મિડલ ઈસ્ટના આ દેશમાં સરકારે કારણ આપ્યા વગર જ એકાએક ઇન્સ્ટાગ્રામ બ્લોક કરતા ખળભળાટ
Turkey Blocks Instagram: પોતાના ઘરમાં ઘૂસીને થયેલા હુમલાનો બદલો લેવાનો ઈઝરાયેલનો નિર્ધાર હવે મહાયુદ્ધમાં પરિણમવાની કગાર પર છે. એક જ દિવસમાં ટોચના બે વિરોધીઓનો ખાતમો બોલાવતા ઈઝરાયેલની ચોતરફ વાહવાહી તો થઈ રહી છે પરંતુ ઈઝરાયેલે અનેક દેશોને યુદ્ધ માટે ખુલ્લું આમંત્રણ આપી દીધું છે. ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સામારોહમાં આવેલા હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઠાર કર્યો તો બીજીતરફ લેબનોનમાં ઘૂસી હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરને પણ ઠાર કર્યો. યુદ્ધની આ સ્થિતિમાં લોકોમાં આક્રોશ ચરમસીમાએ છે. સોશિયલ મીડિયા પર ‘શહીદ હાનિયા’ ટ્રેન્ડિંગ કરી રહ્યું હતુ. આ ટ્રેન્ડિંગ મામલે મિડલ ઈસ્ટના એક દેશમાં સંભવિત સેન્સરશીપના આરોપમાં ઈન્સ્ટાગ્રામ જ બ્લોક કરી દેવામાં આવ્યું છે.
મિડલ ઈસ્ટના એક મુખ્ય દેશ તુર્કી(Tukrey)એ Instagram સોશિયલ મીડિયા નેટવર્કનું એક્સેસ સમગ્ર દેશમાં બ્લોક કર્યું છે. મહત્વની વાત એ છે કે દેશની કોમ્યુનિકેશન ઓથોરિટીએ ઈન્સ્ટા બ્લોક કરવા પાછળ કોઈ આધિકારીક કારણ પણ નથી આપ્યું. જોકે તાજેતરમાં જ તુર્કીના એક વરિષ્ઠ અધિકારી દ્વારા અમેરિકન કંપની પર સેન્સરશિપ સંબંધિત આરોપો લગાવવામાં આવ્યા હતા.
તુર્કીની કોમ્યુનિકેશન ઓથોરિટીએ તેની વેબસાઈટ પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે 2 ઓગસ્ટ, 2024ના નિર્ણય હેઠળ instagram.comને બ્લોક કરવામાં આવી છે. તુર્કીના રાષ્ટ્રપતિ કાર્યાલયના કોમ્યુનિકેશન ડાયરેક્ટર એફ. એલ્ટને મેટાની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લોકોને 'શહીદ હાનિયા' માટે શોક સંદેશ મોકલવાથી રોકવાનો આરોપ લગાવ્યો હતો. સરકાર તરફથી આક્ષેપ થયો કે ઈન્સ્ટા હાનિયાને શહીદ નથી સંબોધવા દેતું અને મેસેજ સેન્ડ અને સ્પ્રેડ પણ નથી થવા દેતુ.
ઈન્સ્ટા બ્લોક થતા ફરિયાદોનો રાફડો X (જુનું ટ્વિટર) મેસેજિંગ પ્લેટફોર્મ પર ફાટ્યો છે. યુઝર્સની ફરિયાદ છે કે તેઓ Instagram ફીડને રિફ્રેશ નથી કરી શકતા. તુર્કીના મીડિયા અનુસાર દેશની કુલ 8.5 કરોડ લોકોની વસ્તીમાંથી 5 કરોડ યુઝર્સ ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયેલા છે. એક યુઝર્સે તો કીધું કે દેશમાં ઈન્સ્ટાગ્રામ બ્લોક કરી દેવામાં આવ્યું છે, અહિંયા જિંદગી જ સમાપ્ત કરી દેવામાં આવી છે.
પ્રતિબંધ માટે તુર્કી પ્રખ્યાત :
મહત્વની વાત એ છે કે આ પહેલીવાર નથી કે જ્યારે તુર્કીમાં સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય. વિકિપીડિયા એપ્રિલ 2017થી જાન્યુઆરી, 2020 વચ્ચે બ્લોક રાખવામાં આવ્યું હતુ. તુર્કીની સર્વોચ્ચ અદાલતે સરકારના આ પ્રતિબંધને ગેરમાન્ય ઠેરવ્યો હતો. આ સિવાય પણ અવારનવાર તુર્કીની વર્તમાન સરકાર પર વારંવાર લોકોની સ્વતંત્રતા પર હુમલો કરવાનો આરોપ લાગતો આવ્યો છે.