તુર્કીમાં ખળભળાટ, મોસાદના જાસૂસ હોવાની શંકાના આધારે 34 લોકોની ધરપકડ
image : twitter
અંકાર,તા.3 જાન્યુઆરી 2024,બુધવાર
તુર્કીની જાસૂસી સંસ્થાએ મોસાદના જાસૂસ હોવાની શંકાના આધારે 34 લોકોની ધરપકડ કર્યા બાદ તુર્કીમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
અધિકારીઓનો દાવો છે કે, આ તમામ લોકો મોસાદ સાથે સંકળાયેલા છે અને મોસાદના ઈશારે તુર્કીમાં રહેતા પેલેસ્ટાઈનના લોકોને ટાર્ગેટ કરી રહ્યા હતા. મોસાદ તુર્કીમાં પોતાના એજન્ટોની સંખ્યા વધારી રહ્યુ છે.
આ ધરપકડ થઈ તેના એક મહિના પહેલા જ તુર્કીના અધિકારીઓએ ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે, જો મોસાદે તુર્કી સહિત અન્ય દેશોમાં રહેતા હમાસના નેતાઓ પર હુમલા કરવાની કોશિશ કરી તો તેના ગંભીર પરિણામો મોસાદે ભોગવવા પડશે. ઈઝરાયેલે જો આવી કોઈ હરકત કરી તો તો તેની મોટી ભૂલ હશે.
દરમિયાન તુર્કીના અધિકારીનુ કહેવુ હતુ કે, તુર્કીની જાસૂસી સંસ્થા એમઆઈટી તેમજ પોલીસે મળીને આઠ પ્રાંતોમાં દરોડા પાડ્યા હતા. ઈઝરાયેલની જાસૂસી સંસ્થા પેલેસ્ટાઈનના લોકો અને તેમના પરિવારો પર હુમલા કરવા માટે એજન્ટોની ભરતી રી રહી છે. આ માટે તેમણે પહેલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો અને પછી આંતરીના શકાય તેવા સંદેશા મોકલવા માટે બીજા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. ઈઝરાયેલ તુર્કીમાં પોતાના એજન્ટોને પેમેન્ટ આપવા માટે કુરિયરો અને વચેટિયાઓનો ઉપયોગ કરે છે. મોસાદ સાથે જોડાયેલા લોકો સામે તુર્કીનુ અભિયાન ચાલુ રહેશે. જેમને પકડવામાં આવ્યા છે તેમનુ લક્ષ્ય તુર્કીમાં રહેતા વિદેશી નાગરિકોની ઓળખ કરીને તેમના પર હુમલા કરવાનુ અને તેમનુ અપહરણ કરવાનુ હતુ.
34 લોકોની ધરપકડના મુદ્દે ઈઝરાયેલની સરકાર દ્વારા તો હાલ પૂરતી તો કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. જોકે તુર્કીની કાર્યવાહીથી બંને દેશો વચ્ચે ચાલી રહેલો ટકરાવ વધારે ઉગ્ર બનશે. કારણકે હમાસ સાથે ઈઝરાયેલના જંગ બાદ તુર્કીએ હમાસનુ ખુલ્લેઆમ સમર્થન કર્યુ હોવાથી ઈઝરાયેલે તુર્કીમાંથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે.
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને તાજેતરમાં ઈઝરાયેલના પીએમને હિટલર સાથે સરખાવ્યા હતા અને નેતાન્યાહૂએ વળતા જવાબમાં કહ્યુ હતુ કે, કુર્દ લોકોનો નરસંહાર કરનારા એર્દોગનને તો આ મુદ્દા પર બોલવાનો હક જ નથી.