તૂર્કીના પ્રમુખ એર્દોગને ઈઝરાયલના પીએમ નેતાન્યાહૂની તુલના હિટલર સાથે કરી, નેતાન્યાહૂએ આપ્યો વળતો જવાબ
image : Social media
તેલ અવીવ,તા.28.ડિસેમ્બર.2023
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના જંગમાં હવે ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગન વચ્ચે તું..તુ..મેં..મેં શરુ થઈ ગઈ છે.
એર્દોગને નેતાન્યાહૂની તુલના હિટલર સાથે કરી નાંખી છે અને નેતાન્યાહૂએ વળતો જવાબ આપીને એર્દોગન પર કુર્દોનો નરસંહાર કરવાનો આરોપ મુકયો છે.
ઈઝરાયલે એર્દોગનના બેફામ નિવેદનોના કારણે પોતાના રાજદૂતને તૂર્કીમાંથી પાછા બોલાવી લીધા છે અને તુર્કીમાં રહેતા પોતાના નાગરિકોને પણ તાત્કાલિક ઈઝરાયલ પાછા ફરવાનો આદેશ આપ્યો છે.
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન એમ પણ હમાસના સમર્થક છે. હમાસના મોટા નેતાઓને તેમણે તુર્કીમાં આશ્રય આપેલો છે. આ નેતાઓ પાસે તુર્કીનો પાસપોર્ટ પણ છે.
એદોર્ગને બુધવારે કહ્યું હતું કે, ઈઝરાયલના પીએમ નાઝી નેતા હિટલર કરતા અલગ નથી. નાઝીઓ દ્વારા જે પ્રકારનો વ્યવહાર યહૂદીઓ સાથે કરવામાં આવ્યો હતો તે જ પ્રકારનો વ્યવહાર હવે ગાઝાના લોકો સાથે ઈઝરાયલ કરી રહ્યું છે.
આ પહેલા નેતાન્યાહૂને એર્દોગન ગાઝાના કસાઈનું નામ પણ આપી ચૂક્યા છે અને નેતાન્યાહૂ પર આંતરરાષ્ટ્રીય કોર્ટમાં યુદ્ધ અપરાધી તરીકે કેસ ચલાવવાની માંગ પણ કરી ચૂક્યા છે.
બીજી તરફ નેતાન્યાહૂએ એર્દોગનના નિવેદન પર પ્રત્યાઘાત આપતા કહ્યુ હતુ કે, એર્દોગન કુર્દોનો સંહાર કરી રહ્યા છે. તેમનો વિરોધ કરનારા પત્રકારોને જેલમાં નાંખવાનો વર્લ્ડ રેકોર્ડ પણ એર્દોગનના નામે છે. નૈતિકતાનો ઉપદેશ આપવાનો અધિકાર એર્દોગન પાસે નથી. અમારી સેના દુનિયાની સૌથી વધારે નૈતિક મૂલ્યો ધરાવતી સેના છે. જે દુનિયાના સૌથી ઘાતકી આતંકીઓ સામે લડી રહી છે અને આ આતંકીઓની એર્દોગન મહેમાનગતિ કરે છે.