સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને પાછાં લાવવા બે અવકાશયાત્રીઓને હટાવાયા
- સ્પેસ એકસ મિશનમાં હવે ચારને બદલે બે અવકાશયાત્રી જ જશે
- સ્પેસ એક્સમાં જનારા અવકાશયાત્રી ઝેના કાર્ડમેન અને સ્ટેફની વિલ્સનને ફલાઇટમાંથી બાદ કરવામાં આવ્યા
હ્યુસ્ટન : બોઇંગ કંપનીના સ્ટારલાઇનર કેલિપ્સોમાં સ્પેસમાં ગયેલાં ભારતીય મૂળની ૫૮ વર્ષની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને મિશન કમાન્ડર ૬૧ વર્ષના બુચ વિલ્મોરનું પૃથ્વી પર પુનરાગમન હવે શક્ય બનવાની આશા બંધાઇ છે. નાસાએ તેના સપ્ટેમ્બરમાં આઇએસએસ ભણી રવાના સ્પેસ એક્સ મિશનમાં ચારને બદલે બે અવકાશયાત્રીઓ મોકલીને વળતાં તેમના સ્થાને સુનીતા અને બુચ વિલ્મોરને પરત લાવવાની યોજના ઘડી છે.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત લાવવા માટે નાસાએ નવો ઉપાય યોજ્યો છે. નાસાના અવકાશયાત્રી નીક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેકઝાન્ડર ગોરબુનોવ સ્પેસ એક્સ રોકેટ દ્વારા સપ્ટેમ્બરમાં રવાના થવાના છે. તેઓ ફેબુ્રઆરીમાં નાસાના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લઇને પૃથ્વી પર પરત આવશે. નાસાના આ નિર્ણયને કારણે ઝેના કાર્ડમેન અને સ્ટેફની વિલ્સન જે સ્પેસ એક્સમાં જવાના હતા તેમને ફલાઇટમાંથી બાદ કરવામાં આવ્યા છે.
બીજી તરફ બોઇંગની સ્ટારલાઇનર કેપ્સ્યુલ કોઇ અવકાશયાત્રી વિના જ પૃથ્વી પર પરત લાવવામાં આવશે. નાસાએ જણાવ્યું હતું કે આ સ્ટારલાઇનર પરત આવ્યા બાદ ટેસ્ટિંગ અને ડેટા કલેકશન કરવામાં આવશે જેથી ભવિષ્યમાં વધારાના જોખમો નિવારવામાં સહાય મળશે. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જણાવ્યું હતું કે સ્પેસ ફલાઇટ જોખમી હોય છે. તેમાં પણ આ ટેસ્ટ ફલાઇટ સલામત કે રૂટિન નહોતી. બુચ અને સુનિતાને આઇએસએસમાં રાખવાનો અને સ્ટારલાઇનરને ખાલી પરત લાવવાનો નિર્ણય અમારા સલામતિ પ્રત્યેના અડગ નિર્ધારને વ્યક્ત કરે છે. સલામતિ એ અમારું પાયાનું મૂલ્ય છે.
સુનિતા અને બુચ ફેબુ્રઆરી ૨૦૨૫ સુધી આઇએસએસમાં તમની ફરજ બજાવવાનું ચાલુ રાખશે. તેઓ સ્પેસ એક્સના ક્રૂ -૯ મિશનના બે અવકાશયાત્રીઓ સાથે ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં પરત આવશે. જ્યારે સ્ટારલાઇનરને આઇએસએસથી વિખૂટું પાડી સપ્ટેમ્બરની શરૂઆતમાં નિયંત્રિત રીતે પૃથ્વી પર પરત લઇ આવવામાં આવશે.