તિગત મામલો' બની જાય છે.'