ટ્રમ્પનો ચીન પર 54 ટકા ટેરિફ WTOમાં કેસ લઈ જવા ચીનની ચીમકી
ચૂંટણી સમયે ટ્રમ્પે 60 ટકા ટેરિફની ધમકી આપી હતી
બંને દેશ વચ્ચે લગભગ 600 અબજ ડોલરનો વેપાર, ચીનની નિકાસ 438 અબજ ડોલર, યુએસની 142 અબજ ડોલર
ચીને જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા થતી તેની 438 અબજ ડોલરની આયાત પર લગાવવામાં આવેલા 34 ટકા ટેરિફનો તે ચોક્કસપણે વળતો જવાબ આપશે. જો કે તેણે અમેરિકા સાથે ડીલ કરવાનો માર્ગ ખુલ્લો રાખ્યો છે.
ચીને ટ્રમ્પના પગલાંની આકરી ઝાટકણી કાઢી છે, પરંતુ ચીન વળતા પગલાં કેવા લેશે તેના અંગે કોઈપણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું છે.
અમેરિકા સાથે ભાવિ વેપાર મંત્રણા અને ટેરિફના પગલા અંગે મંત્રાલયે જણાવ્યું હતું કે ચીન અને અમેરિકાએ વેપારના મુદ્દે તેમની બાબતોને લઈને એકબીજા સાથે સંવાદ સાધવાની જરૂર છે. બંને દેશો સંવાદ દ્વારા જ તેમને નડતા વેપાર અવરોધોનો ઉકેલ લાવી શકશે. ચીન અને અમેરિકા વચ્ચેનો વેપાર લગભગ ૬૦૦ અબજ ડોલરનો છે. તેમા અમેરિકા ચીનમાં લગભગ 142 અબજ ડોલરની નિકાસ કરે છે અને ચીન અમેરિકામાં 438 અબજ ડોલરની નિકાસ કરે છે. આમ ચીન અમેરિકા સાથેના વેપારમાં 438 અબજ ડોલરની સરપ્લસ ધરાવે છે.
ચીનનો દાવો છે કે અમેરિકાએ લાદેલો ટેરિફ ડબલ્યુટીઓના નિયમનો ભંગ છે. આ ટેરિફ નિયમ આધારિત બહુઆયામી વેપાર પ્રણાલિનો ભંગ કરે છે. ચીન તેના અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેશે. ચીને જણાવ્યું હતું કે ટ્રેડ વોરથી અમેરિકા કે ચીન બંનેમાંથી કોઈનેય ફાયદો થવાનો નથી.
જો કે ટ્રમ્પે એક વાત જણાવી છે કે જો બૈજિંગ બાઇટડાન્સના શોર્ટ વિડીયો એપ ટિક-ટોકના અમેરિકન ખરીદદારની તરફેણમાં હિસ્સો વેચે તો તેઓ ટેરિફ ઘટાડવા વિચારી શકે છે. ચીને અગાઉ ટ્રમ્પે નાખેલા ટેરિફનો વળતો જવાબ આપતા અમેરિકન માલસામગ્રી પર 15 ટકા વેરો નાખ્યો હતો અને અમેરિકાને ડબલ્યુટીઓમાં લઈ જવાની ચેતવણી આપી છે.