VIDEO: અમેરિકામાં 12 દિવસમાં ચોથી વિમાન દુર્ઘટના, બે જેટ વચ્ચે ટક્કર થતા એક મોત, ચારને ઈજા
Two Planes Collide In America : અમેરિકામાં ફરી બે વિમાન વચ્ચે અકસ્માત થયો છે, જેમાં એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર એક જેટ વિમાન સાથે બીજું જેટ વિમાન અથડાયું છે. આ ઘટનામાં એકનું મોત, જ્યારે ચાર લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. અમેરિકામાં છેલ્લા 12 દિવસમાં આ ચોથી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.
પાર્કિંગમાં ઉભેલા જેટ સાથે અન્ય જેટ અથડાયું
મીડિયા રિપોર્ટ મુજબ ‘સ્કૉટ્સડેલ એરપોર્ટના અધિકારી કેલી કુએસ્ટરે કહ્યું કે, ‘અમારા એરપોર્ટ પર એક બિઝનેસ જેટ વિમાન પાર્કિંગમાં ઉભું હતું. આ દરમિયાન ત્યાં અન્ય બિઝનેસ એક જેટ વિમાન લેન્ડ થયું અને તે તેની સાથે અથડાઈ ગયું હતું.’ તેમણે એમ પણ કહ્યું કે, લેન્ડ થયા જેટનું પ્રાથમિક લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો અંદાજ છે.
એકનું મોત, એકની હાલત ગંભીર
તેમના જણાવ્યા મુજબ, ‘અથડાયેલું જેટ વિમાન ટેક્સાસથી આવ્યું હતું, જેમાં ચાર લોકો સવાર હતા, જ્યારે પાર્ક કરેલા જેટમાં એક વ્યક્તિ સવાર હતો. જેટ રન-વે પર ઉતરાની સાથે ગલ્ફસ્ટ્રીમ 200 જેટ સાથે અથડાયું હતું.’ સ્કૉટ્સડેલ ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન ડેવ ફોલિયોએ કહ્યું કે, ‘ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને તાત્કાલીક ટ્રોમા સેન્ટરમાં લઈ જવાયા છે. એકની સ્થિતિ ગંભીર છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.’
આ પણ વાંચો : ટ્રમ્પના આદેશથી અદાણી જૂથને રાહત: વિદેશમાં લાંચ-રુશ્વત વિરોધી કાયદો ખતમ
અગાઉ આવી ત્રણ દુર્ઘટના સર્જાઈ હતી
- 03 ફેબ્રુઆરીના રોજ હ્યૂસ્ટનથી ન્યૂયોર્ક જઈ રહેલું યુનાઈટેડ એરલાઈન્સની એક ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી, જેના કારણે તાત્કાલીક ફ્લાઈટ ખાલી કરાવવી પડી હતી.
- 01 ફેબ્રુઆરીના રોજ ફિલાડેલ્ફિયાના રુસવેલ્ટ મૉલ પાસે એક પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન લિયરજેટ 55 એરક્રાફ્ટ હતું અને તે સ્પિંગફીલ્ડ બ્રેસન નેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું.
- 03 જાન્યુઆરીના રોજ વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ પાસે આકાશમાં અમેરિકન એરલાઈન્સના એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ભિષણ અકસ્માત થયો હતો, જેના કારણે બંને તૂટીને નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં તમામ 67 લોકોના મોત થયા હતા.