ટ્રમ્પની શપથવિધિ અગાઉ મૂળ ભારતીયો પર આફત, કંપનીઓમાં લેવાઈ રહ્યા છે રાજીનામા
Trumps Policy on H-1B Visas: ટ્રમ્પની શપથવિધિની તારીખ જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ H-1B વિઝા ઇચ્છુક ભારતીયોનું સ્વપ્ન જાણે રોળાઈ રહ્યું હોય તેવું વાતાવરણ સર્જાતું જાય છે. ટ્રમ્પે પોતે તેની તરફેણ કરી હોવા છતાં પણ ઉદ્યોગ-ધંધાઓને લાગે છે કે જ્યાં સુધી સરકાર આ મુદ્દે સ્પષ્ટ વલણ અપનાવે નહીં ત્યાં સુધી કોઈ જોખમ લેવું નથી. આના લીધે તેઓ ઘણા ભારતીયોને ગડગડીયું પકડાવી રહ્યા છે.
H-1Bને લઈને અમેરિકનોમાં અસંતોષ
H-1B વિઝા કાર્યક્રમ અમેરિકાનો સૌથી મોટો વર્ક વિઝા પ્રોગ્રામ છે. તે અમેરિકન કંપનીઓને કાર્યક્ષમતાના આધારે વિદેશી કામદારોને નોકરીએ રાખવાની છૂટ આપે છે. 2023ના પ્યુ રિસર્ચ મુજબ અમેરિકાએ તે વર્ષે 16 લાખ જેટલા ઇમિગ્રેશન આપ્યા હતા, જે છેલ્લા બે દાયકામાં સૌથી મોટો વધારે દર્શાવે છે. આ પ્રકારના વિઝાના લીધે અમેરિકનોમાં અસંતોષ પણ છે. તેના લીધે વધુને વધુ અમેરિકનોને નોકરીઓ મળે તેવી પોલિસીઓ ઘડવામાં આવી રહી છે.
H-1B વિઝામાં 72% વિઝા ભારતીયોને આપવામાં આવ્યા
ઇમિગ્રેશન સિસ્ટમને લઈને ચાલતી ચર્ચા અને તેના અંગેની શંકાકુશંકા ભારતીયોને મોંઘી પડી રહી છે. અમેરિકામાં ભારતીયો સૌથી મોટા H-1B વિઝાધારક છે. ગયા વર્ષના કુલ H-1B વિઝામાં 72% વિઝા ભારતીયોને આપવામાં આવ્યા હતા. સુભાશિષ અગ્રવાલ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે અમેરિકન ડ્રીમ માટે અમેરિકન કોલેજમાંથી એમબીએ કર્યુ છે. હવે H-1B વિઝાને લઈને ચાલતી અસમંજસભરી સ્થિતિના લીધે અગ્રવાલને તેના ભાવિ આયોજનો ડામાડોળ લાગે છે.
આ પણ વાંચો: મરી જજો, આપઘાત કરજો, પરંતુ પકડાતા નહીં: કીમ જોંગ ઊને યુક્રેનમાં 'ફીદાયીન' ટુકડીઓ મોકલી
H-1B વિઝાધારક પર સ્ક્રુટિની વધી રહી છે
આ ઉપરાંત અમેરિકન યુનિવર્સિટીઓમાં લગભગ અઢી લાખથી વધુ વિદ્યાથીઓ અભ્યાસ કરે છે. મોટાભાગના વિઝાધારક સ્ટેમ ફિલ્ડના છે, તે મુખ્યત્વે કમ્પ્યુટર સંલગ્ન નોકરીઓ કરે છે. પણ ભારતીય H-1B વિઝાધારક પર સ્ક્રુટિની વધી રહી છે અને તેમણે આકરી ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આના કારણે અમેરિકામાં વસવા માંગતા નવા અરજદારોને પણ હવે તેમની સાથેના વ્યવહારને લઈને ચિંતા થઈ રહી છે. આના લીધે અમેરિકન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓએ બીજા વિકલ્પો તરફ નજર દોડાવવાની ફરજ પડી શકે છે.