ટ્રમ્પને PM મોદીના અભિનંદન, પરંતુ અમેરિકા જવામાં ગુજરાતીઓને પડશે સૌથી મોટો ફટકો
US Election: અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા છે, પરંતુ ગુજરાતીઓને સૌથી મોટો ફટકો પડવાનો છે. આ ચૂંટણી જીતવાથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા તો પાઠવી છે, પરંતુ ટ્રમ્પના જીત્યા બાદ એની સીધી અસર ગુજરાતીઓ પર પડવાની છે. અમેરિકામાં H1-B વિઝા મેળવવામાં ભારતીયોમાં ગુજરાતીઓ જ અગ્રેસર હોય છે. આથી આ નિયમમાં જો ફેરફાર કરવામાં આવે, તેનો સૌથી મોટો ફટકો ગુજરાતીઓને જ પડશે.
H1-B વિઝાના નિયમમાં બદલાવ થશે?
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વાર પ્રમુખ બન્યા હતા ત્યારે તેમણે વિઝા પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ બનાવી દીધી હતી. તેથી ફરી પ્રમુખ બનતા આ પ્રક્રિયા અઘરી બનશે એમાં કોઈ બેમત નથી. H1-B વિઝા માટેની જે જરૂરિયાતો હોય છે એને ખૂબ જ સખત બનાવી દીધી છે. આથી સામાન્ય વ્યક્તિએ વિઝાની જરૂરિયાત માટેની તમામ બાબતો માટે હવે પહેલાં કરતાં વધુ સખત મહેનત કરવી પડશે.
ઉદાહરણ તરીકે, વિઝા માટે 500 પોઇન્ટની જરૂર હોય તો હવે 700 પોઇન્ટ કરી દેવામાં આવ્યા છે જેથી દરેક આ વિઝા માટે ફાઇલ ન મૂકી શકે. આ સાથે જે પણ વ્યક્તિ H1-B વિઝા માટેની ફાઇલ મૂકે છે, તેમની ફાઇલને ખૂબ જ બારીકાઈથી ચેક કરવા માટે કહેવામાં આવ્યું હતું. જો કોઈની પણ ફાઇલમાં જરા પણ ભૂલ દેખાય તો એને રિજેક્ટ કરવામાં આવે છે. આ નિયમોને ફરી લાદવામાં આવશે એવી પૂરેપૂરી સંભાવના છે. તેમ જ આ સાથે રોજગારને લગતાં નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવે એવું બની શકે છે.
આ નિયમોમાં H1-B વિઝા ધારકને ઓછા કલાક નોકરી કરવાની મંજૂરી આપવામાં આવે એવું પણ બની શકે છે અથવા તો તેમને અમેરિકન કરતાં એક કલાકદીઠ ઓછું વેતન આપવામાં આવે એ પણ બની શકે છે. અમેરિકન નાગરિકને પહેલાં પ્રાધાન્ય આપવા માટે આ નિર્ણય લેવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે.
નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છા
ટ્રમ્પની જીત નિશ્ચિત થતા જ નરેન્દ્ર મોદીએ X પર તેમને શુભેચ્છા પાઠવી હતી. આ પોસ્ટમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને તેની ઐતિહાસિક જીત માટે દિલથી શુભેચ્છા. તારી પહેલાની ટર્મમાં તે જે રીતે સફળતા દેખાડી હતી એ જ રીતે બીજી ટર્મમાં આપણે સાથે મળીને અમેરિકા-ઇન્ડિયાના સંબંધને વધુ બનાવવીએ એ માટે હું ઉત્સુક છું. આપણે બંને દેશ વચ્ચે વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારી વધારીશું એવી આશા રાખું છું. આપણે સાથે મળીને આપણાં લોકો માટે સારું ભવિષ્ય બનાવીશું, તેમ જ વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ આવે એ માટે કામ કરીશું.’
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકન પ્રમુખપદ માટે પોતાનું નામ નિશ્ચિત થતા જ ટ્રમ્પે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ પર સમર્થકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘અમેરિકાનો હવે ગોલ્ડન સમય જોવા મળશે. અમેરિકાએ મારા પર ભરોસો કરીને અમને ખૂબ જ મોટી જવાબદારી આપી છે.’
