ટ્રમ્પના ટેરિફ વધારાથી અમેરિકામાં મોંઘવારી વધશે, વિશ્વને પણ નુકસાન
- ભારત સહિતના બ્રિક્સ દેશોની વસ્તુઓ પર ટ્રમ્પે 100 ટકા ટેરિફની ધમકી આપતા અર્થશાસ્ત્રીઓની ચેતવણી
- અમેરિકાના ઉદ્યોગો પર ઉત્પાદન ખર્ચનો બોજ વધશે જે કંપનીઓ ગ્રાહકો પર નાખશે, ટ્રમ્પના નિર્ણયથી 67 ટકા અમેરિકનો નારાજ
- ટેરિફ વધારવાથી અમેરિકાને ફાયદો નહીં, ચીન પણ ઉત્પાદન ખર્ચ ઘટાડવા વિયેતનામથી આયાત કરે છે : રઘુરામ
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આવતી અન્ય દેશોની વિવિધ વસ્તુઓ પર આયાત ટેક્સ ૧૦૦ ટકા કરી નાખવાની ધમકી આપી હતી, આ ધમકી બ્રિક્સ દેશો જેમ કે ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયાને લઇને અપાઇ હતી. હવે જ્યારે ટ્રમ્પે સત્તા સંભાળી લીધી છે ત્યારે તેઓ ગમે ત્યારે આ ટેક્સ લાગુ કરી શકે છે. જેને પગલે અમેરિકામાં મોંઘવારી માજા મુકી શકે છે. કેમ કે અમેરિકાના નાગરિકો વિદેશી વસ્તુઓ પર નિર્ભર છે. જો ટ્રમ્પ આયાત ટેક્સમાં જંગી વધારો કરે તો આ વસ્તુઓ અમેરિકાના માર્કેટમાં આવવાની બંધ થઇ જશે જેથી અમેરિકાના નાગરિકોએ સ્થાનિક ઉત્પાદકો પર નિર્ભર રહેવુ પડશે જે બહુ જ મોંઘુ થઇ શકે છે. ખાસ કરીને દવાઓ, જ્વેલરી, પીણા, પોશાક વગેરે વસ્તુઓ બહુ જ મોંઘી થવાની શક્યતા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે વિદેશી વસ્તુઓ પરની ટેરિફ કે આયાત ટેક્સ વધારવાથી અમેરિકામાં સ્થાનિક ઉત્પાદન વધશે અને તેનાથી રોજગારીની તકો ઉભી થશે. જોકે ટ્રમ્પના આ નિર્ણયથી રિટેલ કંપનીઓનું રોકાણ પણ વધી જશે. જેની ભરપાઇ કંપનીઓ ગ્રાહકો પાસેથી કરશે, એટલે કે કંપનીઓએ ઉત્પાદન વધારવું પડશે જેનો ખર્ચો તે ગ્રાહકોની પાસેથી વસુલશે તો વસ્તુઓ મોંઘી થઇ જશે. જેનો ભય હાલ અમેરિકાના નાગરિકોને સતાવવા લાગ્યો છે. નેશનલ રિટેલ ફેડરેશન એન્ડ કન્ઝ્યૂમર ટેક્નોલોજી અસોસિએશને આ મુદ્દે ટ્રમ્પને ચેતાવણી પણ આપી છે અને કહ્યું છે કે વિદેશી વસ્તુઓ પર વધારે ટેક્સ વસુલવાનો બોજ અંતે અમેરિકી કંપનીઓ કે ઉદ્યોગો અને ગ્રાહકો પર જ આવશે. પીડબલ્યુસીના એક સરવે મુજબ ૬૭ ટકા અમેરિકન નાગરિકોને પણ આ જ વાતની ચિંતા છે. જોકે ચીન પર ટેરિફ વધારવાનું અમેરિકનોએ સમર્થન પણ કર્યું છે. બીજી તરફ દેશભરના ઉધ્યોગો અને આર્થિક નિષ્ણાતોની નજર પણ ટ્રમ્પના નિર્ણય પર છે. જો ટ્રમ્પ ખરેખર ટેરિફ વધારી નાખશે તો તેની વિશ્વ અને અમેરિકા પર શું અસર થશે તેને લઇને અર્થશાસ્ત્રીઓ વિચારો રજુ કરી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે જો અમેરિકા રાતોરાત ટેરિફમાં મોટો ફેરફાર કરશે તો વિદેશી રોકાણમાં અનિશ્ચિતતા આવશે. યુનિવર્સલ ટેરિફ લાગુ કરવામાં આવશે તો તે અન્ય દેશોથી અમેરિકામાં થતી આયાત રોકશે, તેનાથી અમેરિકા પર બોજ વધશે અને ઉત્પાદન ખર્ચ વધશે. ટ્રમ્પના નિર્ણયથી અમેરિકાને નુકસાન જ થશે, કેમ કે જો અમેરિકામાં ઉત્પાદન થાય તો ખર્ચો વધશે પરંતુ તે જ ઉત્પાદન અન્ય દેશમાં થાય તો ખર્ચો ઓછો થશે. મોટા અર્થતંત્ર ધરાવતા દેશો જેમ કે ચીન પણ ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે વિયેતનામ જેવા નાના દેશો પર નિર્ભર છે. સામાન્ય રીતે ઉત્પાદિત વસ્તુ અન્ય સ્થળે ટ્રાન્સફર થાય છે, જેમ કે ચીનની અનેક વસ્તુઓ વિયેતનામમાં પણ વેચાય છે.
ડોલરનો ઉપયોગ કરવો જ પડશેની ધમકી વિશ્વને તેનાથી દૂર કરી દેશે : હાર્વર્ડના અર્થશાસ્ત્રી
જ્યારે ટ્રમ્પની ટેરિફ વધારવાની ધમકી વચ્ચે સ્વિટઝરલેન્ડના દાવોસમાં આયોજિત વિશ્વ આર્થિક મંચ પર ચર્ચા દરમિયાન અનેક અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે બ્રિક્સ દેશોને ટેરિફ વધારવાની ટ્રમ્પની ધમકી ડોલરથી આ દેશોને દૂર જ કરશે. હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર કેનેથ રોગોફે કહ્યું હતું કે ડોલર સ્થિર હોવાથી અને ચુકવણીનું એક માધ્યમ બની ગયો હોવાથી તેનો ઉપયોગ થાય તેવું અમેરિકા ઇચ્છે છે. પરંતુ ડોલરનો જ ઉપયોગ કરવો પડશે તેવી ધમકી અપાય તો અન્ય દેશો ડોલરથી દૂર જ જશે. આવુ કરીને ટ્રમ્પ ખુદનું જ નુકસાન કરી રહ્યા છે.