અમેરિકાથી ખાસ મહેમાન આવશે ભારત, US નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડનો ખાસ પ્રવાસ
Tulsi Gabbard to visit India: યુએસ ડાયરેક્ટર ઑફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાર્ડ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની બહુરાષ્ટ્રીય મુલાકાતના ભાગરૂપે ભારતની મુલાકાત લેશે. તુલસી ગબાર્ડ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ અને સ્વતંત્રતાના લક્ષ્યોને હાંસલ કરવા માટે મજબૂત સંબંધો બનાવવા માટે આ સફર કરી રહ્યા છે. પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે.
તુલસી ગબાર્ડ જાપાન, થાઇલૅન્ડ અને ભારતની મુલાકાત લેશે
આ પ્રવાસ દરમિયાન તુલસી જાપાન, થાઇલૅન્ડ અને ભારતની મુલાકાત લેશે. બધાની નજર તુલસીના ભારત પ્રવાસ પર છે. બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના અધિકારીની આ પ્રથમ ભારત મુલાકાત હશે.
તુલસી ગબાર્ડે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'હું ઇન્ડો-પેસિફિકની બહુરાષ્ટ્રીય સફર પર છું, એક પ્રદેશ જેને હું સારી રીતે જાણું છું કારણ કે હું પેસિફિકમાં મોટી થઈ છું. હું જાપાન, થાઇલૅન્ડ અને ભારતનો પ્રવાસ કરીશ. અમેરિકા પરત ફરતી વખતે હું થોડો સમય ફ્રાન્સમાં પણ રહીશ. શાંતિ, સ્વતંત્રતા અને સમૃદ્ધિના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે મજબૂત સંબંધો, સમજણ અને સંચારનો માર્ગ જાળવવો મહત્ત્વપૂર્ણ છે.'
ભારતનો પ્રવાસ મહત્ત્વપૂર્ણ રહેશે
તુલસી 17 અને 18 માર્ચે ભારતના પ્રવાસે આવશે. તુલસીની આ મુલાકાત ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.
તુલસી તેમના ભારત પ્રવાસ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને મળી શકે છે. આ બેઠક દરમિયાન બંને વચ્ચે ઇન્ટેલિજન્સ બાબતો પર ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત કરવા, આતંકવાદ સામે લડવા, બંને દેશોની ઇન્ટેલિજન્સ સેવાઓનો એકબીજાને લાભ લેવા જેવા મહત્ત્વના વિષયો પર ચર્ચા થઈ શકે છે.
પાકિસ્તાન અને ચીનનું ટેન્શન વધશે
બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે પાકિસ્તાન અને ચીન પ્રત્યે પોતાનું આક્રમક વલણ દર્શાવ્યું છે. આવી સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલી નિકટતા બંને દેશો માટે પહેલેથી જ ચિંતાનો વિષય છે. હવે તુલસીની ભારત મુલાકાતથી પાકિસ્તાન અને ચીનનું ટેન્શન વધશે તે નિશ્ચિત છે.