ટ્રમ્પની બે મોઢાની વાતો: ગ્રેટ અમેરિકા બનાવવાના વાયદા કરી પડદા પાછળ ચીનથી સસ્તી વસ્તુઓ ખરીદી
America Buys Goods from China: દુનિયામાં દેશ ગમે તે હોય ત્યાં ચૂંટણી આવે ત્યારે ચારેતરફ વિવિધ વસ્તુઓ વેચાવા લાગે છે. ચૂંટણી સાથે જોડાયેલી સામગ્રીઓની ધૂમ ડિમાન્ડ વધી જાય છે. તાજેતરમાં અમેરિકાની ચૂંટણી પૂરી થઈ ત્યારે ઘણી બાબતો સામે આવી હતી. તેમાં સૌથી મોટી વાત એ હતી કે, ચીનના અર્થતંત્રને ફટકો પહોંચાડવાની કે, ચીની વસ્તુઓની આયાત મોંઘી કરવાની વાતો માત્ર પોકળ બની છે.
અમેરિકાની ચૂંટણીમાં ચીની વસ્તુઓની ભરપૂર ખરીદી
અમેરિકાની ચૂંટણીમાં લોકોએ ચીની વસ્તુઓનો જ ભરપૂર ઉપયોગ કરીને પોતાના ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. ટ્રમ્પ હોય કે કમલા કે પછી ભૂતકાળના કોઈપણ પ્રમુખપદના ઉમેદવારો તેમના ચૂંટણી ચિન્હો અને પ્રતિકો ધરાવતી વસ્તુઓ અમેરિકામાં બનેલી નહીં પણ ચીનમાં બનેલી વધારે વેંચાઈ છે.
મેડ ઈન ચાઈના મર્ચન્ડાઈઝ
અમેરિકા હોય કે ભારત કે પછી દુનિયાનો કોઈપણ મોટો દેશ તેમને સસ્તી વસ્તુઓ માટે ચીનનો જ આધાર રાખવો પડે છે. ચીન પોતાની સસ્તી વસ્તુઓ દ્વારા દુનિયાભરના માર્કેટમાં ઘુસીને અડિંગો જમાવી રહ્યું છે. ટ્રમ્પ હોય કે હેરિસ કે પછી બાઈડેન અમેરિકાના કોઈ નેતા ચીનની ઘુસણખોરીને અટકાવી શક્યા નથી અને આગળ પણ અટકાવી શકે તેમ જ નથી.
જે નેતાની વસ્તુઓ વધારે વેચાય તે વિજયી
વર્ષ 2000થી અમેરિકામાં એક ટ્રેન્ડ રહ્યો છે કે, જે નેતાના મર્ચેનાઈઝ વધારે વેચાય તેનો વિજય થતો હોય છે. અમેરિકામાં આ ટ્રેન્ડ લગભગ એડી દાયકાથી સખત કેઝ બનેલો છે. તેમાં અત્યાર સુધીમાં બે જ વખત જાણીતા નેતાઓ ચૂંટણી હાર્યા હતા. વર્ષ 2000 અને વર્ષ 2019માં આવું થયું હતું. બાકી દર વખતે જે નેતાની વસ્તુઓ વધારે વેચાય તે વિજયી થયેલો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ''શીત-યુધ્ધ'' પછીથી સૌથી મોટી સંરક્ષણ સંધિ રશિયા-ઉ.કોરિયા વચ્ચે સંરક્ષણ કરારો
ચીની વેપારીઓ કરોડો ડોલરની સામગ્રી અમેરિકામાં ઠાલવે છે
છેલ્લી 11 ચૂંટણીઓ ઉપર નજર કરીએ તો અમેરિકામાં ચૂંટણી દરમિયાન મર્ચન્ડાઈઝની ડિમાન્ડ મોટાપાયે વધી જાય છે. ચીની વેપારીઓ દ્વારા મોટાપાયે વિવિધ સામગ્રી અમેરિકી બજારમાં ઠાલવવામાં આવે છે. જાણકારોના મતે કરોડો ડોલરની સામગ્રી અમેરિકામાં ઠલવાતી હોય છે તેમાંથી મોટાભાગનો હિસ્સો ચીની વેપારીઓનો હોય છે.
