તૂર્કીયેએ આતંકી હુમલાનો ઈઝરાયલની જેમ બદલો લીધો, બે મુસ્લિમ દેશો પર કરી એરસ્ટ્રાઈક
Image: X |
Turkey Air Strike: તૂર્કીયેની રાજધાની અંકારામાં બુધવારે થયેલા ભીષણ આતંકવાદી હુમલાના જવાબમાં બે પાડોશી ઇસ્લામિક દેશને નિશાનો બનાવવામાં આવ્યા છે. તૂર્કીયેએ પાડોશી દેશ સીરિયા અને ઈરાકમાં એર સ્ટ્રાઇક કરી છે. તૂર્કીયે તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલામાં બે આતંકવાદીઓ ઠાર કર્યા હોવાની વાત કહેવામાં આવી રહી છે. તૂર્કીયે રક્ષા મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલાં નિવેદનમાં કહેવામાં આવી રહ્યું છે કે, હવાઈ હુમલો કરી કુલ 30 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે.
તૂર્કીયેએ કર્યો હવાઈ હુમલો
તૂર્કીયેના રાષ્ટ્રપતિ રઝબ તૈય્યબે એર્દોઆનના એરોસ્પેસ અને ડિફેન્સ કંપની 'તૂસાસ' પર હુમલાને લઈને કહ્યું કે, ગુનેગારોને છોડવામાં નહીં આવે. રાષ્ટ્રપતિના આ નિનેદનના થોડા સમય બાદ જ તૂર્કીયેએ સીરિયા અને ઈરાક પર હવાઈ હુમલો કરાવી દીધો. તૂર્કીયેમાં થયેલાં આતંકવાદી હુમલાની હજુ સુધી કોઈપણ સંગઠને જવાબદારી નથી લીધી, પરંતુ આ મામલો ઈરાક અને સીરિયામાં સક્રિય કુર્દ બળવાખોરો દ્વારા કરાવવામાં આવ્યો હોવાની આશંકા છે.
સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હુમલાખોરો
આ દરમિયાન તૂર્કીયે મીડિયા દ્વારા કહેવામાં આવ્યું કે, એક મહિલા સહિત ત્રણ હુમલાખોર એક ટેક્સીમાં એરોસ્પેસ અને ડિફેન્સ કંપની 'તૂસાસ' કેમ્પસના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા હતાં. હુમલાખોરો હુમલો કરવા હથિયાર સાથે લઈને આવ્યા હતાં. તેઓએ ટેક્સીની બાજુમાં એક વિસ્ફોટક ઉપકરણમાં વિસ્ફોટ કર્યો, જેનાથી અફરાતફરી મચી ગઈ અને તે પરિસરમાં ઘુસી ગયાં. આ ઘટના બાદ તુરંત તૂર્કીયેના સુરક્ષાદળની ટીમ ઘટના સ્થળે પહોંચી, ત્યારબાદ ગોળીબારનો અવાજ શરૂ થયો. હાલ, તૂર્કીયે સુરક્ષાદળો દ્વારા રાજધાની અંકારાની બહારના વિસ્તારમાં સ્થિત કંપની પર કરાયેલા હુમલા બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો છે.