મોદીને 'તારીફ' અને ભારતને 'ટેરિફ'ની ટ્રમ્પની ભેટ
- બંને દેશ વચ્ચે 500 અબજ ડોલરના કરારો, યુએસ ભારતનું ટોચનું ઓઇલ-ગેસ આયાતકાર બની શકે : અમેરિકાની ભારત સાથેના વેપારમાં 50 અબજ ડોલરની વેપારખાધ
- અમેરિકા મુંબઈ હુમલાના આતંકી તહવ્વુર રાણા ભારતને સોંપશે
- ભારત અમેરિકા પાસેથી એફ-35 જેટ ફાઇટર ખરીદશે
- બંને દેશ વચ્ચે 2030 સુધીમાં વેપાર બમણો કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું
- પીએમ મોદીએ ટ્રમ્પને ભારત આવવા માટેનું આમંત્રણ આપ્યું
- વિશ્વસ્તરે ઇસ્લામિક આતંકવાદ સામે સંયુક્ત રીતે લડવા ભારત-અમેરિકા સંમત
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માસભર સ્વાગત કર્યુ અને તેમના તારીફ પણ કરી, પણ તેની સાથે-સાથે ભારત ટેરિફથી બચી નહી શકે તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ. ભારત તેની પ્રોડક્ટ્સ પર અમેરિકન ટેરિફ ન લદાય તેમ ઇચ્છતું હોય તો તેણે અમારી પ્રોડક્ટ પર ટેરિફ લાદવાનું બંધ કરવું પડશે તેવો ટ્રમ્પનો સ્પષ્ટ સંદેશો હતો.
ભારતે અમેરિકા સાથે મેગા ટ્રેડ ડીલ કર્યુ તેની સાથે પીએમ મોદીની જોડે સંયુક્ત પત્રકાર પરિષદમાં જરા પણ શબ્દો ચોર્યા વગર ટ્રમ્પે આ વાત જણાવી દીધી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે કોઈપણ દેશ રેસિપ્રોકલ ટેરિફથી નહીં બચી શકે. પછી તે અમેરિકાનો સહયોગી હોય કે ન હોય.
ભારતના વડાપ્રધાન મોદીએ તેઓની અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથેની મુલાકાતને અસામાન્યતઃ શ્રેષ્ઠ કહેતાં ઠ પોસ્ટ પર જણાવ્યું કે, ભારત ૨૦૩૦ સુધીમાં અમેરિકા સાથેનો વ્યાપાર બમણો કરવા ઇચ્છે છે. બંને દેશ વચ્ચે ૫૦૦ અબજ ડોલરનો વેપાર કરાર થયા છે.
ગુરૂવારે બંને નેતાઓ વચ્ચે થયેલી મંત્રણામાં બંને દેશો વચ્ચેના ટેરિફ મુદ્દાને દૂર કરવા અથવા બને તેટલો ઘટાડવા પણ ચર્ચા થઈ હતી. પરંતુ મુખ્ય મુદ્દો તો સંરક્ષણ કરારો અને ભારતમાં અમેરિકાનાં અત્યંત આધુનિક યુદ્ધ વિમાન એફ-૩૫ ની ખરીદીનો રહ્યો હતો. અમેરિકાએ ભારતને તે વિમાનો આપવા સંમતિ દર્શાવી હતી.
આ મંત્રણા પછી ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું કે, ભારત અમેરિકા પાસેથી આધુનિક જેટ ફાઇટર્સ ખરીદવા ઇચ્છે છે. તેમજ ઓઇલ અને ગેસ સૌથી વધુ તે અમેરિકા પાસેથી જ ખરીદશે તેમ કહે છે. આમ અમેરિકા ભારત માટે ટોચનું ઓઇલ-ગેસ આયાતકાર બની શકે છે, જે હાલમાં રશિયા છે.
વધુ મહત્વની વાત તે છે કે, આ મંત્રણા દરમિયાન ટ્રમ્પે ભારતને મિલિટરી ટેકનોલોજી આપવાની ખાતરી આપી છે.જ્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ૨૦૩૦ સુધીમાં ભારત અમેરિકા સાથેનો તેનો વ્યાપાર બમણો કરવા માગે છે.
