VIDEO: તુર્કેઈમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થતા બિલ્ડિંગ ધરાશાયી, 12 લોકોના મોત, ચારને ઈજા
Explosive Blast in Turkey : તુર્કેઈમાં એક ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતા ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ વિસ્ફોટ વિસ્ફોટક સામગ્રી બનાવતી ફેક્ટરીમાં થયો છે. રિપોર્ટ મુજબ તુર્કેઈના બાલીકેસિર પ્રાંતમાં આવેલી ફેક્ટરીમાં ધડાકો થયો છે. પ્રાંતના ગર્વનર ઈસ્માઈલ ઉસ્તાઉગ્લુએ કહ્યું કે, ‘બાલીકેસિર પ્રાંતના કારેસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે, જેમાં 12 નાગરિકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મૃત્યુઆંક વધવાની સંભાવના
જે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે, તેનું નામ ZSR એમ્યુનિશન પ્રોડક્શન ફેક્ટરી છે. વિસ્ફોટ કયા કારણોસર થયો, તેની કોઈ વિગતો સામે આવી નથી. બીજીતરફ એવા અહેવાલ સામે આવ્યા છે કે, આ વિસ્ફોટ ભયાનક હતો, જેના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે. રિપોર્ટ મુજબ વિસ્ફોટ બાદ ફેક્ટરીની બિલ્ડિંગ ધરાશાઈ થઈ છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે અને પુરજોશમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત તપાસ એજન્સીઓએ ઘટનાના કારણોની પણ તપાસ શરૂ કરી દીધી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.