Get The App

ચીન-કેનેડા બાદ યુરોપ પર ટેરિફ નાંખવાની ટ્રમ્પની જાહેરાત, ભારત અંગે સ્પષ્ટતા નહીં

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
ચીન-કેનેડા બાદ યુરોપ પર ટેરિફ નાંખવાની ટ્રમ્પની જાહેરાત, ભારત અંગે સ્પષ્ટતા નહીં 1 - image


- ચીન, કેનેડા પર ટેરિફ બાદ ટ્રમ્પની વધુ એક મોટી જાહેરાત

- ઇયુ બ્રાન્ડેડ કાર, કૃષિ સહિતની અબજો ડોલરની વસ્તુઓ અમને વેચે છે પરંતુ અમારી કોઇ જ વસ્તુ લેવા તૈયાર નથી : ટ્રમ્પ

- અમેરિકા ઇયુ દેશો પર ટેરિફ નાખે તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નામ ધરાવતી મોટી કાર કંપનીઓને ફટકાની શક્યતા

બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યા બાદ હવે યુરોપિયન યુનિયન (ઇયુ) દેશોને પણ ધમકી આપી દીધી છે. ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઇયુ તરફથી અમેરિકામાં આવતા તમામ સામાન પર ટેરિફનો નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. અગાઉ કેનેડા મેક્સિકોના સામાન પર ૨૫ ટકા અને ચીનના સામાન પર 10 ટકા ટેરિફની જાહેરાત કરાઇ છે. હવે તેમાં ઇયુનો પણ સમાવેશ થઇ શકે છે. જો ટ્રમ્પ ઇયુ પર ટેરિફ નાખે તો યુરોપિયન યુનિયનમાં સામેલ ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન સહિત કુલ 27 જેટલા દેશોએ ભોગવવુ પડી શકે છે.   

ફ્લોરિડાથી મેરીલેન્ડ પહોંચેલા ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે અમે ટુંક સમયમાં યુરોપિયન યુનિયન પર પણ ટેક્સ નાખીશું, ક્યારે આ નિર્ણય લેવામાં આવશે તે અંગેના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે બહુ જ વહેલા આ નિર્ણય લેવામાં આવશે. ઇયુ દેશો પર રોષ ઠાલવતા ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અમેરિકાની કાર નથી લેતા, અમારી કૃષિ પેદાશો લેવામાં પણ આનાકાની કરે છે. યુરોપિયન દેશો અમેરિકાની પાસેથી કઇ જ નથી ખરીદી રહ્યા જ્યારે બીજી તરફ અમેરિકા યુરોપિયન યુનિયનના દેશો પાસેથી અબજો કાર, ફૂડ અને કૃષિ પદાર્થોની ખરીદી કરે છે. જો ટ્રમ્પ ઇયુ પર ટેરિફ નાખશે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોટુ નામ ધરાવતી કાર કંપનીઓને મોટો ફટકો પડી શકે છે.  

ટ્રમ્પે અગાઉ કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ નાખ્યા ત્યારે યુરોપિયન યુનિયને તેની ટિકા કરી હતી અને ચેતવણી આપી હતી કે જો ઇયુને ટાર્ગેટ કરવામાં આવ્યું તો તેનો અમે પણ વળતો જવાબ આપીશું. મેક્સિકો અને કેનેડાએ પણ અમેરિકન વસ્તુઓ પર ટેરિફ લાદી દીધા છે. જેને પગલે હવે એક તરફ અમેરિકા અને બીજી તરફ ઇયુ અને કેનેડા તેમજ મેક્સિકો અને ચીન વચ્ચે ટ્રેડ વોરની શરૂઆત થઇ ગઇ છે. ટ્રમ્પે હજુસુધી બ્રિટન અંગે કોઇ નિર્ણય નથી લીધો, જ્યારે બ્રિટન અંગે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે હાલ બ્રિટન અમારી ટેરિફ યાદીમાંથી બહાર છે. પરંતુ હાલ અમે જે પણ મુદ્દાઓ બન્ને દેશો વચ્ચે છે તેનો નિકાલ કરવાની દિશામાં વાતચીત કરી રહ્યા છીએ. 

અમેરિકા હાલ વિદેશી વસ્તુઓની અમેરિકામાં આયાત પર ટેરિફ નાખી રહ્યું છે, અમેરિકામાં જ તે વસ્તુનું ઉત્પાદન થાય અને રોજગારી વધી તેવા દાવા સાથે ટ્રમ્પ આ નિર્ણય લઇ રહ્યા છે. જ્યારે બીજી તરફ આ નિર્ણયથી અમેરિકામાં મોંઘવારી વધવાની ભીતી છે કેમ કે આ તમામ વસ્તુઓનું ઉત્પાદન જો અમેરિકામાં જ કરવામાં આવશે તો ઉત્પાદન ખર્ચ વધી જશે જે કંંપનીઓ ગ્રાહકો પર નાખશે. અગાઉ ટ્રમ્પે બ્રિક્સ દેશોને પણ ધમકી આપી હતી આ બ્રિક્સ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જોકે હજુસુધી ભારતને લઇને ટ્રમ્પે કોઇ નિર્ણય નથી લીધો. સાથે જ ભારત પર ટેરિફ નહીં નાખીએ તેવી પણ કોઇ સ્પષ્ટતા અમેરિકાએ નથી કરી. પરંતુ હાલ ભારત આ ટેરિફ વોરથી બહાર છે. 


Google NewsGoogle News