મૂળ વડોદરાના દંપતિના પુત્ર કશ્યપ પટેલને ટ્રમ્પ CIAના ચીફ તરીકે નિયુકત કરશે !!
- કોલંબસ હિન્દ જવા નીકળ્યા અચાનક અમેરિકા હાથ લાદ્યું
- ટ્રમ્પે અત્યારથી જ કેબિનેટ માટે પસંદગી શરૂ કરી છે : જેસી ડીમોન, સ્કોટ એસેન્ટ, સુસીપિલ્સ અને જહોન પૌલસનને મહત્વના ખાતા અપાશે
વોશિંગ્ટન : નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારથી જ પોતાની કેબિનેટમાં ઉચ્ચ પદે કોને કોને નિયુક્ત કરવા તે માટેની કાર્યવાહી હાથ ધરી છે. તેમાં જેમી ડીમોન સ્કોટ બેસેન્ટ, સુસી વિલ્સ અને જહોન પૌલસનના નામ મહત્વનાં પદો માટે વિચારાઈ ગયા છે. પરંતુ, સૌથી વધુ આશ્ચર્યજનક તો કાશ-પટેલ તરીકે જાણીતા કશ્યપ પટેલની અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા, સી.આઈ.એ.ના વડા તરીકે કરાનારી નિયુક્તિ છે. તેઓ ટ્રમ્પ વહીવટી તંત્રમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ના નવા ડાયરેકટર બનશે.
કાશ પટેલ તરીકે અમેરિકાના નાના પરંતુ પ્રભાવી વર્તુળો તરીકે જાણીતા થયેલા કશ્યપ પટેલના માતા-પિતા મૂળ વડોદરા (ગુજરાત)ના વતની છે. તેઓ પહેલાં ઇસ્ટ આફ્રિકા જઈ વસ્યા હતા, ત્યાંથી અમેરિકા આવ્યાં ૧૯૮૦ ફેબુ્રઆરીની ૨૫મી તારીખે કશ્યપ પટેલનો જન્મ થયો હતો. તેઓના પિતાનું નામ પ્રમોદ પટેલ હતું. તેઓએ તેમની કારકિર્દીનો પ્રારંભ એકિટંગ સેક્રેટરી ડીફેન્સના ચીફ ઓફ સ્ટાફ તરીકે કર્યો હતો.
પટેલે તેઓનો અન્ડર ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ યુનિવર્સિટી ઓફ રીચમોન્ડમાં કર્યો પછી યુનિવર્સિટી ઓફ લંડનમાં ભણવા ગયા. ત્યાં ઇન્ટરનેશનલ લો સ્પેશ્યલ સબ્જેકટ તરીકે પસંદ કરી ત્યાંથી ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું. અમેરિકા પાછા આવ્યા ત્યારે ખ્યાતનામ વકીલ-પેઢીઓમાં જોડાવા પ્રયત્ન કર્યા પરંતુ કોઇએ લીધા નહીં. છેવટે પોતાની જ પ્રેકટિસ શરૂ કરી. માયામીમાં વકીલ તરીકે તેમણે નામના મેળવી.
તેઓએ ૯ વર્ષ સુધી પબ્લિક ડીફેન્ડર તરીકે કામ કરી ખોટી રીતે ફસાવવામાં આવેલા અનેક આરોપીઓને છોડાવ્યા હતા.
તો બીજી તરફ અલ કાયદા અને આઈએસઆઈએસ સાથે સંલગ્ન તેવા કેટલાયને જેલ ભેગા પણ કરાવ્યા હતા. ત્યાર પછી તેઓને જસ્ટિસ ડિપાર્ટમેન્ટના લાયેઝાં ઓફિસર તરીકે લેવાયા અને તે પદ પર રહી તેમણે ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન્સમાં કાર્ય કર્યું. તે જોઇન્ટ સ્પેશ્યલ ઓપરેશન કમાન્ડ (જેએસઓએસ) નીચે કામ કરતી સંસ્થા છે. જેનું મુખ્ય કામ જ જાસુસીનું છે. તેઓએ ટ્રમ્પના શાસનકાળમાં ડેપ્યુટી આસિસ્ટન્ટ ટુ ધ પ્રેસિડેન્ટ તરીકે મહત્વની સેવા આપી હતી.
આ બધી ગણતરીએ ટ્રમ્પ તેઓને સીઆઈએના ડીરેકટર તરીકે નિયુકત કરે તો તેમાં આશ્ચર્ય નથી.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કમલા હેરિસ ઉપ પ્રમુખ પદે પહોંચ્યા. હવે અમેરિકામાં સેકન્ડ લેડી ઉષા વાન્સ બનશે. અમેરિકાની અત્યંત મહત્વની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સીઆઈએના નવા ડાયરેકટર કશ્યપ પટેલ બનશે. અમેરિકામાં અનેક ભારતીયો ટોચના સ્થાને છે. તે અંગે પોતાનો પ્રતિભાવ આપતા એક ભારતીયે કહ્યું હતું : 'તેમાં આશ્ચર્ય શું છે ? કોલંબસ મૂળ તો હિન્દ પહોંચવા નીકળ્યો હતો, ત્યાં અચાનક અમેરિકા હાથ લાધ્યું. અમેરિકાની શોધ જ ભારતનો માર્ગ શોધતાં થઈ તે ભુલવું ન જોઈએ.