Get The App

ઈરાક અને સીરીયા સ્થિત કુર્દ આતંકીઓના અડ્ડાઓ પર તૂર્કીના બે દિવસથી સતત હુમલા

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
ઈરાક અને સીરીયા સ્થિત કુર્દ આતંકીઓના અડ્ડાઓ પર તૂર્કીના બે દિવસથી સતત હુમલા 1 - image


- ગુરૂવારે કુર્દોએ તૂર્કીની 'ડીફેન્સ કંપની' ઉપર હુમલો કરી ફેક્ટરીને નુકસાન કરી પાંચની હત્યા કરતાં તૂર્કીના વળતા પ્રહારો

અંકારા : કુર્દ આતંકીઓએ, તૂર્કીની મહત્વની ડીફેન્સ ફેક્ટરી ઉપર હુમલો કરી ફેક્ટરીને ભારે નુકસાન કરવા સાથે પાંચની હત્યા કરતાં ગુસ્સે થયેલાં તૂર્કીએ કુર્દ આતંકીઓના ઈરાક અને સીરીયામાં રહેલા કુર્દોના અડ્ડાઓ ઉપર ડ્રોન અને યુદ્ધ વિમાનો દ્વારા બોમ્બ વર્ષા શરૂ કરી દીધી હતી. બે દિવસથી ચાલતી આ બોમ્બ વર્ષામાં કેટલા કુર્દો માર્યા ગયા હશે, તે વિષે હજી માહિતી મળી શકી નથી.

ઈરાનની પશ્ચિમે રહેલી ઝાગોર્સ પર્વતમાળાના ઉત્તર છેડાથી શરૂ કરી હવે તો તૂર્કી અને ઈરાક તથા સીરીયાને છૂટા પાડતા પર્વતીય પ્રદેશ સુધી પથરાયેલી આ કુર્દ પ્રજા મૂળ તો આર્યવંશીય 'મીડસ્'ના વંશજો છે. તેમાં આરબ અને તૂર્ક રક્ત પણ ભળેલું છે. આ પ્રજા અફઘાનોની જેટલી સ્વાતંત્ર્ય પ્રેમી છે. વર્તમાન યુગમાં તેઓ ઉપર સામ્યવાદની પણ અસર છે. તેઓની કુર્દીસ્તાન, વર્કર્સ પાર્ટી તથા 'સીરીયન કુર્દીશ નિબિશિયા' આ આતંકીઓ સાથે જોડાયેલાં છે. તેમ એનાદોલુ એજન્સી જણાવે છે. બીજી તરફ તૂર્કીની ગુપ્તચર સંસ્થા 'નેશનલ ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશને' આ કુર્દોના અડ્ડાઓની માહિતી મેળવી લીધી હતી, અને તે ઉપરથી કુર્દોના અડ્ડાઓ ઉપર હુમલા કરાયા હતા. તેમાં કુર્દોના શસ્ત્રાગારો, તેમની ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસીલીટીઝ, લશ્કરી મથકો વગેરેને તૂર્કીએ નિશાન બનાવ્યા હતા. બુધવારે તૂર્કીના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ હુમલામાં ડ્રોન વિમાનોનો ઉપયોગ કરાયો હતો. તેમજ ઉત્તર ઈરાક તથા ઉત્તર સીરીયામાં રહેલા પર્વતીય વિસ્તારો સ્થિત, કુર્દોના અડ્ડાઓ ઉપર ગુરૂવારથી ભારે હુમલાઓ શરૂ કરાયા છે. તૂર્કીના સંરક્ષણ મંત્રી યાસેર ગુલેરે ગુરૂવારે જણાવ્યું હતું કે બુધવારે ઈરાકમાં ૨૯ અને સીરીયામાં ૧૮ સ્થાનો મળી કુર્દોના કુલ ૪૭ અડ્ડાઓ ઉપર હુમલા કરાયા છે.

ટૂંકમાં ઈરાનના અખાતના શિર્ષ પર આવેલા ઈરાકનાં બસરા બંદરથી શરૂ કરી ઉત્તરે તૂર્કીને સ્પર્શી નીચે ગોળ વળી સીરીયાથી લેબનોન અને જોર્ડન સુધીનો 'ફર્ટાઈલ-ક્રેસન્ટ' કહેવાતો વિસ્તાર પણ હવે યુદ્ધગ્રસ્ત બની રહ્યો છે.


Google NewsGoogle News