ઉલ્લેખનીય છે કે, ચીનની વધી રહેલી ભૂમિ તેમજ સમુદ્ર ઉપરની દાદાગીરીને પરિણામે તેના પાડોશી દેશો ત્રસ્ત છે. તેણે ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ગજબનાં વમળો ઊભા કર્યાં છે. જે ભારત તેમજ અમેરિકા તેમ બંને માટે ભયાવહ છે. તેથી તે વિસ્તારમાં સંરક્ષણ વધારવા બંને વચ્ચે સહમતી સધાઈ હતી. હવાઈ સંરક્ષણ માટે ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા, ભારતને એફ-૩૫ વિમાનો આપશે. આ એડવાન્સ્ડ જેટ ફાઈટર્સ સ્ટીલ્થ પ્રકારનાં છે, જે રડારમાં પણ પકડી શકાય તેવાં નથી.
ઊર્જા ક્ષેત્રે બંને વચ્ચે થયેલા કરારો પ્રમાણે અમેરિકા ભારતને ઓઈલ અને ગેસ વેચવાનું છે. જેથી ભારત સાથેના વ્યાપારમાં અમેરિકાની રહેલી આશરે ૫૦ અબજ ડોલર્સની ટ્રેડ ડેફિસિટ ઘટતી જશે.
મોદી સાથે સંયુક્ત રીતે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે, ભારતે લાદેલા ટેરીફ એક મોટો પ્રોબ્લેમ છે. તે મારે કહેવું જ પડે તેમ છે. ભારત ૩૦, ૪૦, ૬૦ અને ૭૦ ટકા જેટલી ટેરીફ ડયુટી લાદે છે. અમેરિકાની કાર ઉપર ૭૦ ટકા ટેરિફ છે. તેથી ભારતમાં તે વેચવી અત્યંત મુશ્કેલ છે. પરંતુ વડાપ્રધાન મોદીએ તે પ્રશ્નને ઉકેલવા રચનાત્મક અભિગમ દર્શાવ્યો છે તે સારી વાત છે.
આ સાથે ઇસ્લામિક ત્રાસવાદને નેસ્ત નાબૂદ કરવા બંને નેતાઓ સહમત થયા હતા. તે અંગે મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે દુનિયાના હાઈ ટેરિફ કન્ટ્રીઝ પૈકી ભારત પણ છે. તેમ કહેતાં ટ્રમ્પે કહ્યું હતું કે, આમ છતાં હુ ભારતને દોષ આપી શકતો નથી. કારણ કે તેઓની વ્યાપાર-પદ્ધતિ જ જુદા પ્રકારની છે.
ટૂંકમાં બંને નેતાઓ ટેરિફમાંથી માર્ગ શોધવા સહમત થયા હતા. ઉપરાંત ત્રાસવાદ દૂર કરવા અને સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા પણ સહમત થયા હતા. મંત્રણા ફળદાયી રહી હતી.
હું બાંગ્લાદેશનો મુદ્દો પીએમ મોદી પર છોડું છુંઃ ટ્રમ્પ
તુલસી ગબાર્ડ અને મોદી વચ્ચે બાંગ્લાદેશના મુદ્દાને લઈને ચર્ચા થઈ હોવાની સંભાવના
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશ મુદ્દે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રી હેન્ડ આપ્યો છે. તેમણે જણાવી દીધી હતું કે બાંગ્લાદેશના મુદ્દે અમેરિકાની કોઈ ભૂમિકા નથી, હવે તેનું શું કરવું તે પીએમ મોદી જાણે. મોદીએ અમેરિકાની નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે બાંગ્લાદેશની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ જણાવી દીધું છે કે બાંગ્લાદેશનો મુદ્દો તો હું પીએમ મોદી પર જ છોડી દઉં છું.
ગયા વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલા હિંસક પ્રદર્શનો વચ્ચે શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી. તેમણે પોતે દેશ છોડીને ભાગી જવું પડયું હતું. તેના પછી નોેબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. યુનુસને અમેરિકન નેતા હિલેરી ક્લિન્ટનના નજીકના માનવામાં આવે છે. બીજી બાજુએ યુનુસ અને ટ્રમ્પ એકબીજાને ખાસ પસંદ કરતા નથી. ટ્રમ્પ પહેલી વખત પણ પ્રમુખ બન્યા ત્યારે યુનુસે તેમની ટીકા કરી હતી.
