ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ: કેનેડા અને ચીન પર ટેરિફ નંખાયાં પણ ભારતને થયું આ નુકસાન
- ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉછળી 109ની સપાટી કુદાવી ગયો
- ડોલર મજબૂત થતાં રૂપિયો પ્રથમવાર રૂ.87ની નીચે રૂ.87.29ના નવા તળીયે : ઈમ્પોર્ટ કોસ્ટ વધશે, મોંઘવારી માઝા મુકશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કેનેડા, મેક્સિકો અને ચીન ઉપર વધારાના ટેરિફ લાદયા હતા અને યુરો ઝોન ઉપર ટૂંક સમયમાં ટેરિફ લાદવામાં આવશે એવું જણાવતા વૈશ્વિક ફાઈનાન્સિયલ, કરન્સી અને કોમોડીટી માર્કેટમાં અફરતફરી જોવા મળી રહી છે. વિશ્વના છ ચલણો સામે અમેરિકન ડોલરનું મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ ત્રણ સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. ડોલરની મજબૂતાઈના કારણે ભારતીય ચલણ રૂપિયો ઈતિહાસમાં પ્રથમ વખત ૮૭ની સપાટી તોડી વધારે નીચે પટકાઈ ૮૭.૨૯ થઇ ૮૭.૧૭ની સપાટીએ બંધ આવ્યો હતો. ડોલર સામે મેકિસકન પેસો, ચીનનો યુઆન પણ વિક્રમી નીચી સપાટીએ પહોંચ્યા હતા. આ ઉપરાંત, કેનેડીયન ડોલર, સ્વીસ ફ્રાંક, યુરો અને બ્રિટીશ પાઉન્ડ પણ તૂટયા હતા.
રવિવારે બજાર ખૂલતા જ ડોલર ઇન્ડેક્સ ૧૦૯.૮૮ની ત્રણ સપ્તાહની નીચી સપાટીએ હતો. તેની સામે ચીનનો યુઆન ઓફશોર ટ્રેડીંગમાં ૭.૩૩૧૪ની સપાટીએ બંધ રહ્યો હતો જે અગાઉ વિક્રમી રીતે ૭.૩૭૬૫ની સપાટીએ પહોંચ્યો હતો. યુરો ૨.૩ ટકા ઘટી ૧.૦૧૨૫ની નવેમ્બર ૨૦૨૨ પછીની સૌથી નીચી સપાટીએ હતો. ઓસ્ટ્રેલીયન ડોલર પાંચ વર્ષની નીચી સપાટીએ અને ન્યૂઝીલેન્ડ ડોલર અઢી વર્ષની નીચી સપાટીએ પટકાયા હતા. મેક્સિકન પેસો ૨૧.૨૮૮૨ની સપાટીએ અને કેનેડીયન ડોલર એક તબક્કે ૨૧ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા પછી ૧.૪૬૨ની સપાટીએ જોવા મળ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી ઝડપી ગતિએ આગળ વધતાં તેના ડોલરના ભાવ વધુ ઉછળી રૂ.૮૭ની સપાટી કુદાવી જતાં રૂપિયો ગબડી નવા નીચા તળીયે ઉતરી ગયો હતો. શેરબજાર ફરી તૂટતાં તથા વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં તેમની વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉછળતાં મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયામાં ઝડપી કડાકો બોલાઈ ગયો હતો.
ડોલરના ભાવ રૂ.૮૬.૬૨ વાળા જે શનિવારે બંધ બજારે વધી રૂ.૮૬.૭૨ થયા હતા તે આજે સવારે રૂ.૮૭ની ઉપર રૂ.૮૭.૦૨ ખુલી ઉંચામાં ભાવ રૂ.૮૭.૨૯ થયા પછી છેલ્લે બંધ ભાવ રૂ.૮૭.૧૭ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ૫૭ પૈસા ઉછળતા ડોલર સામે રૂપિયો ૦.૬૬ ટકા એક જ દિવસમાં તૂટી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. ડોલર ઉછળતાં દેશમાં આયાતી થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી છે તથા તેના પગલે ઘરઆંગણે મોંઘવારી તથા ફુગાવો વધુ વકરવાની ભીતી જાણકારો બતાવતા હતા. જોકે ડોલર વધતાં દેશના નિકાસકારોને ફાયદો થવાની ગણતરી પણ જાણકારો બતાવી રહ્યા હતા.
વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે વિવિધ દેશો સામે ટેરીફ વોર શરૂ કરતાં વૈશ્વિક સ્તરે ચીનની કરન્સી ઉપરાંત કેનેડા તથા મેક્સિકોની કરન્સી પણ તૂટી ગયાના સમાચાર મળ્યા હતા. યુરોપ તથા સ્વીસ કરન્સી પણ તૂટયાના વાવડ હતા.
ટ્રમ્પના ટેરીફ વોર સામે ચીન હવે ૯૯૬ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ટ્રમ્પની નિતીને પડકારશે એવા સમાચાર આવ્યા હતા.
ટ્રમ્પે ચીન, કેનેડા તથા મેક્સિકો પર ચોથી ફેબુ્રઆરીથી અમલમાં આવે એ રીતે ટેરીફ લાદી છે. ચીનની કરન્સી સામે ડોલરના ભાવ વધી ૭.૩૭થી ૭.૩૮ યુઆન થયા હતા. મેક્સિકન કરન્સી અઢી ટકા તૂટી હતી. યુરોના ભાવ ૨.૩૦ ટકા તૂટયા હતા. મુંબઈ બારમાં પાઉન્ડના ભાવ ૪૧ પૈસા ઘટયા હતા. નીચામાં ભાવ રૂ.૧૦૬.૬૬ થઈ છેલ્લે રૂ.૧૦૭.૧૮ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ આજે રૂપિયા સામે ૭૭ પૈસા ગબડી નીચામાં ભાવ રૂ.૮૮.૯૨ થઈ છેલ્લે રૂ.૮૯.૧૯ રહ્યા હતા. જોકે જાપાનની કરન્સી ૦.૫૦ ટકા વધી હતી. જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૧.૧૫ ટકા ઉંચકાઈ હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૧.૧૧ ટકા વધી ઉંચામાં ૧૦૯.૮૮ થઈ ૧૦૯.૫૭ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. ટેરીફ વોરના પગલે અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતા છે તથા તેના કારણે હવે ત્યાં વ્યાજ દરમાં ઘટાડો વિલંબમાં પડશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. રિઝર્વ બેન્ક તથા સરકારી બેન્કોની મધ્યસ્થી આજે મુંબઈ બજારમાં મર્યાદિતરહી હતી.
દેશને મહાન બનાવવા સહન કરવુ પડશે : ટ્રમ્પની અમેરિકનોને સલાહ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વિદેશી સામાન પર ટેરિફ વધારવાના અમારા નિર્ણયથી અમેરિકાના નાગરિકોને કેટલુક દુ:ખ થઇ શકે છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે ટેરિફના નિર્ણયથી અમેરિકામાં કેટલુક દુ:ખ લોકોમાં જોવા મળી શકે છે અથવા આવુ દુ:ખ ના પણ થાય. પરંતુ આપણે અમેરિકાને ફરી એક વખત મહાન દેશ બનાવવાનો છે, અને અમેરિકાને મહાન બનાવવા માટે ભારે ભરપાઇ પણ કરવી પડી શકે છે. એટલે કે ટ્રમ્પે અમેરિકન નાગરિકોને સ્પષ્ટ કહી દીધુ છે કે તેઓ ભોગવવા માટે તૈયાર રહે કેમ કે આ નિર્ણયથી અમેરિકા મહાન દેશ બનશે. અન્ય દેશોની અમેરિકામાં આયાત થતી વસ્તુઓ પર ટેરિફ નાખવાથી અમેરિકામાં મોંઘવારીનો ભય છે એવામાં ટ્રમ્પ હવે આ નિર્યણથી નારાજ જનતાને થોડુ સહન કરી લેવાની સલાહ આપી રહ્યા છે.
