''ઇન્ટેલિજન્સ-ડાયરેક્ટર'' પદે નિયુક્ત થયેલાં તુલસી-ગબ્બાર્ડ સર્વ પ્રથમ હિન્દુ મહિલા
- તુલસી ગબ્બાર્ડ હવાઈ મૂળનાં છે, તેમનાં કુટુંબે હિન્દુ-ધર્મ સ્વીકાર્યો હતો : તુલસીએ ગીતા પર હાથ મૂકીને શપથ લીધા
વૉશિંગ્ટન : અમેરિકાના નવનિર્વાચિન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પૂર્વ ડેમોક્રેટસ તુલસી ગબ્બાર્ડની ડીરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (ડી.એન.આઈ.) પદે નિયુક્ત કર્યાં છે. ૨૦મી જાન્યુઆરીએ ટ્રમ્પ પોતાનું પદ સંભાળી લેશે
ટ્રમ્પે તેઓને એક ગૌરવશાળી રીપબ્લિકન કહ્યાં છે સાથે કહ્યું છે કે, જેઓની નિડરતા તે વિભાગમાં પણ નિડરતા પ્રસરાવી શકશે.
ઉલ્લેખનીય છે કે એક સમયે તેઓ ડેમોક્રેટિક પાર્ટીમાં પ્રમુખપદ માટેનાં ઉમેદવાર તરીકે ઊભાં રહ્યાં હતાં, પરંતુ પક્ષીય કમલા હેરીસ તરફે સ્પર્ધામાંથી ખસી ગયાં હતાં. તે પછી તેઓ રીપબ્લિકન પાર્ટીમાં જોડાયા.
તુલસી નામ ઉપરથી સહજ રીતે લાગે કે તેઓ ભારતીય વંશનાં હશે, પરંતુ તેમ નથી. તેઓ અમેરિકન-સાયોચીન વંશના છે. ભારતીય વંશના નથી કે ભારત સાથે સીધો સંબંધ પણ ધરાવતાં નથી. તેઓનાં માતાએ હિન્દૂ ધર્મ અંગીકાર કર્યો હતો, સંતાનોને પણ હિન્દૂ ધર્મમાં અનુયાયીઓ બનાવ્યા હતાં. તુલસી ગબ્બાર્ડે ગીતા પર હાથ મૂકી શપથ લીધા હતા.
તુલસી ગબ્બાર્ડને જાસૂસી કાર્યવાહીનો ખાસ અનુભવ નથી. તેઓએ આર્મી નેશનલ ગાર્ડમાં ૨૦ વર્ષથી વધુ સમય સુધી ઇરાક અને કુવૈતમાં ફરજ બજાવી હતી. તે પછી ડેમોક્રેટિક પાર્ટીનાં સભ્યપદે હતાં ત્યારે હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્ઝમાં ચૂંટાયાં હતાં તે સમયે હોમલેન્ડ સિક્યોરિટી કમિટિમાં સભ્ય પદે લેવાયાં તેમાં બે વર્ષ સુધી કામ કર્યું હતું તે દરમિયાન તેઓને જાસૂસી અંગેનો થોડો ઘણો અનુભવ મળ્યો. જોકે ડૉનાલ્ડ ટ્રમ્પને તેમનામાં ઘણો વિશ્વાસ છે તેઓ કહે છે કે, તુલસી આપણા સંવૈધાનિક અધિકારોની પૂરી રક્ષા કરી શકશે. દેશમાં શાંતિ સ્થાપી શકશે. સાથે શક્તિની ચેતના પ્રકટાવી શકશે.