ચીની સામાનના સસ્તો હોવાના કારણે સ્થાનિક ઉદ્યોગોને નુકસાન
ઈકોમર્સ વેબસાઈટો દ્વારા સ્થાનિક વેપારીઓને સસ્તાભાવે માલસામાન વેચીને અમેરિકાના જ બજારમાં ચીન પોતાનું વર્ચસ્વ જમાવી દે છે. કેટલાક વેપારીઓનું કહેવું હતું કે, અમેરિકી અને ચીને વેબસાઈટસ અને ઈ- ફોમર્સ સાઈટસ દ્વારા અમેરિકી બજારમાં અધધ સામગ્રી ઢાલવી દેવામાં આવે છે. તેના કારણે અમેરિકાના સ્થાનિક ઉદ્યોગો અને વેપારીઓને જગ્યા મળતી નથી.
અમેરિકી કાપડ ઉદ્યોગના જાણકારોના મતે અમેરિકાની વેપારનીતિનો જ ગેરલાભ લઈને ચીની ઉત્પાદકો દ્વારા કરોડો ડોલરની કિંમતનો માલ અમેરિકામાં ઉતારી દેવાય છે અને અમેરિકી ઉત્પાદકો માટે જગ્યા જ બચતી નથી. તેના કારણે તેમને ખૂબ જ નુકસાન જાય છે.
ડે મિનિમિસ લૂપહોલને કારણે ચીનીઓ ફાવી જાય છે
અમેરિકી વેપારીઓ અને ઉત્પાદકોનો આરોપ છે કે, અમેરિકી સરકારની કેટલીક પોલિસીઓના કારણે સ્થાનિક વેપાર અને વેપારીઓને નુકસાન થાય છે. બીજી તરફ અમેરિકાના શત્રુ અને સ્પર્ષક ચીનને મોતો ફાયદો થઈ રહ્યો છે.
અમેરિકા દ્વારા જે વેપારી નીતિઓ બનાવવામાં આવી છે તેના કારણે ચીનનો સસ્તો અને રદ્દી જેવો માલ સસ્તા ભાવે અમેરિકી બજારમાં ઠલવાઈ રહ્યો છે. અમેરિકાની ડે મિનિમિસ લૂપહોલ પોલિસી સૌથી મોટો ભાગ ભજવી રહી છે.
આ પોલિસી હેઠળ અમેરિકામાં આયાત કરવામાં આવતી વસ્તુઓની કિંમત જો 800 ડોલરથી ઓછી હોય તો તેના ઉપર કોઈ ટેક્સ લાગતા નથી. આ ઉપરાંત તેની ચકાસણી પણ સામાન્ય સ્તરે કરવામાં આવે છે અને ઘણા કિસ્સામાં તો કરવામાં પણ આવતી નથી.
સસ્તી વસ્તુઓ બજારમાં આવતી હોવાથી તેમના ઉપર ટેક્સ લાગતો નથી અને તેની કિંમતો ઓછી જ રહે છે. બીજી તરફ અમેરિકામાં જ બનતી વસ્તુઓ ઉપર વધારે ટેક્સ લાગે છે તેના કારણે તેની કિંમતો વધી જાય છે અને લોકો ખરીદતા નથી.
એક જાણકારે દાવો કર્યો હતો કે, અમેરિકાની આ નીતિને કારણે જ છેલ્લાં 18 મહિનામાં 11 જેટલા અમેરિકી મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ કરવાનો વારો આવ્યો હતો. આ ચૂંટણીમાં તેની અસર જોવા મળી હતી. આ વર્ષે પણ અમેરિકી ઉત્પાદનો કરતા ચીની ઉત્પાદનો વધારે વેચાયા હતા.
છેલ્લી 11 ચૂંટણીમાંથી 9માં ચૂંટણી સામગ્રીએ પરિણામને અસર કરી
ટીશર્ટ, ફ્લેગ, ટોપી, પોસ્ટર, પીન અને અન્ય ચૂંટણી સામગ્રીઓ ખૂબ જ સસ્તાભાવે ઈકોમર્સ વેબસાઈટ દ્વારા અમેરિકી બજારમાં મોટાપાયે ઠલવાઈ હતી. એક અભ્યાસ પ્રમાણએ 70 ટકા લોકો ચૂંટણી સામગ્રી ખરીદતા હોય છે જેથી અન્ય લોકો ઉપર પ્રભાવ પાડી શકાય. આ લોકોમાંથી 68 ટકા લોકો માને છે કે આ ચૂંટણી સામગ્રીઓનું વેચાણ અને ઉપયોગ ચૂંટણી અને પરિણામોને સીધી અસર કરે છે. સામગ્રી વેચનારી દુકાનો અને અન્ય માધ્યમો પણ આ વાતનો સ્વીકાર કરે છે.
