ચીન બાદ વધુ એક દેશ પાકિસ્તાનની પડખે, હથિયારો સાથે હરક્યુલસ ઍરક્રાફ્ટ મોકલ્યું
130 Hercules Aircraft Land in Pakistan: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ છે. પાકિસ્તાન સતત ચોથી રાતથી સરહદ પર ગોળીબાર કરી રહ્યું છે અને ભારતીય સૈનિકો તેનો યોગ્ય જવાબ આપી રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા જ સમાચાર આવ્યા કે ચીને પાકિસ્તાનને J-F17 મિસાઇલ પહોંચાડી દીધી છે અને C-130 હર્ક્યુલસ વિમાન ઇસ્લામાબાદમાં ઉતર્યું હોવાના અહેવાલ છે.
તુર્કીયેએ આપ્યો પાકિસ્તાનને ટેકો
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, તુર્કીયેએ ઇસ્લામાબાદને પોતાનો ટેકો આપ્યો છે અને લડાયક સાધનો મોકલ્યા છે. તુર્કીયે વાયુસેનાનું C-130 હર્ક્યુલસ લશ્કરી પરિવહન વિમાન રવિવારે કરાચી પહોંચ્યું, જે લડાયક સાધનો લઈને આવ્યું.
ઇન્ટરનેશનલ બોર્ડર પર વધતાં પડકારોનો સામનો કરવા પાકિસ્તાન અસમર્થ
સૂત્રોના જણાવ્યા અનુસાર, તુર્કીયેનું આ પગલું બંને દેશો વચ્ચેના વ્યાપક સંરક્ષણ સહયોગનો એક ભાગ છે. એવામાં કરાચીમાં 1 ઉપરાંત, 6 તુર્કીયે C-130 વિમાનો ઇસ્લામાબાદના લશ્કરી મથક પર ઉતર્યા હોવાના અહેવાલ છે, જે પાકિસ્તાનને તુર્કીયેના સમર્થનને મજબૂત બનાવે છે કારણ કે તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે પાકિસ્તાન તેની ઇન્ટરનેશનલ બૉર્ડર પર વધતાં પડકારોનો એકલા સામનો કરવામાં અસમર્થ છે.
તુર્કીયે અને પાકિસ્તાની બંને સૂત્રોએ લશ્કરી કાર્ગોના ટ્રાન્સફરની પુષ્ટિ કરી છે. જો કે, શિપમેન્ટની ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી. પરંતુ તુર્કીયેના આ પગલાંને પાકિસ્તાનને મોટા સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે.
ચીને પણ પાકિસ્તાનને કરી મદદ
આ સાથે ચીને પાકિસ્તાનને ડ્રોન જેવા સંરક્ષણ સાધનો મોકલવાની પણ માહિતી આપી છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે તુર્કીયે, પાકિસ્તાન અને ચીન વચ્ચે આ વધતો લશ્કરી સહયોગ દક્ષિણ એશિયાના ભૌગોલિક રાજનીતિમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે.
ચીનની ઘાતક મિસાઇલ પહોંચી પાકિસ્તાન
એવા અહેવાલો છે કે પાકિસ્તાન વાયુસેના(PAF)ને ચીન તરફથી અત્યાધુનિક PL-15 ખૂબ જ લાંબા અંતરની એર ટુ એર પ્રહાર કરતી મિસાઇલોની ઝડપી ડિલિવરી મળી છે.
PAF એ તેના નવા JF-17 બ્લોક III ફાઇટર જેટની તસવીરો જાહેર કરી છે. જો આ અહેવાલો સાચા હોય, તો આ બેઇજિંગથી ઇસ્લામાબાદ આવેલા શસ્ત્રોથી ભારત-પાકિસ્તાનનો વધતો તણાવ કોઈપણ ક્ષણે યુદ્ધમાં પરિણમી શકે છે.
ભારત તરફથી કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે
જ્યારથી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે અને પીએમ નરેન્દ્ર મોદીએ ચેતવણી આપી છે કે ભારતીય ધરતી પર આવા ઘૃણાસ્પદ કૃત્યો કરનારાઓના પરિણામો એટલા ખરાબ આવશે કે તેની કલ્પના પણ કરી શકાતી નથી, ત્યારથી પાકિસ્તાન મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે.
પાકિસ્તાન વાયુસેનાએ પેન્સી, સ્કાર્ડુ અને સ્વાત જેવા મુખ્ય વાયુ મથકોને એક્ટિવ કર્યા. આ એરબેઝ પર F-16, J-10 અને JF-17 ફાઇટર જેટ તૈનાત કરવામાં આવ્યા છે અને કોમ્બેટ એર પેટ્રોલિંગ શરુ કરવામાં આવ્યું છે.