મોદી અને ગબાર્ડ વચ્ચે બાંગ્લાદેશની સ્થિતિને લઈને ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. બાંગ્લાદેશની સ્થિતિ ભારતની પ્રાદેશિક સુરક્ષા પર નોંધપાત્ર અસર કરી શકે છે. ગબાર્ડ ઘણા પ્રસંગોએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં અવાજ ઉઠાવી ચૂકી છે. તેણે ૨૦૨૧માં અમેરિકન કોંગ્રેસમાં બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીની સુરક્ષા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેણે તે વખતે જણાવ્યું હતું કે કેવી રીતે ૫૦ વર્ષ પહેલા પાકિસ્તાની લશ્કરે બાંગ્લાદેશમાં હજારો હિંદુઓની હત્યા કરી હતી.
અગાઉ આયાત જકાત 150 ટકા હતી
ભારતે બૌરબોન વ્હિસ્કી પરની ડયૂટી 50 ટકા ઘટાડી
નવી દિલ્હી : ભારતે અમેરિકા સાથે મેગા ટ્રેડ ડીલ અંગે ચાલતી વાટાઘાટના સંદર્ભમાં બૌરૈર્બોન વ્હીસ્કિ પરની આયાત જકાત ઘટાડીને સીધી ૫૦ ટકા કરી નાખી છે. અગાઉ તેના પર ૧૫૦ ટકા આયાત જકાત હતી. બૌરબોન વ્હિસ્કીની કસ્ટમ ડયુટીમાં ઘઠાડાને ૧૩ ફેબુ્રઆરીના રોજ નોટિફાઇડ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પૂર્વે તે નોટિફાઇ કરવામા ં આવ્યો હતો. જો કે બીજા લિકર પરની આયાત પરની મૂળભૂત કસ્ટમ ડયુટીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.
અમેરિકા ભારતમા બૌરબોન વ્હિસ્કીનુ મુખ્ય નિકાસકાર છે. ભારતમાં આયાત થતાં લિકરમાં તેનો ચોથા ભાગનો હિસ્સો છે. ભારતે ૨૦૨૩-૨૪માં ૨૫ લાખ ડોલરની બોરબોન વ્હિસ્કીની આયાત કરી હતી. આગામી સમયમાં અનેક અમેરિકન પ્રોડક્ટ પરની આયાત જકાતમાં ઘટાડો થી શકે છે.
ભારત અને અમેરિકાએ બંને પક્ષોને નડતા વેપાર અવરોધા દૂર કરવાના મોરચે નોંધપાત્ર પ્રગતિ સાધી છે. તેની સાથે જકાતો ઘટાડવા અને માર્કેટ એક્સેસ વધારવા દ્વિપક્ષીય કરાર કરવાનું આયોજન છે.
અદાણી મુદ્દે ટ્રમ્પ સાથે ચર્ચા નથી થઈઃ મોદી
ટ્રમ્પ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં મીડિયાએ મોદીને સવાલ કર્યો હતો કે, ટ્રમ્પ સાથેની મુલાકાતમાં ગૌતમ અદાણીના કેસ પર કોઈ ચર્ચા થઈ છે? મોદીએ જવાબ આપ્ચો હતો કે, અદાણીનો કેસ અંગત છે. બે દેશના વડા આવી અંગત બાબતો માટે મળતા નથી, બેસતા નથી કે વાત કરતા નથી.
અદાણીની કંપની પર ભારતમાં સોલાર રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે લાંચ આપવાનો આરોપ છે. અદાણી ગુ્રપે સરકારી અધિકારીઓને ૨૫ કરોડ ડોલર એટલે કે લગભગ ૨,૦૨૯ કરોડ રૂપિયાની લાંચ આપવાની યોજના ઘડી હતી, અદાણી ગુ્રપે અમેરિકન રોકાણકારો અને બેંકો સામે જૂઠાણું ચલાવીને ફંડ એકઠું કર્યું હોવાનો આરોપ મૂકાયો છે.