આ વસ્તુઓનો વેપાર કરતા લોકો જણાવે છે કે, લોકોની ડિમાન્ડ તેનો ઉપયોગ મોટાપાયે અસર કરનારા બને છે. આ અંગે થયેલા સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે, અમેરિકાના છેલ્લાં 11 ઈલેક્શન ઉપર નજર કરીએ તો જે ઉમેદવારની ચૂંટણી સામગ્રી સૌથી વધારે વેચાઈ હોય તેનો 9 વખત વિજય થયો છે. માત્ર બે જ કિસ્સામાં ચૂંટણી સામગ્રી વધારે વેચાવા છતાં અન્ય ઉમેદવારો જીતી ગયા હતા.
2000ની સાલમાં એ.એલ ગોરે સૌથી પ્રબળ દાવેદાર ગણાતા હતા છતાં જ્યોર્જ ડબ્લ્યૂ બૂશ પાતળી સરસાઈથી જીતી ગયા હતા. તેવી જ રીતે 2019ની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનની સામગ્રીઓ અધધ વેચાઈ હતી પણ વિજય ડોનાલ્ડ ટ્રમ્પનો થયો હતો. આ વખતે ટ્રમ્પની જ સામગ્રી વધારે વેચાઈ અને તેનો જ વિજય થયો છે.
ચૂંટણીની સામગ્રીમાં પણ કમલા કરતા ટ્રમ્પનો હાથ ઉપર
અમેરિકામાં ચૂંટણી સામગ્રીનું પણ ખૂબ જ મોટું માર્કેટ છે. બંને પક્ષના સમર્થકો અને સાથીઓ દ્વારા મોટાપાયે સામગ્રીઓ લાવવામાં આવે છે અને ખરીદવામાં આવે છે. દરેક ઉમેદવારને સમર્થન આપતી ટીશર્ટ, શર્ટ, કેપ, મોજા, શૂઝ જેવી વસ્તુઓની ખૂબ જ માગ હોય છે. આ ઉપરાંત પીન, પોસ્ટર, ફ્લેગ જેવી સામગ્રીની પણ ડિમાન્ડ વધી જાય છે. ગેમ્સ, રમકડાં, સ્ટીકર વગેરે સામગ્રીઓ પણ ધૂમ વેચાતી હોય છે.
આ વખતની ચૂંટણીની જ વાત કરીએ તો ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે માત્ર ચૂંટણીનો જ નહીં પણ તેની સામગ્રી વેચાણનો પણ જંગ હતો. આ વર્ષની શરૂઆતથી જ ટ્રમ્પના સમર્થન માટેની વસ્તુઓની ડિમાન્ડ વધવા લાગી હતી. ઈકોમર્સ પ્લેટફોર્મ ઉપર ડિમાન્ડ હાઈ હતી.
ઈકોમર્સ વેબસાઈટ દ્વારા જ લાખો ડોલરની વસ્તુઓ વેચવામાં આવી છે. આ વખતે ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધીમાં કમલા હેરીસની એક વસ્તુ વેચાય તેની સામે ટ્રમ્પની પાંચ વસ્તુઓ વેચાતી હતી. આ વર્ષે ટ્રમ્પના સમર્થનની 140 મિલિયન ડોલરની સામગ્રી વેચાઈ હતી. તેની સામે કમલા હેરિસની થોડા મહિના પહેલાં જ શરૂ થયેલી મર્ચન્ડાઈઝ માત્ર 29 મિલિયન ડોલરની વેચાઈ.
મેક અમેરિકા ગ્રેટ બાય મેડ ઈન ચાઈના
ટ્રમ્પે આ વખતે મેક અમેરિકા ગ્રેટ અગેઈન અને મેક ઈન અમેરિકા જેવી બાંગો પોકારી હતી તે માત્ર જુમલા જ હતા. ટ્રમ્પ હોય કે અન્ય કોઈ ઉમેદવાર હોય છેલ્લાં અઢી દાયકામાં કોઈને અમેરિકાની ઈકોનોમી અને ચીન સાથેના સંઘર્ષની પડી નહોતી. દર વખતે ચીની વસ્તુઓ અમેરિકી બજારમાં આવતી હતી, વેચાતી હતી અને લોકો મજા કરતા હતા.
ચૂંટણી પતે પછી પાંચ વર્ષ ચીન સાથે શિંગડા ભેરવાતા અને ફરી ચૂંટણી ટાણે બેફામ ચીની વસ્તુઓ અમેરિકામાં આવતી. તાજેતરમાં પણ ટ્રમ્પ દ્વારા ચીની બનાવટની વસ્તુઓ લોકોને પધરાવી દેવાના દાવા થયા હતા.
