તુર્કીમાં 5.6ની તીવ્રતાનો મોટો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ, નુકસાનીના અહેવાલ નહીં
Turkey Earthquake : તુર્કીમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. તુર્કીના ઉત્તર ભાગ ટોકાટમાં 5.6ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો છે. આ માહિતી તુર્કી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આપી છે. ભૂકંપના કારણે લોકો ડરમાં છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે, 'ગુરૂવારે ઉત્તર તુર્કીમાં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. હજુ સુધી કોઈ નુકસાનીના અહેવાલ મળ્યા નથી. રાજધાની અંકારાથી લગભગ 450 કિલોમીટર પૂર્વમાં ટોકાત વિસ્તારના સુલુસરાય શહેરમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.'
તુર્કી સરકારના મંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું કે, 'એએફડી અને અન્ય સંબંધિત એજન્સીઓની ટીમો ઘટનાસ્થળે સ્થિતિની તપાસ કરી રહી છે.'
સ્થાનિક મીડિયાના અનુસાર, ભૂકંપના આંચકા પાડોશી રાજ્યોમાં પણ અનુભવાયા હતા. જણાવી દઈએ કે, તુર્કી એક્ટિવ ફોલ્ટ લાઇનથી ઘેરાયેલું છે અને અહીં ભૂકંપ વારંવાર આવે છે. ગયા વર્ષે, દક્ષિણ તુર્કી અને પડોશી સીરિયાના ભાગોમાં 7.8 તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં 59,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.
અગાઉ પણ તુર્કીમાં ખૂબ જ તીવ્ર ભૂકંપ આવ્યો હતો, જેણે ભારે તબાહી મચાવી હતી. ગુરુવારે આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી.