Get The App

હવે અમેરિકાને આખો ગ્રીનલેન્ડ દેશ ખરીદવો છે, જાણો કેવી રીતે એક દેશ બીજા દેશને વેચી શકાય

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
હવે અમેરિકાને આખો ગ્રીનલેન્ડ દેશ ખરીદવો છે, જાણો કેવી રીતે એક દેશ બીજા દેશને વેચી શકાય 1 - image


Why Trump wants to buy Greenland: વ્હાઈટ હાઉસમા બીજી વાર બિરાજમાન થતાં પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પ ધબડાટી બોલાવી રહ્યા છે. ક્યારેક તેઓ વિવાદાસ્પદ નિવેદન કરી દે છે તો ક્યારેક કંઈક અળવીતરું પગલું ભરવાની ચીમકી આપી દે છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીથી લઈને કેનેડા સરહદે સુરક્ષા વ્યવસ્થા બાબતે દીધેલી દમડાટી જેવા મુદ્દા હોય કે પછી પનામા કેનાલ પર અમેરિકાના અધિકારોનો દાવો હોય, ટ્રમ્પ ગમે ત્યારે ગમે તેવું બોલીને વિવાદોના વમળ સર્જી દે છે. હવે તેમના રડારમાં આવ્યો છે ગ્રીનલેન્ડ. એક એવો દેશ જેને તેઓ ખરીદી લેવા માંગે છે. જી, હાં, વાત આખેઆખા દેશને ખરીદી લેવાની છે. શું એવું શક્ય છે? ચાલો, જાણીએ કે શું છે સમગ્ર બાબત. 

ધરતીના કયા ખૂણે વસેલો છે ગ્રીનલેન્ડ? 

નામ તો એનું ગ્રીનલેન્ડ છે, પણ એ છે પૂરેપૂરો વ્હાઈટ લેન્ડ. ઉત્તર ગોળાર્ધમાં પણ છેક ઉત્તરમાં અને કેનેડાની પડોશમાં આવેલા આ દેશની 80 ટકા જમીન પર કાયમ માટે બરફ છવાયેલો રહે છે. નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવની નજીકનો આ દેશ 21 લાખ કરતાં વધુ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આર્કટિક અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરોની વચ્ચે આવેલો ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો ટાપુ દેશ હોવાનો રેકોર્ડ ધરાવે છે. 

કેવો છે ગ્રીનલેન્ડ?

અતિશય ઠંડીને કારણે ગ્રીનલેન્ડમાં જીવન સરળ નથી, માટે જ વિસ્તારની દૃષ્ટિએ દુનિયાના 12મા સૌથી મોટા એવા આ દેશની વસ્તી ફક્ત 60 હજાર છે. મોટાભાગની વસ્તી સ્થાનિક છે જેને ‘ઈન્યુઈટ’ કહેવામાં આવે છે. તેમના મૂળિયાં મોંગોલ પ્રજાને જઈને મળે છે.

એક રીતે ‘અમેરિકાનો’ અને બીજી રીતે ‘યુરોપનો’ છે ગ્રીનલેન્ડ

ભૌગોલિક સ્થાનની રીતે જોઈએ તો ગ્રીનલેન્ડ ઉત્તર અમેરિકા ખંડનો હિસ્સો ગણાય છે, પણ રાજકીય દૃષ્ટિએ ગ્રીનલેન્ડ યુરોપનો છે. આ ટાપુ 10મી સદીમાં મળી આવ્યો હતો. ત્યારે અહીં યુરોપિયન વસાહત સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વિષમ હવામાનને કારણે એ પ્રયાસ પડતો મૂકવામાં આવ્યો હતો. એ પછી 14મી સદીમાં અહીં ડેનમાર્ક અને નોર્વેનું એક સંઘ બનાવવામાં આવ્યું હતું, જેણે સંયુક્ત રીતે તેના પર શાસન કરવાનું શરૂ કર્યું હતું. 

આ પણ વાંચો: આખરે અમેરિકાને મળ્યું એનું રાષ્ટ્રીય પક્ષી, બાલ્ડ ઈગલને આ સન્માન આપવામાં કેમ 248 વર્ષ લાગ્યાં?

વર્તમાનમાં ગ્રીનલેન્ડ પર આ દેશનું શાસન છે

ગ્રીનલેન્ડ પર 19મી સદીથી ડેનમાર્કનું નિયંત્રણ વધ્યું હતું. ગ્રીનલેન્ડ એક સ્વાયત્ત દેશ છે, તેની પોતાની સરકાર પણ છે, પરંતુ વિદેશ નીતિ જેવા મુખ્ય મુદ્દાઓ ડેનિશ સરકાર સંભાળે છે.

