ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ ખુલ્લામાં નહીં પરંતુ 'ધી કેપીટોલ'ના મધ્યસ્થ ખંડમાં યોજાશે
- અતિશય ઠંડીને લીધે (-6 ડીગ્રી સે.) આ નિર્ણય લેવો પડયો છે, 40 વર્ષ પછી પ્રમુખ 'ધી કેપીટોલ'ના પગથિયા પાસે શપથ નહીં લેતા અંદર શપથ લેશે
વોશિંગ્ટન : પૂર્વ અમેરિકામાં -૬ ડીગ્રી સેલ્સીયસ ઉષ્ણતામાન પ્રવર્તે છે. આ પરિસ્થિતિ તા. ૨૦ જાન્યુઆરીએ પણ ચાલુરહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. તે સંયોગોમાં અમેરિકાના નવ-નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ વિધિ, જે સામાન્યત: સંસદગૃહ - 'ધી કેપીટોલ'ના પગથિયા પાસે યોજાય છે. તે સંસદ ગૃહના અંદરના ભાગમાં આવેલા મધ્યસ્થ ખંડમાં યોજવા નિર્ણય લેવો પડયો છે. તે માટે તૈયારીઓ ચાલી રહી છે.
૪૦ વર્ષ પછી આ પ્રમાણે કરવું પડયું છે. પ્રશ્ન તે છે કે આટલા બધા મહેમાનોને સમાવવા માટે તેટલી જગ્યા ઓછી પડે તેમ છે. તેથી કેટલાકને પ્રો.બાસ્કેટ બોલ અને હોકી એરીયામાં શમીયાણા નીચે બેસવાની વ્યવસ્થા કરવી પડે તેમ છે.
ધી કેપીટોલનો વિશાળ ગોળાકાર ખંડ ધી રોટુન્ડા કહેવાય છે.
પ્રમુખ રોનાલ્ડ રીગને ૧૯૮૫માં બીજી વખત પદ સંભાળ્યું ત્યારે પણ સખત ઠંડીને લીધે આ ખંડમાં શપથવિધિ યોજાઈ હતી. ટ્રમ્પ શપથ લેશે, તે સમયે વિદાય લેતા પ્રમુખ જો બાયડને, અમેરિકાની સંસદ (કોંગ્રેસ)ના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. શપથ વિધિ માટેનું નાનું એવું પ્લેટફોર્મ અત્યારે તૈયાર થઈ રહ્યું છે.
આ વિધિ નજરો-નજર જોવા અનેક નાગરિકો સ્થળે પહોંચવા માગે તે સહજ છે, પરંતુ જગ્યાના અભાવે તેઓને બહાર જ રાખવા પડશે.
રોનાલ્ડ રીગને -૧૪ ડીગ્રી સેલ્સીયસ ઉષ્ણતામાન હતું ત્યારે (બીજી વખત) શપથ લીધા હતા. ઉષ્ણતામાન આટલું નીચું જવાનું કારણ તે સમયે ફૂંકાતા ઠંડા હેમ પવનો હતું.
બરાક ઓબામાએ બીજી વખત શપથ લીધા ત્યારે ટેમ્પરેચર ૨૮ ડીગ્રી ફેરનહીટ (-૨ ડીગ્રી સેલ્સિયસ) હતું. જ્યારે પહેલી વખતે ટેમ્પરેચર ૫.૫ ડીગ્રી સેલ્સિયસ હતું તેથી શપથવિધિ બહાર ખુલ્લામાં યોજાઈ શકયા હતા.
આ વખતે ટ્રમ્પ શપથ લેશે ત્યારે ટેમ્પરેચર -૬ ડીગ્રી જેટલું થવાની હવામાન ખાતાની આગાહી છે. તે સંદર્ભે ટ્રમ્પે કહ્યું હતું કે, 'હું મારા શપથવિધિ દરમિયાન નાગરિકોને મુશ્કેલી પડે તે જોવા માગતો નથી.'
ઉલ્લેખનીય છે કે પ્રમુખ જ્હોન એફ કેનેડીએ શપથ લીધી ત્યારે પણ ઘણી ઠંડી હતી. તેમ છતાં તેઓએ ધી કેપીટોલ નાં પગથિયા પાસે જ (ખુલ્લામાં) શપથ લીધા હતા. શપથ લેતી વખતે તેમજ તે પછી આપેલા ટૂંકા વક્તવ્ય સમયે તેઓના મુખમાંથી નીકળતી વરાળ ઉપર ઝાકળ-કણો જામેલા જોવા મળતાં હતાં.
આટલી ઠંડી છતાં શપથ ગ્રહણ પછી વિધિવત પ્રમુખ બનેલા ટ્રમ્પ મોટર કાફલો વ્હાઈટ હાઉસ પહોંચશે. તે પૂર્વે કેપિટોલના પટાંગણમાં નાની એવી સેરીમોનિયલ પરેડ પણ યોજાશે. જે નેશનલ કેપિટલ રીજીયનના જોઇન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા યોજવામાં આવશે.