શનિવાર બપોર સુધીમાં તમામ બંધકોને છોડો નહીંતર...: હમાસને ટ્રમ્પની અંતિમ ચેતવણી
Trump Warns Hamas: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ચેતવણી આપતા કહ્યું કે, હમાસ શનિવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં બાકીના બંધકોને મુક્ત નહીં કરે તો 'બધું બરબાર થઈ જશે'. જો હમાસ શનિવાર બપોર સુધીમાં ગાઝામાં રાખવામાં આવેલા બાકીના તમામ બંધકોને મુક્ત નહીં કરે તો ઈઝરાયલ અને હમાસ વચ્ચેનો અનિશ્ચિત યુદ્ધવિરામ કરાર રદ કરી દેવો જોઈએ. તમને જણાવી દઈએ કે, હાલમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યું છે. આ દરમિયાન હમાસ ઈઝરાયલી બંધકોને મુક્ત કરી રહ્યું છે. ટ્રમ્પની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે હમાસે ઈઝરાયલ પર વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું હતું કે, તે બંધકોની મુક્તિને અટકાવી શકે છે.
બંધકોની મુક્તિમાં વિલંબ થશે
હમાસના પ્રવક્તાએ સોમવારે કહ્યું કે, ઈઝરાયલ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યા બાદ અમે આગામી બંધકોની મુક્તિમાં વિલંબ કરીશું. ઈઝરાયલ અને હમાસ છ અઠવાડિયાના યુદ્ધવિરામ વચ્ચે છે. આ દરમિયાન હમાસ 7 ઓક્ટોબર 2023ના રોજ થયેલા તેના હુમલામાં પકડાયેલા ડઝનો બંધકોને લગભગ 2,000 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં મુક્ત કરી રહ્યું છે.
હમાસના ખાતમાનો પ્રસ્તાવ મૂકવામાં આવશે
ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ગાઝામાં બંધક બનાવેલા તમામ 73 લોકોને શનિવાર બપોર સુધીમાં કોઈપણ કિંમતે મુક્ત કરી દેવામાં આવે. જો આવું નહીં થાય તો હમાસના ખાતમાનો પ્રસ્તાવ મૂકવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ઓવલ ઓફિસમાં આયોજિત એક પ્રેસ બ્રીફિંગમાં જો હમાસ પોતાના વચનો પૂરા નહીં કરે તો બદલો લેવાની કાર્યવાહી અંગેના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, હમાસને ખબર પડી જશે કે હું શું કહેવા માંગુ છું. 7 ઓક્ટોબર 2023 સુધીમાં હમાસ આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા 251 લોકોમાંથી 73 હજુ પણ તેમના કબજામાં છે. ઈઝરાયલે તેમાંથી 34 લોકોને મૃત જાહેર કરી દીધા છે.
હમાસે યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કર્યું
સીઝ ફાયર પ્રમાણે હમાસે શનિવાર સુધીમાં પેલેસ્ટિનિયન કેદીઓ અને બંધકોના બદલામાં વધુ બંધકોને મુક્ત કરે તેવી અપેક્ષા હતી. જ્યારે આવું ન થયું ત્યારે ઈઝરાયલના રક્ષા ઈઝરાયલ કાત્ઝે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે, હમાસે યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ સાથે જ તેમણે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક બેઠક પણ બોલાવી છે.