કેટલાક અખબારી માધ્યમો અને ન્યૂઝ એજન્સીઓએ દાવો કર્યો હતો કે, ટ્રમ્પ દ્વારા થોડા સમય પહેલાં ગોડ બ્લેસ ધ યુએસએ ટાઈટલ ધરાવતી બાઈબલની નકલો વેચવામાં આવી હતી. ટ્રમ્પની વેબસાઈટ ઉપરથી બે પ્રકારની બાઈબલો વેચાતી હતી. એક બાઈબલમાં બાઈબલના કેટલાક અંશો, અમેરિકી બંધારણના અંશો અને ટ્રમ્પ દ્વારા જાતે કરવામાં આવેલી નોંધ હતી જ્યારે અન્યમાં ટ્રમ્પની જાતે કરાયેલી નોંધ નહોતી.
ટ્રમ્પની નોંધ ધરાવતી બાઈબલ 1000 ડોલરમાં વેચાઈ. તેવી જ રીતે સામાન્ય બાઈબલ 55.99 ડોલરમાં એક નકલ વેચવામાં આવી હતી. આ અંગે એક એજન્સીએ દાવો કર્યો હતો કે, ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલી અને મોંઘા ભાવે વેચવામાં આવેલી બાઈબલ ચીનમાંથી તૈયાર થઈને અમેરિકામાં આવી છે.
આ એક બાઈબલની કિંમત ટ્રમ્પને માત્ર 3 ડોલર જ પડી છે. તેની સામે અધધ નફો કમાઈને ટ્રમ્પે તેને 10 ડોલરમાં વેચી છે. ચીનના હેંગઝાઉ શહેરમાં આવેલા એક પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા આ બાઈબલો તૈયાર કરાઈ હતી. ટ્રમ્પની જ એક કંપનીને આ નકલો વેચવામાં આવી હતી. ત્યારબાદ આ નકલો અમેરિકામાં મોંઘા ભાવે વેચવા લવાઈ હતી.
આ પણ વાંચો: અમેરિકન સરકારમાં ઈલોન મસ્ક અને રામાસ્વામીને મળી મોટી જવાબદારી, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય
ચીની સામગ્રી સસ્તી હોવાથી લોકો વધુ પસંદ કરે છે
અમેરિકી બજારના જાણકારો માને છે કે, ચીની સામગ્રી સસ્તી હોવાથી લોકો તેને વધારે પસંદ કરે છે. આ અંગે જાણકારોએ કેટલાક દાખલા પણ આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન સામાન્ય પીન અને પેન જેવી વસ્તુઓમાં પણ 90 ટકા સુધીનો તફાવત જોવા મળ્યો હતો. સામાન્ય પેન જે ચૂંટણી પ્રચાર માટે વપરાય છે તે અમેરિકી બનાવટીની લેવા જાઓ તો આઠ-દસ ડોલરમાં મળે છે. તેની સામે ચીની બનાવટીની પેન પરાણે એકાદ ડોલરની કિંમત સુધી જતી હોય છે.
તે ઉપરાંત અમેરિકી ચૂંટણીમાં જોવા મળતી ટોપીઓ. જાયન્ટ કેપ જેનું ચલણ સૌથી વધારે છે તેની કિંમતમાં પણ આભ જમીનનો તફાવત જોવા મળ્યો હતો. જાયન્ટ કેપ કે મેગા હેટ જેવા નામે ઓળખાતી કેમ્પેઈન માટેની ટોપી ટ્રમ્પની વેબસાઈટ ઉપર 40 ડોલરમાં વેચાતી હતી. તેની સામે ચીની વેબસાઈટ ઉપર આ જ ટોપીઓ માત્ર 4 ડોલરમાં વેચાતી હતી.
બીજી તરફ કમલા હેરિસના સમર્થનની ટોપીઓ તેની વેબસાઈટ ઉપર 47 ડોલરની વેચાતી હતી. તેની સામે ચીની વેબસાઈટ ઉપર કમલા હેરિસના સમર્થનવાળી ટોપીઓ માત્ર ત્રણ ડોલરની વેચાતી હતી. તેવી જ રીતે કેટલીક ટીશર્ટ અમેરિકી કંપનીઓ દ્વારા 15 થી 20 ડોલરમાં વેચવામાં આવતી હતી. બીજી તરફ ચીની બનાવટની આ જ ટીશર્ટ માત્ર 3 થી 4 ડોલરમાં મળી જતી હતી.