ભારતને મોટો ફટકો: પાકિસ્તાના ખોળે બેઠું તુર્કી, ભારતને ડિફેન્સ ઈક્વિપમેન્ટ મોકલવા પર સંપૂર્ણ પ્રતિબંધ
Turkey Defense Export Ban On India: તુર્કી એક ઇસ્લામિક દેશ હોવાને કારણે હંમેશા પાકિસ્તાનને સમર્થન આપે છે. આંતરરાષ્ટ્રીય લેવલે પણ અનેક મુદ્દાઓમાં તુર્કી(તુર્કેઈ) પાકિસ્તાનના પડખે ઉભું રહેતું હોય છે. ભારત-પાકિસ્તાનના કાશ્મીર સહિતના મુદ્દાઓમાં પણ અમેરિકા સહિતના દેશો ભારતની પડખે હતા ત્યારે ચીનનો સાથ આપતા તુર્કી પાકિસ્તાનની સાથે ઉભું હતુ. આ ઘટનાક્રમ બાદ તુર્કી-ભારત વચ્ચેના સંબંધોમાં ભારે ઓટ આવી હતી. જોકે હવે તુર્કીએ ખુલીને ભારતનો વિરોધ કરવાનું મન બનાવી લીધું છે. તુર્કીની સરકારે વિશ્વના સૌથી મોટા શસ્ત્ર આયાતકાર દેશોમાંના એક ભારતને લશ્કરી સાધનોના વેચાણ પર ગુપ્ત રીતે પ્રતિબંધ મૂક્યો છે.
જોકે એર્દોગનની સરકારે પ્રતિબંધ અંગે કોઈ સીધો નિર્ણય લીધો નથી પરંતુ હથિયારોના કોઈપણ વેચાણ કોન્ટ્રાકટને મંજૂરી ન આપીને સંપૂર્ણ પ્રતિબંધનો જ નિર્ણય લીધો છે. UNમાં પાકિસ્તાનનો સાથ આપવા બદલ ભારતે થોડા મહિના અગાઉ શિપ બિલ્ડીંગ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી તુર્કી ફર્મ સાથેનો કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. ત્યારથી જ તુર્કીની તૈયપ એર્દોગનની સરકાર ભારત પર અકળાયેલી હતી અને હવે ભારતને ડિફેન્સ એક્સપોર્ટ પર અંદરખાને પ્રતિબંધ મુક્યો છે. તુર્કીની સંસદમાં બંધ બારણે એક સત્રમાં આ અંગે ખુલાસો થયો છે.
જો તુર્કી ખરેખર ભારત વિરુદ્ધ ષડયંત્ર રચશે તો બંને દેશોના સંબંધોમાં ભારે તંગદિલી સર્જાઈ શકે છે,જે વૈશ્વિકરૂપ પણ ધારણ કરી શકે છે. યુરેશિયન ટાઈમ્સના અહેવાલ મુજબ, તુર્કીના પ્રેસિડન્સી ઓફ ડિફેન્સ ઈન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ મુસ્તફા મુરત સેકરને અજાણતામાં આ વાતનો ખુલાસો કરી દીધો છે. તુર્કી અને પાકિસ્તાન વચ્ચે વધતી જતી નિકટતા સાથે, ભારત આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તુર્કી સામે ઉભું છે. આર્મેનિયા-અઝરબૈજાન સંઘર્ષમાં ભારતે સ્ટેન્ડ લીધા પછી સ્પષ્ટ કર્યું હતુ કે તે એજિયન સમુદ્રમાં તુર્કી અને ગ્રીસ વચ્ચેના સંઘર્ષમાં ગ્રીસનો પક્ષ લઈ રહ્યું છે. ગ્રીસ અને સાયપ્રસ સાથે ભારતની નીકળતા તેમના કટ્ટર દુશ્મન તુર્કીના પેટમાં તેલ રેડી રહ્યું છે.
મુસ્તફા સેકરની કઈ સીક્રેટ વાત બહાર આવી ?
મુસ્તફા સેકરે સાંસદોને કહ્યું કે તુર્કી સરકારે ભારતને બ્લેકલિસ્ટમાં નાંખ્યું છે. કોઈપણ સૈન્ય ચીજવસ્તુના વેચાણને મંજૂરી આપી નથી. ભારત સાથે વિવાદનું જોખમ હોવા છતાં ગુપ્ત પ્રતિબંધ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું, ભારત વિશ્વના ટોચના 5 ડિફેન્સ ઈમ્પોર્ટ નેશન્સમાંનું એક છે. ભારતનું બજાર ખૂબ જ મોટું અને તેઓ લગભગ 100 અબજ ડોલરની આયાત કરે છે. અમારા રાજકીય સંજોગો અને પાકિસ્તાન સાથેની અમારી મિત્રતાને કારણે અમારું વિદેશ મંત્રાલય ભારતમાં કોઈપણ ડિફેન્સ પ્રોડક્ટની નિકાસ પર અમને હકારાત્મક પ્રતિસાદ નથી આપી રહ્યું. અમે અમારી કંપનીઓને આ સંબંધમાં કોઈ પરવાનગી પણ નથી આપી રહ્યાં.
વણસી રહેલા સંબંધો :
ભારતે પોતાના કોમ્બેટ બેઝ પર ગ્રીસના હેલેનિક નેશનલ ડિફેન્સ જનરલ સ્ટાફના પ્રમુખની મેજબાની કરતા તુર્કી અકળાયું હતુ. તુર્કી વિરુદ્ધ ભારતનો આ નિર્ણય કાશ્મીરને લઈને તેના વારંવારના નિવેદનોને કારણે હતો. એપ્રિલમાં ભારતની હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL)એ ભારતીય નૌકાદળ માટે પાંચ સહાયક જહાજોનો કાફલો બનાવવા માટે તુર્કીની કંપનીઓ સાથેના તમામ કરારો રદ્દ કર્યા હતા અને તેના પોતાના પર નિર્માણ કામ સાથે આગળ વધવાનું નક્કી કર્યું હતુ. આમ અંતે હવે બંને દેશો વચ્ચે ગજગ્રાહ ઉભો થઈ રહ્યો છે.