આવું છે ગ્રીનલેન્ડનું જીવન

ઈન્યુઈટ લોકો ડેનિશ ભાષા બોલે તો છે, પરંતુ તેમની સંસ્કૃતિ ડેનમાર્ક કરતા અલગ છે. બરફ અને ખડકોથી છવાયેલા આ દેશમાં આવકનો કોઈ ખાસ સ્ત્રોત નથી. પ્રવાસીઓ દ્વારા જે આવક થઈ એ સાચી. સ્થાનિક દુકાનદારો કેક, માછલી અને રેન્ડિયરના શિંગડામાંથી બનાવેલ શોપીસ વેચીને પૈસા કમાય છે. અતિશય ઠંડા હવામાનમાં ઈન્યુઈટ લોકોએ એટલી હદે અનુકૂલન સાધી લીધું છે કે તેઓ જરૂર પડ્યે કાચું માંસ ખાઈને પણ જીવી જાય છે.

બર્ફસ્તાનમાં અમેરિકાને કયા કારણે રસ પડ્યો?

બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધ (કોલ્ડ વોર) શરૂ થયું હતું, જે અવકાશ આંબવાથી લઈને ન્યૂક્લીયર હથિયારોનો ઢગલો કરવા સુધી વિસ્તર્યું હતું. ગ્રીનલેન્ડનું સ્થાન ઉત્તર ગોળાર્ધમાં વ્યૂહાત્મક હોવાથી એ સમયે જ અમેરિકાને એનું મહત્ત્વ સમજાઈ ગયું હતું. દુશ્મન અને સ્પર્ધક રાષ્ટ્રો પર નજર રાખવા માટે અમેરિકાએ ગ્રીનલેન્ડમાં પોતાનું એરબેઝ બનાવ્યું હતું. ગ્રીનલેન્ડનું સ્થાન એટલું મોકાનું છે કે અમેરિકા ત્યાંથી રશિયા, ચીન અને ઉત્તર કોરિયા તરફથી આવતી કોઈપણ મિસાઈલને રોકી શકે છે. એ જ રીતે ત્યાંથી અમેરિકા એશિયા અને યુરોપ પર પણ મિસાઈલો છોડી શકે છે.

નવા જળમાર્ગો બનવાની શક્યતા 

ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્રીનલેન્ડની આસપાસ બરફ પીગળી રહ્યો હોવાથી એ પ્રદેશમાં નવા જળમાર્ગો બની શકે એમ છે. એવા જળમાર્ગો પર આધિપત્ય જમાવવા માટે વિશ્વના ઘણાબધા દેશો ગ્રીનલેન્ડમાં એન્ટ્રી મારવાની કોશિશ કરી રહ્યા છે. એમાંનું એક ચીન પણ છે. ચીન કે અન્ય કોઈ દેશ ફાવે એ પહેલાં અમેરિકા ગ્રીનલેન્ડમાં ઘૂસી જવા માંગે છે. જેથી પછી એ ત્યાં બીજા કોઈ દેશને ઘૂસતા અટલાવી શકે. લાંબે ગાળે આ બહુ ફાયદાનો સોદો સાબિત થાય એમ છે, તેથી અમેરિકાનો ડોળો ગ્રીનલેન્ડ પર મંડાયો છે. 

ગ્રીનલેન્ડ ખનીજ-સમૃદ્ધ છે

ગ્લોબલ વોર્મિંગને કારણે આર્કટિક પ્રદેશનો બરફ પીગળી રહ્યો હોવાથી આ વિસ્તારમાં ખાણકામ કરવું અગાઉના પ્રમાણમાં સરળ બન્યું છે. ગ્રીનલેન્ડના પેટાળમાં ખનીજનો મબલખ ખજાનો છે, એવા ખનીજો જે મોબાઈલ ફોનથી લઈને હથિયારો અને ઈલેક્ટ્રિક વાહનોની બનાવટમાં થાય છે. અમેરિકા એ ખનીજો હસ્તગત કરીને ખનીજોની સપ્લાયમાં હાલમાં નંબર વન એવા ચીન કરતાં આગળ નીકળી જવા માંગે છે.

અગાઉ પણ પ્રયાસ કરી ચૂક્યા છે ટ્રમ્પ

ટ્રમ્પ પોતાની પહેલી ટર્મમાં પણ ગ્રીનલેન્ડને ખરીદી લેવાની કોશિશ કરી ચૂક્યા છે. જોકે, એ સમયે ડેન્માર્કે એમને ફાવવા નહોતા દીધા.  

