ટ્રમ્પ કેબિનેટમાં વિવાદાસ્પદ અધિકારીઓની ભરમાર, યૌન શોષણ અને ડ્રગ સેવનના પણ આરોપ
Trump's cabinet is full of controversial officials: ડોનાલ્ડ ટ્રમ્પ એક એવી હસ્તી છે જેના નામે કોઈ ને કોઈ વિવાદ થયા જ કરે છે. અમેરિકાના પ્રમુખ તરીકેની પહેલી ટર્મ દરમિયાન પણ વિવાદોએ એમનો પીછો નહોતો છોડ્યો, અને આ વર્ષે તેઓ બીજી વાર પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા છે, ત્યારે પણ એક યા બીજા કારણસર એમનું નામ સતત વિવાદોમાં ખરડાયા જ કરે છે. તાજો વિવાદ છે એમના વહીવટીતંત્રમાં પસંદગી પામેલા નેતાઓનો, જેમના પર યૌન શોષણ સહિતના ગંભીર આરોપ લાગી રહ્યા છે.
સગીરના યૌન શોષણનો વિવાદ
ટ્રમ્પ દ્વારા એટર્ની જનરલ તરીકેની નિમણૂક પામેલા મેટ ગેટ્ઝને લઈને વિવાદ છેડાઈ ગયો છે. તેમના પર યૌન શોષણ અને ડ્રગ સેવનનો આરોપ લાગ્યો છે. એક મહિલાએ ગેટ્ઝ પર ગંભીર આરોપ મૂકતાં કહ્યું છે કે, તેણે પોતાની આંખે ગેટ્ઝને સગીર વયની છોકરી સાથે સેક્સ કરતા જોયા હતા. ગેટ્ઝ ડ્રગ્સનું સેવન કરતા હોવાનો આરોપ પણ લાગ્યો છે. તેમણે બંને આરોપ ખોટા ગણાવ્યા છે.
અત્યંત મહત્ત્વપૂર્ણ છે આ પદ
મેટ ગેટ્ઝને જે ડિપાર્ટમેન્ટના વડા નિયુક્ત કરવામાં આવ્યા છે એમાં 40થી વધુ એજન્સીઓ આવે છે અને 1.15 લાખથી વધુ લોકો કામ કરે છે. ટ્રમ્પનું એવું કહેવું છે કે ગેટ્ઝ તેમની કેબિનેટમાં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હોવાથી એમને આ વિભાગના વડા બનાવાયા છે.
ટ્રમ્પની ગુડ બુકમાં આવવા પદત્યાગ
મેટ ગેટ્ઝ કોંગ્રેસના સભ્યપદે હતા પણ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં જોડાવા માટે તેમણે રાજીનામું આપી દીધું હતું. ટ્રમ્પનો સાથ આપવાના ઈનામ તરીકે જ એમને એટર્ની જનરલ બનાવાયા હોવાની ચર્ચા અમેરિકામાં ચાલી રહી છે. ગેટ્ઝ સામે તપાસ ચાલી રહી છે.
આ નેતાઓ પણ છે ખરડાયેલા
ટ્રમ્પના મંત્રીમંડળમાં સંરક્ષણ સચિવ તરીકે નિયુક્તિ પામેલા પીટ હેગસેગ પણ મેટ્ઝ જેવા જ આરોપોથી ઘેરાયેલા છે. હેગસેગ પર વર્ષ 2017માં યૌન શોષણના આરોપ લાગ્યા હતા. મેટ્ઝની જેમ હેગસેગ પણ સતત તેમના પર લાગેલા આરોપોનું ખંડન કરતા રહ્યા છે. હેગસેગ જેવી વિવાદાસ્પદ વ્યક્તિને રક્ષા મંત્રી જેવું મહત્ત્વપૂર્ણ ખાતું સોંપાતા અમેરિકનો નારાજ થયા છે અને એનું પ્રતિબિંબ સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મ પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
ટ્રમ્પે રોબર્ટ એફ. કેનેડી જુનિયરને સ્વાસ્થ્ય મંત્રી અને તુલસી ગબાર્ડને ઈન્ટેલિજન્સ વિભાગના ડિરેક્ટર તરીકે પસંદ કર્યા છે, એ બાબતે પણ અમેરિકાના રાજકારણ, મીડિયા અને આમ જનતામાં નકારાત્મક પ્રતિભાવ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : યુક્રેનમાં રશિયાનો મોટો હવાઈ હુમલો: કિવ પર 60 મિસાઈલ છોડી, બંકરમાં છુપાયા હજારો લોકો
આ કારણસર વિવાદાસ્પદ નિમણૂકો રદ થઈ શકે
ટ્રમ્પ દ્વારા નિમણૂક પામેલા એકથી વધુ અધિકારીઓ અને નેતાઓને લીધે વિવાદો થઈ રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ થાય કે આ પ્રકારની બાબતોમાં શું રાષ્ટ્રપતિનો નિર્ણય અંતિમ હોય છે? જવાબ છે- ના. અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલી વ્યક્તિને મંજૂરી આપવા માટે સેનેટમાં ઓછામાં ઓછા 51 સભ્યોનું સમર્થન મળવું જોઈએ. ખુદ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતાઓ અને સેનેટરોએ કહી દીધું છે કે તેઓ ગેટ્ઝની નિમણૂકને મંજૂરી નહીં આપે. અન્ય વિવાદાસ્પદ નેતાઓની પસંદગી બાબતે પણ સેનેટરોનું વલણ આકરું છે, એટલે આગામી સમયમાં ટ્રમ્પના પોતાના જ નેતાઓ એમની વિરુદ્ધ થઈ જાય એવી શક્યતા છે.
વડ એવા ટેટાઃ મજાકનું પાત્ર બન્યા ટ્રમ્પ
ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ અનેક મહિલાઓએ જાતીય સતામણી, યૌન શોષણ અને બળાત્કાર સુદ્ધાંના આરોપ લગાવ્યા હોવાથી જાતીય ગેરવર્તણૂક કરનારા અધિકારીઓ અને નેતાઓ એમના મતે સજાપાત્ર નથી, એ પ્રકારની મજાક અમેરિકામાં ચાલી રહી છે.