ચીનના નાગરિકો માટે પાકિસ્તાન જવું જોખમી, ગાર્ડનો બે લોકો પર આડેધડ ગોળીબાર
Chinese Nationals shot in Karachi : પાકિસ્તાન અને ચીન વચ્ચે ગાઢ મિત્રતા છે, તેમ છતાં પાકિસ્તાનમાં ચાઈનીઝ નાગરિકો મહામુશ્કેલીઓ અને જીવના જોખમનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનમાં ચાઈનીઝ નાગરિકો ઉપરાં વિદેશી નાગરિકો પર પણ અનેક વાર હુમલા થતા રહ્યા છે, ત્યારે ત્યાંના કરાંચી શહેરમાં બે ચાઈનીઝ નાગરિકો પર આડેધડ ગોળીબાર કરવાની ઘટના સામે આવી છે.
પાકિસ્તાની ગાર્ડે ચાઈનીઝ નાગરિક પર કર્યો ગોળીબાર
કરાંચી શહેરમાં એક સ્થાનિક સુરક્ષા ગાર્ડે ઝઘડા બાદ બે ચાઈનીઝ નાગરિકો પર ગોળીબાર કર્યો હોવાની ઘટના બની છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે, પાકિસ્તાની ગાર્ડે સિંધ પ્રાંતના કરાંચીના ઈન્ડસ્ટ્રિયલ ટ્રેડિંગ એસ્ટેટ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં જ ચીનના નાગરિકોને ગોળી મારી છે. ફાયરિંગમાં બંને નાગરિકોને ઈજા થઈ છે અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તમાં એકની હાલત ગંભીર
નાયબ પોલીસ મહાનિરીક્ષક અજહર મહેસરે કહ્યું કે, સુરક્ષા ગાર્ડે પોતાના વરિષ્ઠ પર ગોળીબાર કેમ કર્યો, તેની તપાસ કરવામાં આવીરહી છે. ઝઘડાના કારણે સુરક્ષા ગાર્ડે ગોળીબાર કર્યો છે, જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સુરક્ષા ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. ઈજાગ્રસ્તમાં એકની સ્થિતિ ગંભીર હોવાની વિગતો મળી છે.
આ પણ વાંચો : અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી નવેમ્બરના પહેલા મંગળવારે જ યોજાય છે, જાણો શું છે કારણ
સુરક્ષા ગાર્ડની તુરંત ધરપકડ કરવા આદેશ
ઘટનાની જાણ થયા બાદ સિંધના ગૃહમંત્રી લિયાઉલ હસ લંજરે આકરી કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે. તેમણે ઘટનામાં સામેલ સુરક્ષા ગાર્ડની તુરંત ધરપકડ કરવાના નિર્દેશ આપ્યા છે. પ્રાંતીય ગૃહ વિભાગના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, ગૃહમંત્રીએ નાયબ પોલીસ મહાનિરીક્ષક પાસે ઘટનાની વિગતો માંગી છે.
કરાંચીમાં વિદેશી નાગરિકો પર હુમલાઓ વધ્યા
કરાંચીમાં ચીન સહિત વિદેશી નાગરિકો પર અવાર-નવાર હુમલાઓ થતા રહે છે. 2024માં આ ત્રીજી ઘટના બની છે. ઓક્ટોબરમાં એક આત્મઘાતી હુમલાખોરે કરાંચી એરપોર્ટ પાસે એક વાહન પર હુમલો કર્યો હતો, જેમાં પોર્ટ કાસિમ ટર્મિનલ પર કામ કરનારા બે ચાઈનીઝ એન્જિનિયરના મોત થયા હતા. આવી જ રીતે એપ્રિલમાં હુમલાખોરોએ લાંધી ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા પાંચ જાપાની નાગરિકો પર હુમલો કર્યો હતો, જોકે સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો.