ટ્રમ્પ ઈંચના ચોથા ભાગ જેટલા જ મૃત્યુથી દૂર હતા : ટ્રમ્પના પૂર્વ તબીબે 'છરકા' વિષે કહ્યું
'મેં લોકશાહી માટે ગોળી સહન કરી છે' : ડોનાલ્ડ ટ્રમ્પ
પેન્સીલવાનિયામાં ચૂંટણી પ્રચાર પ્રવચન કરતા ટ્રમ્પના જમણા કાનને 'છરકો' કરી ગોળી ચાલી ગઈ પરંતુ સદ્ભાગ્યે બચી ગયા
વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ પ્રમુખ અને આ વખતના પ્રમુખપદ માટેના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સીલવાનિયામાં ચૂંટણી પ્રચાર માટે પ્રવચન કરી રહ્યા હતા ત્યારે એક ગોળી તેઓના જમણા કાનના ઉપરના ભાગે 'છરકો' કરી પસાર થઈ ગઈ હતી, તે સર્વવિદિત છે.
આ માહિતી આપતા વ્હાઈટ હાઉસના પૂર્વ તબીબી અને અત્યારે ટેક્સાસના હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્ઝના સભ્ય ડૉક્ટર રોની જેકસન ટેક્સાસથી તુર્ત જ ન્યૂજર્સી પહોંચી ગયા હતા. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અન્ય ચૂંટણીસભાને સંબોધવાના હતા. આ તબીબે પૂર્વે વ્હાઇટ હાઉસના 'નિયુક્ત' તબીબ તરીકે ટ્રમ્પની તબીબી તપાસ પણ કરી હતી.
તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પના કાન ઉપર લાગેલો 'ઘા' જોયો પછી કહ્યું કે, ''ભગવાને જ ટ્રમ્પને બચાવી લીધા છે, જો તે ગોળી એક ઈંચના ચોથા ભાગ જેટલી (આશરે અર્ધા સેન્ટીમીટર જેટલી) વધુ નજીક ગઈ હોત તો પૂર્વ પ્રમુખના માથામાં જ ઘૂસી ગઈ હોત. પરંતુ તેઓ બચી ગયા.''
આ તબીબે કહ્યું કે, 'તે ઘા ૨ સેન્ટીમીટર જેટલો પહોળો હતો. તેથી કાસ્થીને પણ ઈજા પહોંચી છે, સહજ છે કે તેથી લોહી વહેવા જ લાગે, અને સોજો પણ ચઢી જાય. પરંતુ હવે લોહી વહેવું બંધ થઈ ગયું છે. સોજો ધીમે ધીમે ઘટી ગયો છે.'
આ તબીબે તે પણ સ્પષ્ટતા કરી હતી કે, તે ઘા ધીમે ધીમે રૂઝાઈ જશે. તે માટે 'ટાંકા' લેવાની જરૂર નથી. ઘા કુદરતી રીતે જ રૂઝાઈ જશે.
બીજી તરફ ટ્રમ્પે કહ્યું, 'મેં લોકશાહી માટે ગોળી સહન કરી છે.'