તુર્કી : ભૂકંપમાંથી બચી ગયેલા માટે નથી ઘર, નથી રોજી-રોટી, બબ્બે વર્ષથી કન્ટેનર્સમાં જીવન ગાળે છે
- 6 ફેબ્રુ. 2023ના દિને 7.8નો ભૂકંપ આવ્યો હતો, તે પછી તુર્તજ બીજો પ્રબળ ભૂકંપ થયો : અનેક મકાનો તૂટી ગયા, અસંખ્ય બેઘર થઈ ગયા
અંકારા : ૨૦૨૩ની ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ દક્ષિણ તુર્કીમાં ૭.૮નો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. તે પછી લગભગ તેટલો જ પ્રબળ ભૂકંપ થયો હતો. તે પછી પણ કેટલાયે સમય સુધી આફટર શોક્સ લાગ્યા હતા. પરિણામે દક્ષિણ-તુર્કીમાં અનેક ઘરો તૂટી પડયા હતાં કે તેને ગંભીર રીતે નુકસાન થયું હતું. પરિણામે અસંખ્ય લોકો ઘરબાર છોડી બહાર જતા રહ્યા હતા. એ ધરતીકંપને લીધે ૫૩૦૦૦ના તો મોત થયા હતાં જ્યારે દક્ષિણ સીરીયામાં પણ ૬૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા.
છેલ્લા કેટલાએ દાયકાઓમાં તુર્કીએ અનુભવેલી આ સૌથી ભયંકર આપત્તિ હતી.
આ અંગે ૫૧ વર્ષના ઇલેકિટ્રશ્યન આયાદિને કહ્યું હતું કે, તે ભૂકંપનો ગડગડાટ હજી મારા કાનમાં ઘૂમે છે. હજી મારા મનમાંથી દહેશત દૂર થઈ નથી. ધસી પડતા મકાનોના અવાજો, બચાવો, બચાવોના અવાજો હજી પણ કાનમાં પડછંદા દઈ રહ્યા છે.
આયાદીન તેની માતા અને ૩ બાળકો સાથે સ્ટીમરનાં એક કન્ટેનરમાં સાથે રહે છે. સરકારની ભૂકંપપીડિતો પ્રત્યે દર્શાવેલી ઉપેક્ષાની ટીકા કરતાં કહ્યું હતું કે, સરકારે વચન આપ્યું હોવા છતાં અમારા મકાનો બે વર્ષથી રીપેર થયા નથી. ધરતીકંપની રાત્રી કાળરાત્રી બની હતી. અમે સરકારે બનાવેલા ટેન્ટમાં રહેવા ગયા પરંતુ ત્યાં ઠંડી પુષ્કળ લાગી પછી અમોને સ્ટીમરમાંથી ઉતારેલા કન્ટેનરમાં રહેવા માટે સગવડ તો કરી આપી. પરંતુ ઠંડીમાં લોખંડનું કન્ટેનર પણ અત્યંત ઠંડુ થઈ જાય છે. તેથી શિયાળામાં ઠંડીથી બચવા ગરમ ધાબળામાં વીંટાઈ જવું પડે છે.
ખાવા-પીવાની ઘણી જ તંગી છે. સરકાર સહાયરૂપ રકમ આપે છે. પરંતુ તે ઘણી ઓછી પડે છે. તેથી બજારમાંથી કશું ને કશું વિશેષત: શાકભાજી ખરીદવા પડે પરંતુ પૂરતી આવક જ નથી. મારો ૨૬ વર્ષનો પુત્ર બેકાર છે. સમુદ્ર તટે રહેલા આ ઇસ્કંદરમ શહેરમાં ઉદ્યોગ-ધંધા હજી પણ ઠપ્પ સમાન છે. તેથી મારો યુવાન પુત્ર બેકાર છે. ઇલેક્ટ્રિશ્યન તરીકે મને થોડું ઘણું કાંઈ કોઈવાર કામ મળે છે. તેથી માંડ પેટ ભરાય છે.
આ આયાદીન જેવી કથની બીજા પણ સર્વાઈવર્સે (બચી ગયેલાઓ)ની છે. ટુંકમાં તુર્કીની એર્ડોગન સરકાર ભૂકંપ પછી પુન:નિર્માણમાં શૂન્ય સાબિત થઈ છે.