પાકિસ્તાન પર નવી આફત, આતંકીવાદીઓએ કેટલાક વિસ્તારો પર કર્યો કબજો, પોલીસ પણ ભાગી
TTP in Pakistan : આતંકવાદી સંગઠન 'તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન' (TTP) એ પાકિસ્તાનના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો છે. TTP અને લશ્કર-એ-ઈસ્લામ (LI)ના સશસ્ત્ર આતંકવાદીઓએ દેશના ઉત્તરીય રાજ્ય ખૈબર પખ્તુનખ્વાની તિરાહ ખીણમાં કબજો જમાવ્યો છે. આતંકીઓના કબજાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, 'ટીટીપી અને એલઆઈના ફરી સક્રિય થવાથી ખીણમાં ખતરો વધી ગયો છે. જેથી સ્થાનિક રહેવાસીઓએ અધિકારીઓને સુરક્ષા માટે અપીલ કરી છે.' જો કે, પાકિસ્તાન સરકાર તરફથી અત્યાર સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.
કબજે કરેલા વિસ્તારો પર આતંકીઓનું સંપૂર્ણ નિયંત્રણ
કબજે કરાયેલા વિસ્તારના લોકોએ જણાવ્યું કે, "શાલોબરના કંબરખેલ, આદમખેલ, લંડાવર અને થિરાઈ વિસ્તારમાં આતંકીઓ હાજર છે. આ સિવાય પીર મેળા અને ભૂતાન શરીફ વિસ્તારમાં પણ આતંકીઓ સક્રિય છે. હાલમાં તેઓ મુખ્ય માર્ગો અને બજારોમાં ખુલ્લેઆમ ફરી રહ્યા નથી."
પીર મેળા વિસ્તારમાં આતંકવાદીઓ મુક્તપણે ફરતા હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સુરક્ષા દળો પર કાર્યવાહી કરવાનું દબાણ વધી રહ્યું છે. પશ્તો ભાષામાં સોશિયલ મીડિયા પર કરાયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાલોબર અને પીર થરી વિસ્તાર પર આતંકવાદીઓએ સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યો છે.
પોલીસ અધિકારીઓ ભાગી ગયા
આ મામલામાં સૌથી રસપ્રદ વાત એ છે કે સામાન્ય રીતે સુરક્ષા દળો સ્થાનિક ચેકપોસ્ટ પર સામાન્ય લોકોની તપાસ કરે છે, પરંતુ આતંકવાદીઓ તેમના વિસ્તારોમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે ત્યારે સુરક્ષા દળો અને પોલીસ અધિકારીઓ ક્ષેત્ર છોડીને ભાગી ગયા છે.
સ્થાનિકોએ જણાવ્યું કે 'ટીટીપીના આતંકવાદીઓએ કબજો જમાવ્યા બાદથી પોલીસ દળો પુલ વિસ્તારમાંથી લગભગ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે.'
આ પણ વાંચોઃ ઇટાલી પાસે લક્ઝુરિયસ યૉટ ડૂબી: અબજોપતિ બિઝનેસમેન માઇક લિંચ સહિત છ ગુમ, પત્નીને બચાવાયા
લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો
પાકિસ્તાનની ટોચની મીડિયા એજન્સીએ રિપોર્ટમાં જણાવ્યું કે, આ વિસ્તારમાં સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. સ્થાનિક લોકોનો પાકિસ્તાન પ્રશાસન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આ દરમિયાન, આતંકવાદીઓ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે છે, આવી સ્થિતિમાં લોકો તેમના ઘરથી બહાર નીકળવામાં પણ ડરી રહ્યા છે. આતંકવાદીઓ અને સૈન્યના યુદ્ધ વચ્ચે સામાન્ય લોકો જોખમમાં રહે છે. આ વિસ્તારના લોકોએ સરકાર સમક્ષ મદદની માંગ કરી હતી, પરંતુ અત્યાર સુધી પાકિસ્તાન સરકાર તરફથી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.