ટ્રમ્પે કેબિનેટ માટે પસંદ કરેલાઓને બોમ્બ કે અન્ય રીતે ઉડાડી દેવાની ધમકી
- એફબીઆઈએ કહ્યું : અમોને આવી કેટલીક માહિતી મળી છે, અમે અન્ય એજન્સીઓ સાથે પણ કામ કરી રહ્યા છીએ
ન્યૂયોર્ક : નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓની કેબિનેટ માટે પસંદ કરેલાઓ પૈકી અનેકને બોમ્બથી ઉડાડી દેવાની કે અન્ય રીતે પણ ઇજાગ્રસ્ત કરવાની ધમકીઓ મળી રહી છે. તેમ ટ્રમ્પના પ્રવકતા કેરોલિન બિએટ્ટે એક નિવેદન દ્વારા જણાવ્યું હતું.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, ધમકીઓ બોંબથી શરૂ કરી બૂટથી કે ચંપલથી પ્રહાર કરવા સુધીની છે. પરંતુ આંતરિક જાસુસી સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તે અંગે સજાગ છે.
એફ.બી.આઈ.ના પ્રવકતાએ પણ કહ્યું હતું કે આવી ધમકીઓ વિષે અમોને માહિતી મળી છે અમે અન્ય કાનૂન રક્ષકો સાથે કામ કરી રહ્યા છીએ. અમો આવી દરેક ધમકીઓને ગંભીરતાથી જ લઈ રહ્યા છીએ.
ટ્રમ્પે પસંદ કરેલા તેમના તંત્રના હોદ્દેદારો પૈકી ન્યૂયોર્કમાં રીપબ્લિકન રેપ્રિઝેન્ટેટીવ (સાંસદ) એલિસ સ્ટેફનિક છે, જેઓને ટ્રમ્પે યુએન ખાતેના રાજદૂત તરીકે પસંદ કર્યા છે. તેઓ તેમના પતિ અને ત્રણ બાળકો સાથે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક થેંકસ ગિવિંગ સેરીમની માટે જતા હતાં ત્યારે તેઓને જણાવવામાં આવ્યું કે તેઓનું ઘર બોંબથી ઉડાડી દેવાની ધમકી મળી છે.
પરંતુ એફ.બી.આઈ. અને સાથી રક્ષક દળોએ તેઓના બંગલાને ઘેરી લીધો છે. જેથી કોઈ દુર્ઘટના ન બને. એફબીઆઈ અને સાથી રક્ષક દળો દ્વારા કરાયેલી આ વ્યવસ્થા માટે એવીસે તેઓનો આભાર માન્યો હતો.
તેવી જ રીતે ફલોરિડાના સાંસદ મેટ-ગોયેત્ઝને પણ બોંબથી ઉડાડી દેવાની ધમકી મળી હતી પરંતુ તે ખોટી નીકળી હતી.
ટ્રમ્પને જ મારી નાખવાના બે પ્રયાસો કરવામાં આવ્યા હતા. એક વખત એક ગોળી તેઓના જમણા કાન ઉપર છરકો કરી પસાર થઈ ગઈ હતી. જ્યારે બીજી વખત ફલોરિડાનાં પામ-બીચ સ્થિત તેઓના અંગત ગોલ્ફ-કોર્ટ ઉપર તેઓ ગોલ્ફ રમતા હતા ત્યારે તેઓનું રક્ષણ કરતા જાસૂસી વિભાગના માણસોએ ઝાડીમાં બંદુકની નાળ જોઈ તે બંદૂકધારીને તુર્ત જ પકડી પાડયો હતો.