Get The App

ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિ ભારતીયો માટે જોખમી સાબિત થશે, હજારો લોકોનો દેશનિકાલ થવાની શક્યતા

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
Donald Trump


USA Immigration Policy : અમેરિકાના પ્રમુખ તરીકેની વરણી પામેલા ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમના વહીવટીતંત્રમાં નિમણૂક પામનારા અધિકારીઓ પર હર કોઈની નજર છે. ટ્રમ્પની વિદેશ નીતિ કેવી હશે એ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. ભારતીયોને ટ્રમ્પની વિદેશ નીતિ કેટલી અને કેવી અસર કરશે, એ જાણીએ. 

ભારતીયોને ‘બોર્ડર ઝાર’ નડી શકે છે 

ડોનાલ્ડ ટ્રમ્પે ‘ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ’ (ICE) ના ભૂતપૂર્વ વડા ટોમ હોમનની પસંદગી તેમના ‘બોર્ડર ઝાર’ તરીકે કરી છે. (‘ઝાર’ એ ભૂતકાળમાં રશિયાના સમ્રાટો માટે વપરાતી પદવી છે) ભૂતકાળમાં પોલીસ અને ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂકેલા હોમન સરહદ સુરક્ષાના મામલે આક્રમક વલણ ધરાવે છે. તેમણે તો ‘અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી દેશનિકાલ કામગીરી’ કરવાનું વચન આપી દીધું છે. દેશની સરહદો પર ચાંપતી નજર રાખવા માટે જે કંઈ કરવા પડે એ કરવાની એમને છૂટ આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ટ્રમ્પની જીત પછી યુએસમાં શરુ થયેલી મહિલાઓની MATGA મૂવમેન્ટ શું છે ?

વિવાદાસ્પદ કામગીરી કરી ચૂક્યા છે હોમન

ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના અગાઉના કાર્યકાળમાં ટોમ હોમન ICEના વડા હતા. મેક્સિકોની સરહદેથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતાં લોકોને અટકાવવા માટે 2018માં તેમણે આકરું પગલું ભર્યું હતું. તેમણે સરહદ પર 5500 થી વધુ બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરી દીધા હતા, જેનો ખૂબ વિરોધ થયો હતો. જન-આક્રોશને પગલે એમણે કૌટુંબિક વિભાજનની એ નીતિ અટકાવી દેવી પડી હતી. સરહદી સુરક્ષા માટે હોમન ફરીથી કોઈ આકરું પગલું ભરતા નહીં અચકાય, એવી વ્યાપક ચર્ચા ચાલી રહી છે. તેમણે ‘પ્રોજેક્ટ 2025’ નામની ઈમિગ્રેશન સંબંધિત કડક બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. 

કાયદેસર ઈમિગ્રેશનનો પણ વિરોધ

ઈમિગ્રેશન માટેની ટીમમાં ટ્રમ્પે ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ તરીકે સ્ટીફન મિલરને પણ નિયુક્ત કર્યા છે. ટ્રમ્પના અગાઉના કાર્યકાળમાં એમના સલાહકાર રહી ચૂકેલા મિલર ગેરકાયદે ઈમિગ્રેશનના વિરોધી તો છે જ, પણ તેઓ કાયદેસર ઈમિગ્રેશન પર પણ લગામ કસવાના હિમાયતી છે. મિલરને લીધે ભૂતકાળમાં H-1B વિઝાના અસ્વીકારના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. H-1B વિઝા ધારકોના જીવનસાથીઓને આપવામાં આવતાં H4 EAD વર્ક વિઝાની પ્રક્રિયા પણ મિલરને કારણે ધીમી પડી ગઈ હતી. અમેરિકામાં ગેરકારદેસર ઘૂસેલા લોકોને પકડવા માટે મિલરે ભૂતકાળમાં ઘણા દરોડા પડાવ્યા હતા.

આ પણ વાંચોઃ ટ્રમ્પ સામે હારનારા કમલા હેરિસ યુએસના પ્રેસિડેન્ટ બની શકે છે. જાણો શું છે આખો મામલો

ભારતીયો માટે ચિંતાજનક સમાચાર

ટોમ હોમન અને સ્ટીફન મિલર જેવા અધિકારીઓની આકરી નીતિ અમેરિકામાં ગેરકાયદે વસી ગયેલા અને હજુ ત્યાં જવા ઈચ્છુક હજારો ભારતીયોને નકારાત્મક અસર કરી શકે છે. અમેરિકામાં ગેરકાયદે વસી ગયેલા લોકોના જે બાળકો અમેરિકામાં જન્મેલા હોય તેમને આપોઆપ અમેરિકાનું નાગરિકત્વ મળી જતું હોય છે, પણ હોમન અને મિલર એવી પોલિસી દાખલ કરવા માંગે છે કે જેથી ગેરકાયદેસર અમેરિકામાં વસી ગયેલા લોકોને સપરિવાર અમેરિકામાંથી તગેડી શકાય. આવું બન્યું તો હજારો ભારતીયોને અમેરિકાની ધરતી છોડવી પડશે. 

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવામાં ગુજરાતીઓ અગ્રેસર 

છેલ્લા થોડા વર્ષોમાં અમેરિકામાં કાયદેસર જનારા કે ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એમાં ગુજરાતી અને પંજાબી પ્રજા પહેલે નંબરે આવે છે. સેંકડો લોકો મેક્સિકો અને કેનેડાની સરહદ પાર કરીને અમેરિકામાં ઘૂસવાનું જોખમ ખેડે છે અને એમ કરવામાં જીવ પણ ગુમાવે છે. આવા લોકો માનવ તસ્કરી કરાવનારને પચાસ લાખ રૂપિયા જેટલી તગડી રકમ પણ ચૂકવતા હોય છે. આ રીતે ઘૂસેલા ભારતીયોને ટ્રમ્પની નવી ઈમિગ્રેશન નીતિ શોધી-શોધીને દેશનિકાલ કરે, એવી શક્યતા છે.


Google NewsGoogle News