અમેરિકા વર્ષોથી તાક લગાવીને બેઠું છે

ટ્રમ્પ અગાઉ 1946 માં તત્કાલિન યુએસ પ્રમુખ હેરી ટ્રુમેન ગ્રીન્લેન્ડને ખરીદવા માંગતા હતા. તેમણે ડેનમાર્કને ગ્રીનલેન્ડ માટે 100 મિલિયન ડોલરની ઓફર કરી હતી. સોદા બદલ તેઓ ડેન્માર્કને અલાસ્કા રાજ્યનો કેટલોક હિસ્સો આપવા પણ તૈયાર હતા, પરંતુ સોદો પાર પાડવામાં તેમને સફળતા નહોતી મળી. 

મોટો જમીની હિસ્સો ખરીદવો અમેરિકા માટે નવું નથી

આ કંઈ પહેલીવારનું નથી કે અમેરિકાએ વિદેશી ભૂમિ ખરીદવામાં રસ દાખવ્યો હોય. હાલમાં જે અમેરિકાનું રાજ્ય છે એ અલાસ્કા પણ ક્યારેક રશિયાની માલિકીનું હતું. વર્ષ 1867માં અમેરિકાએ ‘ટ્રીટી ઓફ સેશન’ નામનો સોદો કરીને રશિયા પાસેથી 7.2 મિલિયન ડોલરના સોનાના બદલામાં અલાસ્કા ખરીદી લીધું હતું. અલાસ્કાનો વિસ્તાર સમગ્ર યુરોપના કદ કરતા ત્રીજા ભાગનો છે. એ હિસાબે જોઈએ તો અમેરિકાએ અલાસ્કાની જમીન ફક્ત 50 પૈસામાં એક એકરના ભાવે મળી હતી. એ પછી અલાસ્કામાં સોના અને પેટ્રોલિયમની ખાણો મળી આવી હતી, જેના કારણે અમેરિકા વધુ સમૃદ્ધ બન્યું.

શું એક દેશ બીજા દેશને ખરીદી શકે છે?

હા. જો કોઈ દેશે પોતાની માલિકીની જમીન બીજા દેશને વેચવી હોય તો એને એમ કરતા કોઈ રોકી ન શકે. જોકે, એમાં એક સમસ્યા છે. વેચાનાર જમીન પર રહેલા લોકોનું શું? ખરીદનાર દેશ એ લોકોને અપનાવવા તૈયાર હોય તો પણ લોકો જ નવા દેશમાં ભળવા તૈયાર ન હોય તો? બળજબરીપૂર્વક એમને બીજા દેશને સોંપી દેવું એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. આમ કરવાથી સ્થાનિક લોકો રોષે ભરાય અને બળવો ફૂંકાય, એવું પણ બની શકે છે.

ત્રીજો દેશ પણ વાંધો ઉઠાવી શકે 

ધારોકે આવા સોદા માટે વેચનાર અને ખરીદનાર દેશ તથા વેચાનાર પ્રદેશની પ્રજા પણ સંમત થઈ જાય, તો પણ પડોશી દેશો અવરોધ લાવી શકે છે, કારણ કે આવો સોદો તેમની વિદેશ નીતિને અસર કરી શકે એમ છે. આ માટે ત્રીજો દેશ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈને વિરોધ નોંધાવી શકે. આ મુદ્દે બે દેશો વચ્ચે યુદ્ધ પણ છેડાઈ શકે છે.

દેશની સરહદી સુરક્ષા જોખમાઈ શકે

ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો પ્રત્યેક દેશનું આગવું મહત્ત્વ હોય છે. વેચાયેલ હિસ્સામાં વસતી પ્રજા નવા દેશને બદલે જૂના દેશને જ વફાદાર રહે, અને સરહદ પર ગેરકાયદે કામો શરૂ થઈ જાય તો ખરીદનાર દેશની સરહદી સુરક્ષા જોખમમાં આવી પડે એવું બની શકે.

આવા ઉપાય અજમાવાય છે

ઉપરોક્ત સમસ્યાઓથી બચવા માટે કોઈ દેશને જમીની ટુકડો વેચી દેવાને બદલે મોટેભાગે તો ભાડાપટ્ટે આપવાનું ચલણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તે છે. દેવામાં ડૂબી ગયેલો દેશ પોતાની ભૂમિ વેચી દેવાને બદલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અથવા તો ખમતીધર દેશો પાસેથી લોન લેવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો: અમેરિકામાં 37 ગુનેગારનો મૃત્યુદંડ માફ કરાતા ટ્રમ્પ ભડક્યા, કહ્યું- ‘બાઈડેને પીડિતોના પરિવારનું અપમાન કર્યું’


Google NewsGoogle News