ટ્રમ્પની જીતથી ચીનને નુકસાન, ઇઝરાયલ બનશે વધુ શક્તિશાળી, જાણો કયા દેશને શું અસર થશે
US Elections: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા હોવાથી ઘણાં દેશો પર તેની અસર જોવા મળશે. ભારત સહિત ચીન, ઈઝરાયલ, રશિયા, યુક્રેન અને ઇરાન પર તેની અસર જોવા મળશે. ભારતને ટ્રેડિંગ અને H1B વિઝાને લઈને અસર પડી શકે છે. જો કે અન્ય દેશો પર તેની મોટી અસર જોવા મળી શકે છે. ટ્રમ્પ બીજી વાર પ્રમુખ બન્યા છે. તેમની સામે કમલા હેરિસ હતાં, પરંતુ ટ્રમ્પ 276 વોટ્સ સાથે જીતી ગયા છે. આ જીત બાદ તેઓ ફરી એકવાર અમેરિકાનું સુકાન સંભાળવા તૈયાર છે.
ટ્રમ્પ અમેરિકાની સત્તાનું સુકાન હાથમાં લેતા જ કયા દેશ પર શું અસર પડશે, તે જોઈએ.
ચીન
અમેરિકાની સીધી કે આડકતરી કે કોઈ પણ રીતે સ્પર્ધા ચીન સાથે છે. અમેરિકા ચીનને પોતાનું કટ્ટર માને છે. આથી ચીન પર તેની અસર અવશ્ય જોવા મળશે. ટ્રમ્પ દ્વારા ચૂંટણી રેલીમાં ચીન સાથેની ટ્રેડ વોર વિશે પહેલેથી જ જાહેરાત કરી દેવામાં આવી હતી. ટ્રમ્પ પહેલાં જ્યારે સત્તામાં હતાં ત્યારે તેમણે ચીન પર 250 બિલિયન ડોલરની આયાત પર ડ્યુટી લગાવી હતી. આ વખતે રેલીમાં ટ્રમ્પે કહ્યું હતું કે તે જો સત્તામાં આવ્યા તો આ ડ્યુટીને 60થી વધારીને 100 કરી દેશે. આથી હવે તેઓ જીતી ગયા હોવાથી જો તેઓ આ વાત પર કાયમ રહેશે તો ચીનને ખૂબ જ નુકસાન થશે.
રશિયા અને યુક્રેન
એક રિપોર્ટ મુજબ ટ્રમ્પની સરકારના કેટલાક લોકોનું માનવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં અમેરિકા હવે યુક્રેનને હથિયારનું સપ્લાય કરવાનું બંધ અથવા તો ઓછું કરી શકે છે. આ સાથે જ સૈનિકો પણ મદદ માટે ઓછા મોકલી શકે છે. આથી રશિયા સામે યુક્રેનનો પાવર ઓછો થઈ શકે છે. એક રિપોર્ટ એવો પણ છે કે આ યુદ્ધ ચાલુ રાખવા માટે યુક્રેન મોટાભાગે અન્ય દેશો પર નિર્ભર છે. આથી અમેરિકાની મદદ ન મળતી તો યુક્રેન માટે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સાથે જ ટ્રમ્પે એવો દાવો પણ કર્યો હતો કે તેઓ 24 કલાકની અંદર આ યુદ્ધને સમાપ્ત કરી શકે છે.
આ નિવેદન પરથી એવું લાગે છે કે તેઓ રશિયા સાથે સમજૂતી કરવા માટે યુક્રેનને ફોર્સ કરી શકે છે. જો એમ ન કર્યું તો યુક્રેનને જે ફંડ આપવામાં આવે છે એના પર રોક લગાવી શકે છે. જો અમેરિકાએ મદદ કરવી બંધ કરી દીધી તો યુક્રેન તેમની જમીનનો મોટો ભાગ ખોઈ બેસશે અને એના પર રશિયા હક જમાવી લેશે. બીજી તરફ કમલા હેરિસે કહ્યું હતું કે યુક્રેનને જ્યાં સુધી મદદની જરૂર પડશે ત્યાં સુધી અમેરિકા એ કરશે. આથી ટ્રમ્પ કમલા હેરિસ વિરુદ્ધ હોય એવી સંભાવના વધુ છે.
ઈઝરાયલ
ઈઝરાયલ ડેમોક્રેસી ઇન્સ્ટિટ્યુટના એક સર્વે મુજબ 65 ટકા લોકોનું માનવું છે કે ઈઝરાયલના હિત માટે ટ્રમ્પ સારો વિકલ્પ છે. જોકે 13 ટકા લોકોએ કમલા હેરિસની પસંદગી કરી હતી. ટ્રમ્પે તેના પહેલાં કાર્યકાળ દરમિયાન જેરૂસલેમને ઈઝરાયલની રાજધાની ગણાવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ‘જે પણ યહૂદી છે અથવા તો યહૂદી લોકોને પ્રેમ કરે છે અથવા તો ઈઝરાયલને પ્રેમ કરે છે અને તેઓ ડેમોક્રેટ પાર્ટીને વોટ આપશે તો તેઓ બેવકૂફ છે.’
બીજી તરફ કમલા હેરિસ પર ઈઝરાયલને લઈને સ્પષ્ટ ન રહેવાનો આરોપ પણ લાગ્યો હતો. તેમણે ઈઝરાયલની આર્મીની વ્યૂહનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને ટીકાઓ કરી હતી. તેમની છબિ ઈઝરાયલ વિરોધી બની ગઈ હતી. આ છબિ સુધારવા તેમણે ઓગસ્ટમાં કહ્યું હતું કે ઈઝરાયલ પોતાની સુરક્ષા કરવાનો અધિકાર ધરાવે છે અને એ માટે તે હંમેશાં ઈઝરાયલના પક્ષમાં છે.
આ પણ વાંચો: ટ્રમ્પને PM મોદીના અભિનંદન, પરંતુ ગુજરાતીઓને અમેરિકા જવામાં પડશે સૌથી મોટો ફટકો
ઇરાન
એક રિપોર્ટ મુજબ ટ્રમ્પની ચૂંટણીમાં જીત ઇરાન માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ ઇરાનની પરમાણું પ્લાન્ટ પર અટેક કરી શકે છે. જો બાઇડેન દ્વારા એ માટે ઈઝરાયલના હાથ બાંધી રાખવામાં આવ્યા હતા. કમલા હેરિસ આ ચૂંટણી જીતી હોત તો તેઓ પણ ઈઝરાયલને આ માટે રોકી શકી હોત. જો કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ એ માટે પરવાનગી આપી શકે એવી ચર્ચા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલેથી જ ઇરાન વિરુદ્ધ છે. આથી તેમનું ચૂંટણી જીતવાથી સૌથી મોટું નુકસાન ચીન અને ઇરાનને છે. જો કે ઈઝરાયલ અને રશિયાને એનો ફાયદો થશે.