મોદીના વખાણ કરતાં ટ્રમ્પે માર્યુ યુ-ટર્ન, કહ્યું - હું સત્તામાં આવીશ તો ભારત સામે વળતા ટેરિફ લાદીશ
US Presidential Election and Donald Trump | અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે દાવો કર્યો હતો કે જો હું સત્તાસ્થાને ચૂંટાઇ આવીશ તો અમેરિકાના માલ પર ટેરિફ લાદનાર દેશો સામે હું વળતાં ટેરિફ લાદી બતાવીશ. વિદેશી ચીજવસ્તુઓ પર ભારત સૌથી વધું ટેરિફ લાદે છે પણ તે હસતું મોં રાખી આ કામ કરે છે. ટ્રમ્પે ડેટ્રોઇટમાં જણાવ્યું હતું કે આપણે કોઇ ટેરિફ ચાર્જ કરતાં નથી,પણ ચીન 200 ટકા ટેરિફ ચાર્જ કરે છે. બ્રાઝિલ પણ ટેરિફ ચાર્જ કરે છે પણ આ બધામાં સૌથી વધારે ટેરિફ ભારત ચાર્જ કરે છે. જો કે, ટ્રમ્પે તેમના દોસ્ત મોદીના બે મોઢે વખાણ કરી ભારતની ટીકાને હળવી કરી હતી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે હું અમેરિકાને ફરી સમૃદ્ધ કરવા માટે વળતાં ટેરિફ લાદવા માંગું છું. એવું કરવા માંગું છું કે જે તે દેશ સામે એટલા જ પ્રમાણમાં ટેરિફ લાદવામાં આવે. વળતાં ટેરિફ લાદવાનું પગલું મારી યોજનામાં મહત્વનું છે કેમ કે આપણે સામાન્ય રીતે કોઇ ટેરિફ ચાર્જ કરતાં નથી.
ટ્રમ્પે આર્થિક નીતિઓ વિશેના તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારત સોથી મોટું ટેરિફ ચાર્જર છે. ભારત સાથે આપણા સંબંધો જોરદાર છે. તેમના નેતા મોદી સાથે મારા ખાસ સંબંધો છે. તે મહાન નેતા છે. તે ખરેખર મહાન માણસ છે. તેમણે બંને દેશોને સાથે લાવવાનું મોટું કામ કર્યું છે. મને લાગે છે કે ભારત ચીન કરતાં પણવધારે ટેરિફ ચાર્જ કરે છે પણ તેઓ હસતું મોં રાખી આમ કરે છે. તેઓ કહે છે, ભારતમાંથી આટલી બધી ખરીદી કરવા બદલ આપનો આભાર.
આ અઠવાડિયાની શરૂઆતમાં પણ મોદીના વખાણ કરતાં ટ્રમ્પે તેમને સૌથી સારા માણસ ગણાવ્યા હતા. મોદી મારા મિત્ર છે. તે મહાન છે. તેમની પહેલાં તેઓ દર વર્ષે તેમના નેતાને બદલી નાંખતા હતા. બધું બહું અસ્થિર હતું. પછી મોદી આવ્યા. તે મારા દોસ્ત છે. બહારથી તે તમારા પિતા સમાન લાગે છે, તે સરસ માણસ છે પણ તેમને ચીત કરવા પણ એટલા જ મુશ્કેલ છે. પોતાના શાસનકાળમાં હ્યુસ્ટનમાં યોજાયેલી હાઉડી મોદી ઇવેન્ટને યાદ કરી ટ્રમ્પે જણાવ્યું હતું કે એ સુંદર આયોજન હતું. 80000 લોકો જાણે ઘેલાં બની ગયા હતા. મારો તેમની સાથે ખૂબ સારો સંબંધ છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે એક સમયે કોઇએ ભારતને ધમકી આપી હતી. મેં મોદીને જણાવ્યું કે મને આ લોકો સાથે કામ કરવા દો હું એમને સારી રીતે ઓળખું છુ. પણ તેમણે આક્રમક બની જવાબ આપ્યો હતો કે હું એમને સીધાં દોર કરી નાંખીશ. અમે તેમને હજારો વર્ષથી હરાવતાં આવ્યા છીએ. હું તેમને સીધાં કરવા જરૂરી તમામ પગલાં ભરીશ. પછી ત્યાં જે બન્યું તે તો કમાલ હતું . દેખીતી રીતે ટ્રમ્પ પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરી રહ્યા હતા. જો કે તેમણે રાબેતા મુજબ આવો કશો ફોડ પાડયો નહોતો.