ટ્રેડમાં આવી શકે છે બદલાવ
ટ્રમ્પના જીત્યા બાદ તેમના ટ્રેડ વિશેના તમામ નિયમોમાં અમેરિકાને ફોકસમાં રાખીને ફેરફાર કરાશે એવી સંભાવના ખૂબ જ છે. ભારત દ્વારા અમેરિકામાં જે પણ એક્સપોર્ટ કરવામાં આવે છે એના નિયમોમાં ફેરફાર કરવો પડી શકે છે. ભારતે IT, ફાર્માસ્યુટિકલ અને ટેક્સ્ટાઇલને લગતા નિયમોમાં ફેરફાર કરવો પડી શકે છે.
એક રિપોર્ટ મુજબ, ટ્રમ્પના બીજા કાર્યકાળમાં તે અમેરિકાની ઇકોનોમી, ઇન્ટરનેશનલ રિલેશન અને ફાઇનાન્શિયલ સેક્ટરને ધ્યાનમાં રાખીને તેની પોલિસીમાં બદલાવ કરવા માગે છે. આ બદલાવ મુખ્યત્વે એશિયા સાથેના ટ્રેડિંગમાં જોવા મળી શકે છે. જો કે, એક રિપોર્ટ દ્વારા એ પણ સામે આવ્યું છે કે ટ્રમ્પના આ બદલાવથી ભારતને ટ્રેડ અને કરન્સીમાં પણ ફાયદો થઈ શકે છે.
ટ્રેડિંગમાં શું આવી શકે છે ચેલેન્જ?
અમેરિકા અને ભારત વચ્ચેના ટ્રેડિંગને લઈને બે ચેલેન્જ જોવા મળશે. પહેલી ચેલેન્જ એ છે કે આ ટ્રેડિંગને લઈને ઘણાં દેશ અથવા તો અમેરિકાના લોકો પણ એની ટીકા કરી શકે છે. આથી બન્ને દેશો માટે એ એક ચેલેન્જ છે. તેમ જ ઇન્ડિયા સાથેના ટ્રેડને લઈને અમેરિકા એની સંપૂર્ણ પણે તપાસ કરે અને તેમના ફાયદામાં એ છે કે નહીં એ વિશે ચકાસી એમાં બદલાવ કરવામાં આવી શકે છે. કરન્સીને ઉપર-નીચે લઈ જવા માટે જે પણ ટ્રેડિંગ પાર્ટનર છે જેઓ ગેરકાયદે રીતે કામ કરતાં હોય તેમને દંડ પણ કરવામાં આવી શકે છે. આથી અમેરિકા માટે આ બે મુખ્ય ચેલેન્જ છે.
ઇન્ડિયન માર્કેટ પર અસર
નિષ્ણાતોના મતે, ટ્રમ્પની મોટા ભાગની પોલિસી એન્ટી-ગ્લોબલાઇઝેશન હોય છે. આથી એની અસર માર્કેટ અને નાણાં પર જરૂર પડે છે. ICICI બેન્કના ઇકોનોમિક રિસર્ચના હેડ સમીર નારંગ કહે છે, ‘ટ્રમ્પની જીતથી દરેક વસ્તુની કિંમતમાં વધારો જોવા મળશે. સોનાના ભાવની સાથે અમેરિકન ડોલરના ભાવમાં પણ વધારો જોવા મળશે. જો કે, ક્રૂડની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે. કમલા હેરિસ જીતે હોત તો આ ભાવમાં વધારો જોવા નહીં મળત અને ટ્રેડિંગ રેટ ફ્લેટ રહ્યો હોત.’
અમેરિકાની દરેક પોલિસી એ રીતે બનાવવામાં આવશે જેનાથી દુનિયાભરના સ્ટોક માર્કેટને ફાયદો થાય કે નહીં, પરંતુ વોલ સ્ટ્રીટને જરૂર ફાયદો થશે. એનાથી લોન્ગ-ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પર ખૂબ જ અસર જોવા મળશે.