VIDEO | મોનાલિસાના પેઈન્ટિંગ પર ફેંક્યો સૂપ, પેરિસના મ્યુઝિયમમાં પર્યાવરણ કાર્યકરોનો હોબાળો
બે મહિલા કાર્યકરોએ ફ્રેન્ચ ભાષામાં અનેક સવાલો ઊઠાવ્યાં
|
Mona Lisa Painting News : પેરિસના લૂવર મ્યુઝિયમમાં પર્યાવરણ કાર્યકરો (ક્લાઈમેટ એક્ટિવિસ્ટ) એ મોના લિસાના પેઈન્ટિંગને નિશાન બનાવ્યું હતું. બે મહિલા કાર્યકરોએ મ્યુઝિયમમાં પેઈન્ટિંગની સામે કાચ પર સૂપ ફેંકી દીધો હતો. બંને મહિલાઓ સિક્યુરિટીને ચકમો આપી પેઇન્ટિંગની નજીક પહોંચી ગઇ હતી. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બે મહિલાઓ પહેલા થોડા અંતરેથી પેઇન્ટિંગ પર સૂપ ફેંકે છે અને પછી પેઇન્ટિંગની નજીક આવી જાય છે.
ફ્રેન્ચ ભાષામાં સવાલો ઊઠાવ્યાં
ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પેઇન્ટિંગ પર સૂપ ફેંક્યા બાદ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ પેઇન્ટિંગની સામે બ્લેક સ્ક્રીન લગાવી દીધી હતી. અહેવાલ અનુસાર બંને કાર્યકરોએ ફ્રેન્ચ ભાષામાં સવાલો કર્યા હતા કે 'શું વધારે જરૂરી છે? કળા કે હેલ્દી અને સ્યુટેબલ ફૂડ સિસ્ટમનો અધિકાર?'
ખેતી વ્યવસ્થા સામે પૂછ્યાં આકરા પ્રશ્નો
મહિલા કાર્યકરોએ ફ્રેન્ચ ભાષામાં જ કહ્યું કે તમારી ખેતી વ્યવસ્થા ખરાબ છે. ખેડૂતો કામ કરતી વખતે મરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બંને મહિલા કાર્યકરો ફ્રેન્ચ સંગટન રિપોસ્ટે એલિમેન્ટેયરનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. ત્યારબાદ પર્યાવરણ કાર્યકરો દ્વારા એક નિવેદનમાં જણાવાયું કે આ દેખાવ એટલા માટે કરાયા કે જેથી પર્યાવરણ અને ખાદ્ય સ્ત્રોતની જરૂરિયાતને હાઇલાઈટ કરી શકાય.