મેક્સિકો પર 25% ટેરિફ એક મહિના માટે મુલતવી રાખવાનો ટ્રમ્પનો નિર્ણય
વોશિગ્ટન : મેક્સિકન રાષ્ટ્રતિ ક્લાઉડિયા શેનબૌમે સોમવારે જાહેરાત કરી કે યુનાઇટેડ સ્ટેટ્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મેક્સિકન માલ પરના ટેરિફના અમલીકરણને એક મહિના માટે સ્થગિત કરવા સંમતિ આપી છે. મેક્સિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે આ વિકાસ રિપબ્લિકન સાથે 'ખૂબ સારી વાતચીત' પછી થયો છે.
સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં, શેનબૌમે ખુલાસો કર્યો કે ટ્રમ્પ સાથેની વાતચીત પછી, મેક્સિકો તાત્કાલિક ૧૦,૦૦૦ નેશનલ ગાર્ડ સૈનિકોને તેની ઉત્તરીય સરહદ પર તૈનાત કરશે જેથી અમેરિકામાં ગેરકાયદેસર ડ્રગ્સના પ્રવાહને રોકી શકાય, ખાસ કરીને ફેન્ટાનાઇલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે.
'અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ઉત્પાદક અને આદરપૂર્ણ વાતચીત કરી, જેમાં મજબૂત દ્વિપક્ષીય સંબંધો અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટિ કરવામાં આવી. અમારા કરારોના ભાગ રૂપે, મેક્સિકો ડ્રગ હેરફેરનો સામનો કરવા માટે તેની ઉત્તરીય સરહદને મજબૂત બનાવશે,'
શેનબૌમે X પર લખ્યું.
તેણીએ વધુમાં નોંધ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સે મેક્સિકોમાં ઉચ્ચ-શક્તિવાળા હથિયારોની દાણચોરીને રોકવા માટેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાનું વચન આપ્યું છે, જે દેશમાં હિંસા અને સંગઠિત ગુનાને વેગ આપતો લાંબા સમયથી ચાલતો મુદ્દો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ વિકાસ વિશે પણ પોસ્ટ કર્યું, જેમાં કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચેની વાટાઘાટો માટે 'આતુર' છે.
'અમે વધુમાં એક મહિનાના સમયગાળા માટે અપેક્ષિત ટેરિફને તાત્કાલિક સ્થગિત કરવા સંમત થયા છીએ, જે દરમિયાન અમે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, સેક્રેટરી ઓફ ટ્રેઝરી સ્કોટ બેસેન્ટ અને સેક્રેટરી ઓફ કોમર્સ હોવર્ડ લુટનિક અને મેક્સિકોના ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિઓની આગેવાની હેઠળ વાટાઘાટો કરીશું,' ટ્રમ્પે કહ્યું.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મેક્સિકો અને કેનેડાથી આવતા માલ પર ૨૫ ટકા અને ચીનથી થતી આયાત પર ૧૦ ટકાના ભારે નવા ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા, જે વેપાર યુદ્ધને વેગ આપવાનો ભય છે જે ઇં૨.૧ ટ્રિલિયનથી વધુ વાર્ષિક વેપારને વિક્ષેપિત કરી શકે છે.
એક નિવેદનમાં, રિપબ્લિકનએ જણાવ્યું હતું કે મુખ્ય વેપાર ભાગીદારો પર તેમના ટેરિફથી અમેરિકનો આર્થિક 'પીડા' અનુભવી શકે છે, પરંતુ દલીલ કરી હતી કે યુએસ હિતોને સુરક્ષિત કરવા માટે તે ધકિંમત ચૂકવવા યોગ્યધ રહેશે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી હતી કે ઓટાવા યુએસ ટેરિફના જવાબમાં ઇં૧૦૬.૫ બિલિયનના યુએસ માલ પર ૨૫ ટકા ટેરિફ લાદશે. ટ્રુડોએ ટ્રમ્પના પગલાની ટીકા કરતા કહ્યું કે તેમનો દેશ આવું ઇચ્છતો નથી પરંતુ તેનો સામનો કરવા તૈયાર છે.