ટ્રમ્પની એરિઝોનામાં પણ જીત : સાતેય સ્વિંગ રાજ્યોમાં વિજય મેળવી ઇતિહાસ રચ્યો
- 50 રાજ્યોમાંથી ૫૦ ટકાથી વધુ શહેરોમાં ટ્રમ્પ વિજેતા જાહેર
- ટ્રમ્પને અત્યાર સુધીમાં ૩૧૨ ઇલેક્ટોરલ મતો મળ્યા : કમલા હેરિસને ૨૨૬ : ટ્રમ્પને ૨૦૧૬માં ૩૦૪ મતો મળ્યા હતા
- ટ્રમ્પની વિરુદ્ધ અનેક ગુનાઇત કેસો ચાલે છે તેમ છતાં તેમણે ૨૦૧૬ની સરખામણીમાં વધારે ઇલેક્ટોરલ વોટથી ચૂંટણી જીતી
વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા હતાં પણ કેટલાક જગ્યાઓએ મતગણતરી હજુ પણ ચાલી રહી હતી. શનિવારે જાહેર થયેલા પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પે એરિઝોનામાં પણ વિજય પ્રાપ્ત કર્યો છે.
આ સાથે જ ટ્રમ્પે સાતેય સ્વિંગ રાજ્યોમાં વિજય પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો છે. આ અગાઉ ૨૦૨૦ની પ્રમુખ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેનના નેતૃત્ત્વમાં એરિઝોનામાં વિજય પ્રાપ્ત કર્યો હતો.
જો કે આ વખતે ટ્રમ્પના નેતૃત્ત્વમાં રિપબ્લિકન પાર્ટીએ આ રાજ્યના તમામ ૧૧ ઇલેકટોરલ વોટ પર પોતાનો કબજો મેળવ્યો છે. એરિઝોનાને રિપબ્લિકન પાર્ટીનું ગઢ માનવામાં આવે છે.
વર્ષ ૨૦૨૦માં એરિઝોનામાં વિજય પ્રાપ્ત કરનાર જો બાઇડેન ૭૦ વર્ષોમાં ફક્ત બીજા ડેમોક્રેટિક નેતા હતાં. હવે ૨૦૨૪માં એક વાર ફરી રિપબ્લિકન પાર્ટીએ પોતાનું ગઢ બચાવવામાં સફળતા મેળવી છે.
ટ્રમ્પની વિરુદ્ધ અનેક ગુનાઇત કેસો ચાલે છે તેમ છતાં તેમણે ૨૦૧૬ની સરખામણીમાં વધારે ઇલેક્ટોરલ વોટથી ચૂંટણી જીતી છે. તાજા આંકડાઓ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધીમાં ૩૧૨ ઇલેક્ટોરલ મતો મળ્યા છે.
જે વ્હાઇટ હાઉસની દોડ જીતવા માટે આવશ્યક ૨૭૦થી અનેક વધારે છે. ૨૦૧૬ની ચૂંટણીમાં ટ્રમ્પનોે ૩૦૪ ઇલેક્ટોરલ વોટ મળ્યા હતાં.
અમેરિકન મીડિયા અનુસાર જયોર્જિયા, પેન્સિલવેનિયા, મિશિગન અને વિસ્કોન્સિન જેવા સ્વિંગ રાજ્યો સહિત ૫૦થી વધુ રાજ્યોમાંથી અડધાથી વધુમાં ટ્રમ્પને વિજેતા જાહર કરવામાં આવ્યા છે. ટ્રમ્પે સ્વિગ રાજ્યો ઉત્તરી કેરોલિના અને નેવાદામાં પણ જીત મેળવી છે. કમલા હેરિસને અત્યાર સુધી ૨૨૬ ઇલેક્ટોરલ વોટ મળ્યા છે.