ગ્રીનલેન્ડ કબજે કરવાના મુદ્દે ટ્રમ્પ ડેનમાર્કના વડાપ્રધાન સાથે બાખડ્યા, ફોન પર થઈ ગરમાગરમી
Donald Trump and Mette Frederiksen: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કડવું બોલવા અને અઘરું વર્તવા માટે જાણીતા છે. અમેરિકાનું સુકાન બીજી વાર સંભાળતા જ ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષાઓ ખુલીને પ્રગટ થવા લાગી છે, જેમાંથી એક છે ગ્રીનલેન્ડ પર કબજો જમાવવો. પાંખી વસ્તી ધરાવતો ખનીજ-સમૃદ્ધ દેશ ગજવે ઘાલવાની લાયમાં તાજેતરમાં ટ્રમ્પ ડેનમાર્કના વડાપ્રધાન સાથે બાખડી પડ્યા હતા.
કેવી ગરમાગરમી થઈ?
ટ્રમ્પ અને ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન વચ્ચે ગ્રીનલેન્ડ બાબતે ફોન પર ચર્ચા થઈ હતી, જેમાં ટ્રમ્પે 'હું ગ્રીનલેન્ડ ખરીદી લેવા બાબતે 'ગંભીર' છું', એમ કહ્યું હતું. ગ્રીનલેન્ડ ડેન્માર્કનો અર્ધ-સ્વાયત્ત પ્રદેશ છે. 'અમેરિકન ઈચ્છા' નકારી કાઢતાં ડેનિશ વડાપ્રધાને સ્પષ્ટ કહી દીધું હતું કે, 'ડેનમાર્કને ખનિજ સમૃદ્ધ ટાપુ દેશ વેચવામાં રસ નથી'. એમનો નનૈયો સાંભળીને ટ્રમ્પ ગુસ્સે ભરાયા હતા. તેઓ બોલવામાં આક્રમક બની ગયા હતા. 45 મિનિટ સુધી ચાલેલી વાતચીત ગરમાગરમી પર આવી ગઈ હતી.
સંપૂર્ણ નિયંત્રણની માંગ કરી
ગ્રીનલેન્ડ હસ્તગત કરવા બાબતે ટ્રમ્પને આક્રમક બનતા જોઈને ફ્રેડરિકસેને 'ડેન્માર્ક અને અમેરિકા ભેગા મળીને ગ્રીનલેન્ડનો વહીવટ કરી શકે', એવી ઓફર મૂકી હતી, પણ ટ્રમ્પે એ ઓફર નકારી કાઢી હતી. તેઓ ગ્રીનલેન્ડ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ હોય, એ વાતને વળગી રહ્યા હતા.
ટ્રમ્પના વલણને ભયાનક ગણાવ્યું
બંને રાજનેતાઓ વચ્ચે થયેલી વાતચીત અંગેની માહિતી યુરોપિયન અધિકારીઓએ મીડિયાને આપી હતી. અધિકારીઓએ ટ્રમ્પના વલણને appalling (આઘાતજનક) અને horrendous (ભયાનક) ગણાવ્યું હતું.
ટ્રમ્પે ડેન્માર્કને ધમકી આપી?
એક અધિકારીએ બંને રાજનેતાઓ વચ્ચેની ચર્ચાને 'ખૂબ જ અઘરી' ગણાવીને કહ્યું હતું કે, 'ટ્રમ્પે ડેનમાર્કના માલ પર વધારોનો ટેક્સ નાંખીને ડેનમાર્કનું નાક દબાવવાની ધમકી આપી હતી. તેમના મતે ટ્રમ્પે ડેનમાર્કને 'કટોકટીભરી સ્થિતિમાં' મૂકી દીધું છે.'
ગ્રીનલેન્ડના વડાપ્રધાને જુદો સૂર આલાપ્યો
આ મુદ્દે ગ્રીનલેન્ડના વડાપ્રધાન મ્યૂટ એગેડેએ જુદું જ નિવેદન આપ્યું છે. તેમણે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સંવાદ કરવાની ઈચ્છા દર્શાવતા કહ્યું હતું કે, 'અમે અમેરિકા સાથે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. અલબત્ત, ડેન્માર્કની સહમતિ વિના ગ્રીનલેન્ડ અમેરિકાના ખોળે બેસી શકે કે કેમ, એ પ્રશ્ન ખરો.'
યુરોપિયન દેશોની ચિંતા વધી
ટ્રમ્પના 'ધમકીભર્યા' વલણથી અને ગ્રીનલેન્ડના અમેરિકામાં સમાઈ જવાની શક્યતાથી યુરોપના દેશો ચિંતિત થઈ ઊઠ્યા છે. 'EU' (યુરોપિયન યુનિયન) અને 'નાટો'ના સભ્ય એવા ડેનમાર્કનો પ્રદેશ હસ્તગત કરવા માટે અમેરિકા 'બળજબરી' કરી રહ્યું હોવાથી યુરોપ-અમેરિકાના સંબંધો ખોરવાઈ શકે છે, કેમ કે અમેરિકા મનમાની કરીને ગ્રીનલેન્ડ મેળવી લે તો ભવિષ્યમાં યુરોપના અન્ય દેશોની હાલત પણ ડેન્માર્ક જેવી થઈ શકે છે.
ટ્રમ્પને શા માટે ગ્રીનલેન્ડમાં આટલો બધો રસ છે?
અમેરિકા આ ત્રણ કારણસર ગ્રીનલેન્ડ ગળી જવા તત્પર થયું છે.
1) ગ્રીનલેન્ડ કુદરતી સંસાધનોથી ભરપૂર ટાપુ-દેશ છે. તેના પેટાળમાં ખનિજ તેલ, ગેસ અને દુર્લભ ખનિજ તત્વોનો વિપુલ ભંડાર ભર્યો પડ્યો છે, જેના પર કબજો કરીને અમેરિકા વધુ સમૃદ્ધ થવા માંગે છે.
2) આર્ક્ટિક સમુદ્રમાં ગ્રીનલેન્ડનું સ્થાન વ્યૂહાત્મક છે. એના પર કબજો કરીને અમેરિકા સમગ્ર યુરોપ, એશિયા અને રશિયાની વધુ નજીક 'સરકી' શકે એમ છે. યુદ્ધ જેવી સ્થિતિમાં ગ્રીનલેન્ડ પર પોતાના સૈન્ય દળો તૈનાત હોય તો અમેરિકા વધુ આસાનીથી બાકીની દુનિયા પર મિસાઈલ હુમલા કરી શકે છે.
3) અમેરિકાની જેમ એના કટ્ટર સ્પર્ધક એવા રશિયા અને ચીનના ડોળા પણ ગ્રીનલેન્ડ પર મંડાયેલા છે. દુશ્મનો ઘૂસે એ પહેલાં ગ્રીનલેન્ડ ગજવે ઘાલીને અમેરિકા રશિયા-ચીનથી આગળ નીકળી જવા ઈચ્છે છે.