તુર્કી : શસ્ત્ર ઉત્પાદક ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ : 12નાં મૃત્યુ : અનેકને દાહ, ઇજાઓ
- વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેકટરીનું મકાન તૂટી પડયું, આસપાસનાં મકાનોને પણ નુકસાન : કારણની તપાસ થશે
ઇસ્તંબુલ : તુર્કીના ઉત્તર પશ્ચિમ વિસ્તાર સ્થિત એક એપાર્ટમેન્ટ (શસ્ત્ર ઉત્પાદક) ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ૧૨ના મૃત્યુ થયા છે, અનેકને દાહ થયા છે. ઇજાઓ પણ થઇ છે.
આ માહિતી આપતા તુર્કીની રાજ્ય હસ્તકની એનાદોલુ સત્તાવાર એજન્સીએ જણાવ્યું છે કે, દેશના ઉત્તર પશ્ચિમ પ્રાંત બાલિ કેસર પ્રાંતમાં આવેલી આ ફેકટરીમાં રહેલા કેપ્શ્યુલ બનાવતા ભાગમાં આ પ્રચંડ વિસ્ફોટ થયો હતો તેમ પ્રાંતના ગવર્નર ઇસ્માઇલ ઉતાઑગ્લુએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું હતું કે, આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, તેથી ફેકટરીનું સમગ્ર મકાન તૂટી પડયું હતું. તેટલું જ નહીં પરંતુ આસપાસના મકાનોની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. તેના બારી બારમા તૂટી ગયા હતાં. આ માહિતી મળતાં જ અમે રાહત ટુકડીઓ રવાના કરી દીધી છે. પરંતુ વિસ્ફોટનું ખરૃં કારણ હજી જાણવા મળ્યું નથી. તે અંગે હવે સઘન તપાસ હાથ ધરવામાં આવશે.
વિશ્લષકો કહે છે કે, મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત જટિલ બની રહી છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ ક્યારે પતશે તે કહી શકાય તેમ નથી. તેવામાં ઇઝરાયલ હીઝબુલ્લાહ અને ઇઝરાયલ હૂથી સંઘર્ષ ચાલે છે. ઇઝરાયલ ઇરાન યુદ્ધના ભણકારા વાગે છે. ત્યાં આવા વિસ્ફોટના સમાચાર આવે છે.