ઈસ્લામિક સ્ટેટનો અડ્ડો બની રહ્યું છે તૂર્કી, 40 શંકાસ્પદ આતંકીઓની અટકાયત, મોસ્કો આતંકી હુમલાનું પણ કનેક્શન
image : Twitter
અંકારા,તા.26 માર્ચ 2024,મંગળવાર
મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાનો રેલો તૂર્કી સુધી પહોંચ્યો છે. તૂર્કીમાં સુરક્ષા એજન્સીઓએ ઠેર ઠેર દરોડા પાડીને ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા 40 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરી છે.
તૂર્કીની આંતરિક બાબતોના મંત્રી અલી યેરલિકાયાએ કહ્યુ હતુ કે, આઠ પ્રાંતોમાંથી આ લોકોને પકડવામાં આવ્યા છે. જૂન 2023 થી અત્યાર સુધીમાં તૂર્કીની એજન્સીઓએ ઈસ્લામિક સ્ટેટ વિરોધી અભિયાન ચલાવીને કુલ 2733 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી અને આ પૈકી 692 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે રશિયાના મોસ્કોના કોન્સર્ટ હોલ પર હુમલો કરનારા આતંકીઓમાંથી એકનુ તૂર્કી સાથેનુ કનેક્શન બહાર આવ્યું છે. આ વ્યક્તિએ તૂર્કીથી રશિયાની મુસાફરી કરી હતી. જેનુ નામ શમ્સીદીન ફરીદુની છે અને તે તાજિકિસ્તાનનો નાગરિક છે. તેણે કોન્સર્ટ હોલમાં ભીડ પર ગોળીઓ ચલાવી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર 23 ફેબ્રુઆરીએ તૂર્કીની મુલાકાતની તસવીરો પોસ્ટ કરી હતી.
આ કેસની પૂછપરછ દરમિયાન ફરીદુનીએ 4 માર્ચે તૂર્કીથી રશિયાની મુસાફરી કરી હોવાની અને પૈસાના બદલામાં હુમલો કર્યો હોવાની કબૂલાત કરી હતી. જોકે તૂર્કી અને રશિયા દ્વારા આતંકીની તૂર્કી સાથેની કડી પર હજી સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. મોસ્કોના કોન્સર્ટ હોલમાં થયેલા આતંકી હુમલામાં 133 લોકોના મોત થયા હતા. આ હુમલામાં સંડોવાયેલા મનાતા 11 લોકોની રશિયન સુરક્ષા એજન્સીઓએ ધરપકડ કરી છે. ઈસ્લામિક સ્ટેટ-ખોરાસને આ હુમલાની જવાબદારી લીધી હતી.