પનામા કેનાલમાં એવું તો શું છે કે કબજો કરવા તલપાપડ છે ટ્રમ્પ, જાણો ચીન કનેક્શન
Donald Trump On Panama Canal: પનામા કેનાલે વૈશ્વિક વેપાર અને અમેરિકાની ભૌગોલિક વ્યૂહરચનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ કેનાલ અંગે અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'અમેરિકાએ પનામા નહેરનું નિયંત્રણ પાછો મેળવવો જોઈએ.' આ વિવાદાસ્પદ નિવેદન પછી ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. પનામા કેનાલ અંગે ટ્રમ્પનું વલણ દર્શાવે છે કે તે આ ક્ષેત્રમાં વધતા ચીનના પ્રભાવ અંગે કેટલા ચિંતિત છે અને અમેરિકાની સુરક્ષા અને આર્થિક હિતો માટે ચીનના પ્રભાવને કેટલો મોટો ખતરો માને છે.
પનામા નહેરનો ઇતિહાસ
એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને જોડતી નહેરનો વિચાર 16મી સદીનો છે જ્યારે સ્પેનિશ સંશોધકોએ આ માર્ગના વ્યૂહાત્મક ફાયદાઓને માન્યતા આપી હતી. જોકે, 20મી સદીની શરૂઆત સુધી અમેરિકાના પૂર્વ પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના નેતૃત્વ હેઠળ અમેરિકા પનામા પ્રોજેક્ટ પૂર્ણ કરી શક્યું ન હતું.
પનામા પહેલા કોલંબિયાનું ગુલામ હતું, પરંતુ અમેરિકાની મદદથી તે આઝાદ થયું અને બદલામાં અમેરિકાને 1904માં પનામા કેનાલ બનાવવાનો અધિકાર મળ્યો. આ કેનાલ વર્ષ 1914માં પૂર્ણ થઈ હતી અને દાયકાઓ સુધી અમેરિકા દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેનાથી વૈશ્વિક દરિયાઈ વેપાર પર તેનું વર્ચસ્વ મજબૂત બન્યું. વિશ્વયુદ્ધ અને શીતયુદ્ધ બંને દરમિયાન આ કેનાલથી યુનાઇટેડ સ્ટેટ્સને ઘણો ફાયદો થયો. અમેરિકાની નૌકાદળ અને તેના વેપારી જહાજો પનામા નહેરમાંથી ઝડપથી મુસાફરી કરી શક્યા.
આ પણ વાંચો: કેનાલ પર અમારો કબજો છે અને રહેશે', ટ્રમ્પના એલાન પર ભડક્યાં પનામાના રાષ્ટ્રપતિ
વર્ષ 1977માં અમેકિતા અને પનામા વચ્ચે કાર્ટર-ટોરિજોસ સંધિ પર હસ્તાક્ષર થયા હતા, જે હેઠળ અમેરિકાએ વર્ષ 1999ના અંત સુધીમાં કેનાલનું નિયંત્રણ પનામાને સોંપી દીધું હતું. પનામાએ 1મી ડિસેમ્બર 1999ના રોજ નહેરનો નિયંત્રણ સંભાળ્યો અને પનામા કેનાલ ઓથોરિટી (ACP) હવે નહેરનું સંચાલન કરે છે.
કેનાલનું વ્યૂહાત્મક અને આર્થિક મહત્ત્વ
પનામા કેનાલ વૈશ્વિક વેપાર માટે એક મહત્ત્વપૂર્ણ માર્ગ છે, જે એશિયા, અમેરિકા અને યુરોપ વચ્ચે માલસામાનની અવરજવરને સરળ બનાવે છે. વાર્ષિક આશરે 14,000 જહાજો આ નહેરમાંથી પસાર થાય છે, જે વૈશ્વિક દરિયાઈ વેપારનો 6 ટકા હિસ્સો ધરાવે છે. અમેરિકા દ્વારા પનામા કેનાલનો સૌથી વધુ ઉપયોગ થાય છે. અમેરિકા તેના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચે માલસામાનના પરિવહન માટે નહેર પર આધાર રાખે છે, તેલ અને કૃષિ ઉત્પાદનો જેવી ચીજવસ્તુઓની નિકાસ કરે છે.
આર્થિક મહત્ત્વ ઉપરાંત આ નહેરનું વ્યૂહાત્મક લશ્કરી મહત્ત્વ પણ છે. કેનાલ પર નિયંત્રણ હોવાથી યુનાઇટેડ સ્ટેટ્સ એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરો વચ્ચે ઝડપથી નૌકાદળ તૈનાત કરી શકે છે. આ અમેરિકાના વૈશ્વિક લશ્કરી કામગીરી માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષમતા હશે.
જો ટ્રમ્પ કેનાલનો કબજો મેળવશે શું થશે?
21મી સદીમાં પનામા કેનાલ એક મહત્ત્વપૂર્ણ આર્થિક અને વ્યૂહાત્મક સંપત્તિ છે. ચીનના પ્રભાવ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતાઓ આધારહીન નથી. આમ છતાં, પનામા કેનાલ પર ફરીથી નિયંત્રણ મેળવવું ખૂબ જ અશક્ય લાગે છે. જો ટ્રમ્પ આવું કરવાનો પ્રયાસ કરશે, તો તેમને ઘણાં પરિણામોનો સામનો કરવો પડશે, તેથી તેમણે આ અંગે ઊંડો વિચાર કરવો પડશે.