Get The App

ટ્રેડ વૉર: ટ્રમ્પની ચીનને ધમકી- 24 કલાકમાં નિર્ણય લો, નહીંતર 50 ટકા ટેરિફ નાંખીશ

Updated: Apr 8th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રેડ વૉર: ટ્રમ્પની ચીનને ધમકી- 24 કલાકમાં નિર્ણય લો, નહીંતર 50 ટકા ટેરિફ નાંખીશ 1 - image


US China trade war : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપી છે કે જો ચીન તેમના પરનો 34 ટકા ટેરિફ 8 એપ્રિલ 2025 સુધીમાં પડતો નહીં મૂકે તો તેઓ તેના પર બીજો 50 ટકા ટેરિફ લાદશે, એમ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું. ચીને ગઇકાલ અમેરિકા પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો. અમેરિકાએ લાદેલા 34 ટકા ટેરિફના જવાબમાં ચીને આ ટેરિફ લાદ્યો હતો. 

તેમણે ઉમેર્યુ હતું કે જો ચીન અમેરિકા પરનો 34 ટકા ટેરિફ નહીં પરત ખેંચે તો તેઓ ચીન પર બીજો 50 ટકા ટેરિફ લગાવશે. તેનો અમલ પણ નવમી એપ્રિલથી થશે. ટ્રમ્પે તેની સાથે ચીન સાથે બદા જ પ્રકારની મંત્રણા પડતી મૂકવાની ધમકી પણ આપી હતી. તેના પછી ટેરિફથી લઈ કોઈ મુદ્દે અમેરિકા સાથે વાતચીત શક્ય નહીં બને. 

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડા છતાં અમેરિકામાં કોઈ મોંઘવારી નથી. તેમણે તેમના  વર્તમાન નિર્ણય માટે અગાઉના અમેરિકન પ્રમુખોને દોષિત ઠેરવ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે અગાઉના પ્રમુખોની નીતિઓના લીધે ચીન જેવા દેશને અમેરિકાનો ફાયદો ઉઠાવવાની તક મળી. વિશ્વભરમાં આવેલી મંદી અંગે જણાવ્યું હતું કે તેલનો ભાવ ઘટયો છે, વ્યાજદરો ઘટયા છે.

આની સાથે તેમણે ફેડ રિઝર્વએ હવે વ્યાજદરમાં ઘટાડો કરવો જોઈએ તેમ જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમત ઘટી ગઈ છે. ફુગાવો તો છે જ નહીં. લાંબા સમયથી આર્થિક દુર્વ્યવહારનો શિકાર અમેરિકા પહેલેથી લાગુ કરવામાં આવેલા ટેરિફનો દૂરુપયોગ કરવાવાળા દેશો પાસેથી દર સપ્તાહે અબજો ડોલર ઉસેટી રહ્યું છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીને વળતી કાર્યવાહી ન કરવાની ચેતવણીની અવગણના કરતા ટેરિફમાં ૩૪ ટકા વધારોે કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે પહેલાથી જ લાગુ કરવામાં આવેલા ટેરિફના લીધે દરરોજે અબજો ડોલરની આવક થઈ રહી છે. ટેરિફના મોરચે સૌથી વધારે દુર્વ્યવહાર કરનારા દેશ ચીને મારી ચેતવણી અવગણી છે. ચીને દાયકાઓ સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે. આ માટે અમારા અગાઉના નેતાઓની નબળી નીતિઓ જવાબદાર છે, જેમણે આ થવા દીધું. 

ટ્રમ્પે ટેરિફને લઈને તેના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ટેરિફના મામલે તે કોઈ બાંધછોડ કરવાના નથી. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયને તેઓ ત્યાં સુધી રદ કરવાના નથી જ્યાં સુધી જે દેશ પર ટેરિફ લગાવાયો છે તે અમેરિકા સાથે તેનો વેપાર સંતુલિત ન કરી લે. ટ્રમ્પ આને સારી યોજના માને છે પરંતુ સમગ્ર વિશ્વના બજારોમાં તેની વિપરિત પ્રતિક્રિયા જોવા મળી છે. અમેરિકન શેરબજાર પર પણ તેની વિપરીત અસર પડી છે.

ટ્રમ્પે તેના ટેરિફના નિર્ણય માટે શેરબજાર માટે એક દવા ગણાવી હતી. તેણે જણાવ્યુ હતું કે હું ઇચ્છતો નથી કે અમેરિકા કે વિશ્વના બીજા કોઈ શેરબજાર પડે, પરંતુ તમે જોશો કે તેમા મોટાપાયા પર વેચાણ થઈ રહ્યા છે. ક્યારેક-ક્યારેક આપણે કોઈ બીમારીને ઠીક કરવા દવા દેવી પડે છે. ટેરિફનો નિર્ણય આ દવા જેવો જ છે.

વિશ્વસ્તરે ટ્રમ્પના ટેરિફની થતી ટીકા સામે તેના તંત્રએ દાવો કર્યો છે કે ૫૦થી વધુ દેશ અમેરિકા સાથે વ્યાપાર મંત્રણા કરવા માંગે છે. તે બધા દેશ વ્હાઇટ હાઉસના સંપર્કમાં છે. બુધવારે ટેરિફની જાહેરાત પછી ૫૦થી વધુ દેશોએ અમેરિકા સાથે વાતચીત શરૂ કરી છે. તેમા તાઇવાન, ઇઝરાયેલ, ભારત, ઇટાલી સહિતના દેશોનો સમાવેશ થાય છે.

Tags :